રિષભ પંતે જાતે જ સમજવું જોઈએ...: બેજવાબદાર બેટિંગ મુદ્દે કેપ્ટન રોહિતની વોર્નિંગ
Rohit Sharma on Rishabh Pant : હાલમાં બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની ચોથી ટેસ્ટ મેચમાં ભારતીય ક્રિકેટ ટીમને ઓસ્ટ્રેલિયા સામે 184 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. મેચ હાર્યા બાદ કેપ્ટન રોહિત શર્માએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં તેમને ઘણાં મુશ્કેલ પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. રોહિત શર્માના જવાબમાં હારની નિરાશા સ્પષ્ટ દેખાતી હતી. આ દરમિયાન તેણે ટીમના વિકેટકીપર અને બેટર રિષભ પંતની બેદરકારીભરી વિશે પણ પોતાનો વિચાર વ્યક્ત કર્યો હતો અને તેણે સ્પષ્ટપણે કહ્યું કે, પંતને હવે તે સમજવાની જરૂર છે, કે પોતાની માટે અને ટીમ માટે તેની શું જરૂર છે.
શું કહ્યું રોહિત શર્માએ?
પ્રેસ કોન્ફરન્સમાં રિષભ પંત આઉટ થવા પર રોહિત શર્માએ કહ્યું હતું કે, 'આ હમણાં જ થયું છે, આજે તેના વિશે કોઈ ચર્ચા થઈ નથી. અમે મેચ હારી ગયા છીએ અને તેને લઈને દરેક ખેલાડી નિરાશ છે કે આ કેવી રીતે બની ગયું. પરંતુ તેમ છતાં રિષભ પંતને સ્પષ્ટપણે સમજવાની જરૂર છે કે તેના માટે શું જરૂરી છે. અમને કંઈ પણ કહેવા કરતા તેને સમજવાની જરૂર છે કે તેના માટે આગળ વધવા માટેનો યોગ્ય રસ્તો કયો છે.'
આ પણ વાંચો : ટેક્નોલોજી 100% સાચી નથી...' યશસ્વીને આઉટ આપવાના વિવાદમાં 'હિટમેન'નું પહેલું નિવેદન
સુનિલ ગાવસ્કરે પણ રિષભને મૂર્ખ કહ્યો
રિષભ પંત માટે પ્રેસ કોન્ફરન્સમાં રોહિત શર્માએ જે કહ્યું તે સ્પષ્ટ દર્શાવે છે કે, શોટ સિલેક્શનમાં રિષભે કરેલી ભૂલોથી કોઈ પણ ખુશ નથી. માત્ર ભારતીય ટીમ મેનેજમેન્ટ જ નહીં પરંતુ ક્રિકેટ ચાહકોની સાથે ભૂતપૂર્વ ક્રિકેટરો પણ નાખુશ છે. પંતના બેદરકાર શોટને જોઈને પૂર્વ દિગ્ગજ ક્રિકેટર સુનિલ ગાવસ્કરે પણ તેને મૂર્ખ કહ્યો હતો.
ખરાબ શોટ રમીને રિષભે વિકેટ ગુમાવી
અહીં તમને જણાવી દઈએ કે મેલબર્ન ટેસ્ટ મેચની બંને ઇનિંગ્સમાં રિષભ પંતે સારી શરૂઆત કરી હતી. પહેલી ઇનિંગમાં પંતે 28 રનનું યોગદાન આપ્યું હતું જ્યારે બીજી ઇનિંગમાં તે 30 રન બનાવીને આઉટ થઇ ગયો હતો. બંને વખત પંત ખરાબ શોટ રમીને આઉટ થયો હતો.