ગંભીરની ટકોર બાદ ટીમ ઈન્ડિયાનો દિગ્ગજ બેટર કરશે દિલ્હીની રણજી ટીમની કેપ્ટન્સી
Rishabh Pant : દિલ્હી ડિસ્ટ્રીક ક્રિકેટ એસોસિએશન (DDCA) આજે સૌરાષ્ટ્ર સામેની આગામી રણજી ટ્રોફીની મેચ માટે ટીમની જાહેરાત કરી શકે છે. જેમાં રિષભ પંત ટીમમાં પરત ફરી શકે છે. મળતી માહિતી અનુસાર, પંત ટીમનું નેતૃત્ત્વ કરી શકે છે. આ સાથે જ એસોસિએશનને હજુ સુધી વિરાટ કોહલી મેચમાં ભાગ લેશે કે નહિ એ અંગે સ્પષ્ટતા કરી નથી. અહીં તમને જણાવી દઈએ કે, અગાઉ મુખ્ય કોચ ગૌતમ ગંભીરે ખેલાડીઓને ઘરેલું ક્રિકેટ રમવાની ટકોર કરી હતી. DDCAના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, 'પસંદગીકારોની બેઠક મળશે અને સૌરાષ્ટ્ર સામેની મેચ માટે રિષભ પંત કેપ્ટન બને તેવી શક્યતા છે.'
શું કોહલી દિલ્હી માટે રમશે?
અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે 38 સંભવિત ખેલાડીઓનો રણજી કેમ્પ ચાલી રહ્યો છે. ગુરશરણ સિંહની આગેવાની હેઠળની વરિષ્ઠ પસંદગી સમિતિ આગામી મેચ માટે ટીમની પસંદગી કરશે. પંત, કોહલી અને હર્ષિત રાણાને ત્રણ વધારાના ખેલાડીઓ તરીકે રાખવામાં આવ્યા છે. હર્ષિત રાણા ઇંગ્લેન્ડ સામેની T20I ટીમમાં સામેલ થયો હોવાથી તે હાલમાં ઉપલબ્ધ નથી અને એસોસિએશનને હજુ સુધી સ્ટાર બેટર કોહલી તરફથી કોઈ અપડેટ મળ્યું નથી. આ દરમિયાન પંતે ગઈકાલે જ DDCA પ્રમુખ રોહન જેટલીને પોતાની ભાગીદારીની પુષ્ટિ કરી હતી.
આ પણ વાંચો :રોહિત શર્મા અને કોહલીની બેટિંગ સુધારવા BCCIનો માસ્ટર પ્લાન, ગંભીરની ટીમમાં થશે ફેરફાર
દિલ્હી હાલમાં ગ્રૂપમાં ચોથા ક્રમે
દિલ્હી હાલમાં 5 મેચમાં 14 પોઈન્ટ સાથે તેમના ગ્રૂપમાં ચોથા ક્રમે છે. નોકઆઉટ માટે ક્વોલિફાય થવા માટે દિલ્હીએ સૌરાષ્ટ્ર અને રેલવે સામેની છેલ્લી બે મેચમાં મજબૂત પ્રદર્શન કરવાની જરૂર પડશે. ગ્રૂપ-Dમાં હાલમાં તમિલનાડુ 19 પોઈન્ટ સાથે ટોચના સ્થાન પર છે. ત્યારબાદ ચંદીગઢ બીજા ક્રમે છે. જેમના પણ એટલા જ પોઈન્ટ છે.