કોચ તરીકે કોણ ચઢિયાતું, દ્રવિડ કે ગંભીર? ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડીએ જે કહ્યું તે જાણી તમે પણ કહેશો- વાહ!
Rishabh Pant On Rahul Dravid And Gautam Gambhir : ભારતીય ટેસ્ટ ક્રિકેટ ટીમમાં પરત ફરવાની તૈયારી કરી રહેલ રિષભ પંતે તાજેતરમાં ગૌતમ ગંભીર અને રાહુલ દ્રવિડના કોચિંગને લઈને નિવેદન આપ્યું હતું. T20 વર્લ્ડકપ 2024 સમાપ્ત થયા બાદ રાહુલ દ્રવિડની ભારતીય ટીમના કોચ તરીકેની મુદત પૂરી થઈ ગઈ હતી. ત્યારબાદ ગૌતમ ગંભીરને ભારતીય ટીમના મુખ્ય કોચ તરીકેની જવાબદારી સોંપાઈ હતી. ટીમના કોચ તરીકે ગંભીરના નેતૃત્વમાં ભારતે શ્રીલંકા સામેની પહેલી સીરિઝ જીતી હતી. જો કે વનડેમાં ભારતે 0-2થી પરાજયનો સામનો કરવો પડ્યો. પંતે દ્રવિડ અને ગંભીરના કોચિંગમાં તફાવત વિષે જણાવ્યું હતું કે, દ્રવિડ સંતુલિત જયારે ગંભીર આક્રમક કોચ છે.
હાલમાં રિષભ પંત દુલિપ ટ્રોફીમાં ભારત-B ટીમ તરફથી રમી રહ્યો છે. ભારત-A સામેના મેચની પહેલી ઇનિંગ્સમાં તે સસ્તામાં આઉટ થઇ ગયો હતો. પંતની નજર આગામી ઇનિંગ્સમાં વધુ સારું પ્રદર્શન કરીને બાંગ્લાદેશ સામેની ટેસ્ટ સીરિઝમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરવા પર હશે.
આ પણ વાંચો: દુલીપ ટ્રોફીમાં ગુજરાતી ખેલાડીની વિસ્ફોટક બેટિંગ, ચોગ્ગા-છગ્ગા ફટકારી પૂરી કરી અડધીસદી
પંતે એક ઈન્ટરવ્યુંમાં જણાવ્યું કહ્યું કે, 'મને લાગે છે કે રાહુલ એક વ્યક્તિ અને કોચ તરીકે ખૂબ સંતુલિત સ્વભાવ ધરાવે છે, અમારા માટે એક ક્રિકેટ ટીમ તરીકે સારી અને ખરાબ ક્ષણો આવતી રહે છે, તે એ વ્યક્તિ પર નિર્ભર કરે છે કે તે સકારાત્મક અથવા નકારાત્મકમાંથી કોને પસંદ કરે છે.'
તેણે વધારામાં જણાવ્યું હતું કે, 'ગોતી ભાઈ વધુ આક્રમક છે, તે હંમેશા જીતવા પર વધારે ભાર આપે છે, પરંતુ તમારે યોગ્ય સંતુલન શોધવાની જરૂર છે, આ આંતરરાષ્ટ્રીય ક્રિકેટનો શ્રેષ્ઠ ભાગ છે કે તમે પોતાની ભૂલને સુધારતા રહો છે અને સંતુલન રાખતા રહો છો.'