CSK સામે પંતે પણ ગિલ જેવી જ મોટી ભૂલ કરી, લાખોનો દંડ ફટકારાયો

Updated: Apr 1st, 2024


Google NewsGoogle News
CSK સામે પંતે પણ ગિલ જેવી જ મોટી ભૂલ કરી, લાખોનો દંડ ફટકારાયો 1 - image
Image:IANS

Rishabh Pant Fined : IPL 2024માં ગઈકાલે રિષભ પંતની આગેવાની હેઠળની દિલ્હી કેપિટલ્સે ચેન્નઈ સુપર કિંગ્સ સામે તેની પ્રથમ જીત નોંધાવી હતી. વિશાખાપટ્ટનમમાં રમાયેલી આ મેચમાં દિલ્હીએ ચેન્નઈને 20 રને હરાવીને જીત મેળવી હતી. પરંતુ આ જીત બાદ દિલ્હી કેપિટલ્સના કેપ્ટન પંતને મોટો ઝટકો લાગ્યો છે. CSK સામેની મેચમાં દિલ્હીના કેપ્ટને એક મોટી ભૂલ કરી, જેના માટે તેને મોટી સજા મળી હતી.

DCના કેપ્ટનને મળી સજા

ચેન્નઈ સુપર કિંગ્સ સામેની મેચમાં સ્લો ઓવર રેટના કારણે દિલ્હી કેપિટલ્સના કેપ્ટન રિષભ પંતને દંડ ફટકારવામાં આવ્યો હતો. ટુર્નામેન્ટમાં ન્યૂનતમ ઓવર રેટના ગુનાઓ સંબંધિત IPL આચાર સંહિતા હેઠળ દિલ્હી કેપિટલ્સનો આ પહેલો કેસ હતો, જેના માટે તેને 12 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો.

ગુજરાત ટાઈટન્સના કેપ્ટનને પણ દંડ ફટકારવામાં આવ્યો હતો

જણાવી દઈએ કે IPL 2024માં આ દંડનો સામનો કરનાર પંત પ્રથમ નહીં પરંતુ બીજો કેપ્ટન બન્યા છે. આ પહેલા ગુજરાત ટાઇટન્સનો કેપ્ટન શુભમન ગિલ તેનો શિકાર બની ચૂક્યો છે. એમ ચિદમ્બરમ સ્ટેડિયમમાં 26 માર્ચના રોજ ગુજરાત ટાઈટન્સ ચેન્નઈ સુપર કિંગ્સ સામે રમ્યું હતું. આ મેચમાં ગુજરાતના કેપ્ટન શુભમન ગિલને પણ સ્લો ઓવર રેટના કારણે દંડ ફટકારવામાં આવ્યો હતો. ગિલને 12 લાખ રૂપિયાના દંડનો સામનો કરવો પડ્યો હતો.

ધોનીની ધમાકેદાર બેટિંગ

મેચની વાત કરીએ તો પ્રથમ બેટિંગ કરતા DCએ 20 ઓવરમાં 5 વિકેટના નુકસાને 191 રન બનાવ્યા હતા. DC માટે ડેવિડ વોર્નરે 52 રન અને કેપ્ટન રિષભ પંતે 159.38ના સ્ટ્રાઈક રેટથી 32 બોલમાં 51 રન બનાવ્યા હતા. પંતે પોતાની ઇનિંગમાં 4 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા હતા.  જવાબમાં ચેન્નઈ સુપર કિંગ્સ 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને માત્ર 171 રન જ બનાવી શક્યું હતું. CSKએ ભલે હારનો સામનો કરવો પડ્યો, પરંતુ પૂર્વ કેપ્ટન એમએસ ધોનીએ પોતાની બેટિંગથી ચાહકોને ખુશ કરી દીધા હતા. ધોનીએ 16 બોલમાં 4 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી અણનમ 37 રન બનાવ્યા હતા. રહાણેએ ચેન્નઈ માટે 45 રનની સૌથી મોટી ઈનિંગ રમી હતી.

CSK સામે પંતે પણ ગિલ જેવી જ મોટી ભૂલ કરી, લાખોનો દંડ ફટકારાયો 2 - image


Google NewsGoogle News