ઈજા બાદ રિષભ પંતની મેદાન પર પહેલીવાર થઈ વાપસી, દિલ્હી કેપિટલ્સની પ્રેક્ટિસ મેચમાં લીધો ભાગ
રિષભ પંતે આ પહેલા પણ એક પ્રદર્શની મેચમાં પણ ભાગ લીધો હતો
Image:File Photo |
Rishabh Pant : ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર વિકેટકીપર બેટર રિષભ પંતે ક્રિકેટના મેદાન પર વાપસી કરી છે. ડિસેમ્બર 2022માં કાર અકસ્માતમાં ગંભીરપણે ઈજાગ્રસ્ત થયેલા પંતે પ્રથમ વખત ક્રિકેટ મેદાનમાં વાપસી કરી છે. IPL પહેલા તેણે પોતાની ટીમ દિલ્હી કેપિટલ્સની પ્રેક્ટિસ મેચમાં ભાગ લીધો હતો.
Progressing ⚡️💪#RP17 pic.twitter.com/Um1GOBb4VV
— Rishabh Pant (@RishabhPant17) February 20, 2024
અગાઉ પંતે પ્રદર્શની મેચમાં ભાગ લીધો હતો
રિષભ પંતે કર્ણાટકના અલૂરમાં પોતાની ફ્રેન્ચાઇઝી દિલ્હી કેપિટલ્સ તરફથી આયોજિત પ્રેક્ટિસ મેચમાં ભાગ લીધા બાદ IPLની આગામી સિઝનમાં વાપસી કરવાની રાહ પર છે. પંત NCAમાં રિહેબિલિટેશન હેઠળ છે. તે માર્ચના છેલ્લા અઠવાડિયાની આસપાસ શરુ થનાર IPL પહેલા ફિટનેસ પ્રાપ્ત કરવા સખત મહેનત કરી રહ્યો છે. આ પહેલા પણ પંતે એક પ્રદર્શની મેચમાં પણ ભાગ લીધો હતો.
પંતની ફિટનેસનું મૂલ્યાંકન કરવા માટે મેચનું આયોજન
બેંગલુરુ નજીક અલૂર ખાતે 'ઇન્ટ્રા-સ્કવોડ' મેચનો ઉલ્લેખ કરતા, NCAના એક સૂત્રે જણાવ્યું હતું કે, “આ મેચ મૂળભૂત રીતે રિષભ પંતની ફિટનેસનું મૂલ્યાંકન કરવા માટે હતી. તે છેલ્લા કેટલાક સમયથી નેટ સેશનમાં બેટિંગ કરી રહ્યો છે અને પ્રેક્ટિસ મેચમાં રમવું એ આગળના પગલાં જેવું છે.”
પંતનો 'ઈમ્પેક્ટ પ્લેયર' તરીકે ઉપયોગ થઈ શકે
દિલ્હી કેપિટલ્સના હેડ કોચ રિકી પોન્ટિંગે આ પહેલા કહ્યું હતું કે, “પંત IPLની આગામી સિઝનમાં વાપસી કરવાને લઈને આશ્વસ્ત છે. જો પંત વિકેટકીપરની ભૂમિકા નિભાવવામાં સક્ષમ ન હોય તો તે બેટર તરીકે રમી શકે છે અથવા આગામી IPLમાં તેનો 'ઈમ્પેક્ટ પ્લેયર' તરીકે ઉપયોગ થઈ શકે છે.”
“તે 14 લીગ મેચમાંથી 10 પણ રમશે તો તે ટીમ માટે બોનસ સમાન હશે”
પોન્ટિંગે એક કાર્યક્રમમાં કહ્યું હતું કે, “રિષભને વિશ્વાસ છે કે તે મેચ રમવા માટે ફિટ થઈ જશે. તે ટીમમાં કઈ ભૂમિકામાં હશે તે અંગે અમને હજુ સુધી સંપૂર્ણ ખાતરી નથી. અમે માત્ર આશા રાખી શકીએ છીએ કે તે રમવા માટે ઉપલબ્ધ છે. તે ભલે બધી મેચો ન રમી શકે પરંતુ જો તે 14 લીગ મેચમાંથી 10 પણ રમશે તો તે ટીમ માટે બોનસ સમાન હશે.”