ટી20માં ઋષભ પંતનો ખરાબ સમય, તો ઈશાન કિશને ધુંઆધાર બેટિંગ કરી અપાવી રોમાંચક જીત
Rishabh Pant Vs Ishan Kishan: હાલમાં ભારતીય ટીમમાં કેટલીક જગ્યાઓ માટે વધુ ખેલાડીઓની દાવેદારી હોવાના કારણે મજબૂત સ્પર્ધા થઇ રહી છે. એક સમએ આ સ્પર્ધા ઓપનર પદ માટે શરૂ થઇ' હતી, જે હવે લગભગ પૂરી થઈ ગઈ છે. પરંતુ હવે વિકેટકીપરના પદ માટે ત્રણેય ફોર્મેટમાં કઠિન સ્પર્ધા ચાલી રહી છે. આ સ્પર્ધામાં રિષભ પંત અત્યારે આગળ છે, પરંતુ તેની પાછળ અન્ય દાવેદારોની કોઈ કમી નથી. હવે પંતનો ખાસ મિત્ર ઈશાન કિશન ફરી એક વખત પાછો ફર્યો છે, જે ટીમમાં વાપસી માટે ભરપૂર પ્રયાસ કરી રહ્યો છે અને તેણે તેના માટે મજબૂત દાવો કર્યો છે.
ઈશાન અને પંત વચ્ચે ટક્કર
જ્યારથી ઈશાન કિશને ગત ડિસેમ્બરમાં ભારતીય ટીમમાંથી અચાનક બ્રેક લીધો હતો. તેણે બીસીસીઆઈથી લઈને ટીમ મેનેજમેન્ટ સુધીની વાતચીતની અવગણના કરી હતી ત્યારથી તેના ભવિષ્યને લઈને સવાલો ઉઠવા લાગ્યા હતા. ત્યારથી ઈશાન પર બધાની નજર ટકેલી છે. તેણે આઈપીએલમાં કેટલીક શાનદાર ઈનિંગ્સ રમી હતી. આઇપીએલમાં સફળતા મળ્યા બાદ હવે ઈશાને રેડ બોલ ક્રિકેટમાં પુનરાગમન કર્યું છે. અને ટીમને સીધી જીત અપાવી છે, તે પણ એવા સમયે જ્યારે રિષભ પંત તેની ટીમને જીત અપાવવામાં નિષ્ફળ રહ્યો હતો.
પંતના પ્રદર્શનને લઈને ઘણાં સવાલો
હાલમાં ભારતીય ટીમ કોઈ સીરિઝ ન હોવાને કારણે તમામ ખેલાડીઓ બ્રેક પર છે. આ બ્રેક વચ્ચે દિલ્હી અને જિલ્લા ક્રિકેટ એસોસિએશન (DDCA) ની T20 લીગ 17 ઓગસ્ટથી શરૂ થઈ હતી, જેમાં પહેલા મેચમાં પંતે 32 બોલમાં માત્ર 35 રન જ બનાવી શક્યો હતો. તેની ટીમ આ મેચ પણ હારી ગઈ હતી. T20 ક્રિકેટ પંતના પ્રદર્શનને લઈને ઘણાં સવાલો ઉભા થઈ રહ્યા છે. અને આ મેચે ટીકાનો દોર વધુ તીવ્ર બનાવી દીધો છે.
આ પણ વાંચો: ગૌતમ ગંભીરનો જાદુ! ટીમ ઈન્ડિયાના ધરખમ ખેલાડીની અંદરનો 'શેન વૉર્ન' જાગ્યો, ફેન્સ ચોંક્યા
ઈશાનને તેના પુનરાગમનનો માર્ગ મળી ગયો
હાલમાં ટેસ્ટ અને વનડે ટીમમાં પંત પસંદગીકારોની પહેલી પસંદગી હશે તે નિશ્ચિત છે. એક તરફ પંત નિષ્ફળ જઈ રહ્યો છે. તો બીજી તરફ ઈશાન કિશને તમિલનાડુમાં રમાઈ રહેલી બૂચી બાબુ ટુર્નામેન્ટમાં ઝારખંડની કેપ્ટનશીપ કરતા મેચના અંતિમ દિવસે ટીમને 2 વિકેટે જીત અપાવી હતી. ડિફેન્ડિંગ ચેમ્પિયન મધ્યપ્રદેશ સામે ઝારખંડને 175 રનનો લક્ષ્ય આપ્યો હતો. પરંતુ ટીમે 162 રનમાં 8 વિકેટ ગુમાવી દીધી હતી. આ પછી પણ કેપ્ટન ઈશાન કિશને છેલ્લે 3 બોલમાં 2 છગ્ગા ફટકારીને ટીમને રોમાંચક જીત અપાવી હતી. આ સિવાય ઈશાને વિકેટકીપર તરીકે વિકેટ પાછળ કેટલાક શાનદાર કેચ પકડ્યા હતા. આ મેચ તેના માટે સફળ રહી હતી. અને પોતાના દેખાવથી તેણે પસંદગીકારો સમક્ષ પોતાનો દાવો રજૂ કર્યો છે. જોકે, તેની પસંદગીની અત્યારે કોઈ આશા નથી. કારણ કે હાલમાં પંત પર મેનેજમેન્ટનો ભરોસો છે. હવે દુલીપ ટ્રોફીમાં બંને વચ્ચે ટક્કર થશે અને ત્યાં તેમના પ્રદર્શનની વાસ્તવિક સરખામણી થશે. એક વાત નિશ્ચિત છે કે ઈશાનને તેના પુનરાગમનનો માર્ગ મળી ગયો છે.