ત્રીજી ટેસ્ટ મેચ પહેલા રિષભ પંતને થઈ ઈજા, અટકાવી દેવાઈ પ્રેક્ટિસ
IND Vs AUS : એડિલેડ ટેસ્ટમાં 10 વિકેટે કારમી હારનો સામનો કર્યા બાદ ભારતીય ટીમ હાલ બ્રિસબેનમાં ઓસ્ટ્રેલીયા સામે યોજાનારી ત્રીજી ટેસ્ટની તૈયારીમાં વ્યસ્ત છે. આ દરમિયાન ભારતીય ટીમનો વિકેટકીપર અને બેટર રિષભ પંત પણ બેટિંગની પ્રેક્ટિસ કરતો જોવા મળ્યો હતો. પરંતુ પ્રેક્ટિસ દરમિયાન રિષભ પંત ઈજાગ્રસ્ત થઇ ગયો હતો. તે એવા સમયે ઈજાગ્રસ્ત થયો છે કે, આગામી ટેસ્ટમાં તેની મહત્ત્વપૂર્ણ ભૂમિકા રહેવાની છે.
આ કારણે રિષભ થયો ઈજાગ્રસ્ત
પ્રેક્ટિસ દરમિયાન નેટ્સમાં થ્રોડાઉન સ્પેશિયાલિસ્ટ રઘુ રિષભ પંતને બોલિંગ કરી રહ્યો હતો. રઘુ સાઇડઆર્મ(ક્રિકેટનું સાધન) વડે બોલિંગ કરીને પંતને પ્રેક્ટિસમાં મદદ કરી રહ્યો હતો. પરંતુ બોલ સીધો તેના હેલ્મેટ પર લાગ્યો હતો. ત્યારે જ પંતને ઈજા થઈ ગઈ હતી. ઈજાગ્રસ્ત થયા બાદ પંતે બેટિંગ પ્રેક્ટિસ બંધ કરી દીધી હતી. ત્યારબાદ મેડિકલ સ્ટાફના સભ્ય, ભારતના ફિલ્ડિંગ કોચ ટી. દિલીપ અને સહાયક કોચ રેયાન ટેન ડોશટ તેની પાસે આવી ગયા હતા. પંતની તપાસ કરવામાં આવી હતી. જોકે રિષભ પંત અત્યારે એકદમ ઠીક છે. તેને સામાન્ય ઈજા થઈ હતી. થોડા સમય પછી પંતે ફરીથી પ્રેક્ટિસ શરૂ કરી દીધી હતી.
આ પણ વાંચો : ના હોય! પાકિસ્તાનની ટીમ કરશે ભારતની 'મદદ', WTC ફાઇનલમાં બની રહ્યું છે આવું સમીકરણ
સીરિઝમાં રિષભનું સતત નિરાશાજનક પ્રદર્શન
હાલમાં ઓસ્ટ્રેલીયા સામે ચાલી રહેલી સીરિઝમાં રિષભ પંત પોતાના બેટથી કોઈ જાદુ દેખાડી શક્યો નથી. પર્થ ટેસ્ટમાં તેનું બેટ શાંત રહ્યું હતું. જ્યારે એડિલેડ ટેસ્ટમાં પણ તે કંઈ ખાસ પ્રદર્શન કરી શક્યો ન હતો. તેણે પર્થ ટેસ્ટની પહેલી ઇનિંગમાં 37 રન અને બીજી ઇનિંગમાં એક રન બનાવ્યા હતા. એડિલેડમાં પણ તે ફ્લોપ રહ્યો હતો. પિંક બોલ ટેસ્ટમાં રિષભે પહેલી ઇનિંગમાં 21 રન બનાવ્યા હતા. તો બીજી ઇનિંગમાં તે 28 રન બનાવી મિચેલ સ્ટાર્કનો શિકાર બન્યો હતો.