રિષભ પંતે ટેસ્ટ ક્રિકેટમાં વાપસી માટે આપવી પડશે 'અગ્નિપરીક્ષા'! 3 ખેલાડીઓની ટક્કર
Rishabh Pant: રિષભ પંત T20 અને વનડે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ બાદ હવે ટેસ્ટ ક્રિકેટમાં પણ વાપસી કરવા જઈ રહ્યો છે. મુખ્ય પસંદગીકાર અજિત અગરકરે પહેલેથી જ કહ્યું છે કે પંતને ટેસ્ટ ક્રિકેટમાં લાવવાની તૈયારી ચાલી રહી છે અને તેથી જ તેને વનડે ટીમમાં સામેલ કરાયો હતો. પંત આઈપીએલ 2024 પહેલા 15 મહિના સુધી ક્રિકેટથી દૂર હતો, કારણ કે તેની સાથે જીવલેણ કાર અકસ્માત થયો હતો. આવતા મહીને બાંગ્લાદેશ સામે શરૂ થનારી બે મેચની ટેસ્ટ સીરિઝમાં પંત રમતો જોવા મળી શકે છે.
પંતે છેલ્લે ડિસેમ્બર, 2022માં ટેસ્ટ મેચ રમી હતી. અને તે મહિનાના અંતે જ તેનો અકસ્માત થયો હતો. જેથી તે લાંબા સમય સુધી ક્રિકેટથી દૂર રહ્યો હતો. જો કે હવે તે રેડ બોલ ક્રિકેટમાં વાપસી કરી શકે છે. આઈપીએલ 2024માં શાનદાર પ્રદર્શન અને ફિટનેસને કારણે તેને T20 વર્લ્ડકપ 2024 માટે પસંદ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ તેને શ્રીલંકા સામેની T20 અને વનડે સીરિઝમાં તક આપવામાં આવી. મુખ્ય પસંદગીકાર અજીત અગરકરે કહ્યું કે, હું તેને ટેસ્ટ ક્રિકેટ માટે તૈયાર કરી રહ્યો છું.
ભારતીય ટીમ આવતા મહિને ઘરઆંગણે બાંગ્લાદેશ સામે બે મેચની સીરિઝ રમશે. તે પહેલા દુલીપ ટ્રોફી માટે ખેલાડીઓની જાહેરાત થઇ શકે છે. આ ટુર્નામેન્ટ 5 થી 24 સપ્ટેમ્બર વચ્ચે રમાશે. વિરાટ કોહલી અને રોહિત શર્મા જેવા ખેલાડીઓ પણ આગામી 10 ટેસ્ટ મેચોની તૈયારીને મજબૂત કરવા માટે આ ટુર્નામેન્ટમાં રમી શકે છે. ભારતે હવે બાંગ્લાદેશ સામે 2 ટેસ્ટ મેચ, ઓક્ટોબરમાં ન્યુઝીલેન્ડ સામે 3 અને નવેમ્બર-ડિસેમ્બરમાં ઓસ્ટ્રેલિયાના પ્રવાસ દરમિયાન 5 ટેસ્ટ મેચ રમવાની છે.
એક અહેવાલ અનુસાર પસંદગીકારો પંતને દુલીપ ટ્રોફીમાં તક આપવાનું વિચારી રહ્યા છે. આ પછી સમિતિ બાંગ્લાદેશ સામેની ટેસ્ટ સીરિઝ માટે ભારતીય ટીમની પસંદગીમાં ટીમના વિકેટકીપર તરીકે પંતની પસંદગી કરી શકે છે. પંતની ગેરહાજરીમાં કેએસ ભરતને ટીમમાં તક આપવામાં આવી હતી, પરંતુ તે નિષ્ફળ રહ્યો હતો. ત્યારબાદ ભારતીય ટીમમાં કેએલ રાહુલને વિકેટકીપર બનાવવામાં આવ્યો હતો, જેણે ઈંગ્લેન્ડ સામે શાનદાર પ્રદર્શન કરી ટીમમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું હતું.
દુલીપ ટ્રોફી માટે ધ્રુવ પટેલ, ઇશાન કિશન અને કેએલ રાહુલની પસંદગી કરી હતી. ધ્રુવે ઇંગ્લેન્ડ સામેની મેચમાં સારું પ્રદર્શન કર્યું હતું. આ સ્થિતિમાં પંતને આ ત્રણ વિકેટકીપરોથી ટક્કર મળી શકે છે. જોકે ટીમના કોચ ગૌતમ ગંભીર અને પસંદગીકર અજીત અગરકરની નજર આ ત્રણેય ખેલાડીઓની સામે રહેશે. સાથે પંત તેમના સૌથી મહત્ત્વપૂર્ણ ખેલાડી રહેશે કારણ કે તેણે વિકેટ પાછળ રહીને અને બેટિંગ કરીને વિદેશી ધરતી પર પણ ભારતીય ટીમ માટે ઘણી મેચો જીતી છે.