પંતે રચ્યો ઇતિહાસ, ટેસ્ટને બનાવી T20! કાંગારુઓની ધરતી પર સૌથી ઝડપી અડધી સદીનો રેકોર્ડ બનાવ્યો
IND Vs AUS, Rishabh Pant : હાલમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ટેસ્ટ સીરિઝની છેલ્લી મેચ સિડનીમાં રમાઈ રહી છે. બીજા દિવસે બીજી ઇનિંગમાં રિષભ પંત ટેસ્ટ નહી પરંતુ કોઈ T20ની મેચ રમતો હોય એ રીતે તોફાની સ્ટાઈલમાં જોવા મળ્યો હતો. પંતે આવતાની સાથે જ સ્કોટ બોલેન્ડના પહેલા બોલ પર છગ્ગો ફટકાર્યો હતો. પંત અહીં જ અટક્યો ન હતો. તેણે ઓસ્ટ્રેલિયાના દરેક બોલર સામે તોફાની બેટિંગ કરી હતી. આ સાથે પંતે પોતાના નામે એક ખાસ રેકોર્ડ નોંધાવ્યો છે.
ઓસ્ટ્રેલિયામાં પંતે બનાવ્યો આ રેકોર્ડ
સિડની ટેસ્ટની બીજી ઇનિંગમાં રિષભ પંતે શાનદાર બેટિંગ કરી હતી. તેણે માત્ર 29 બોલમાં અડધી સદી ફટકારી હતી. હવે પંત ઓસ્ટ્રેલિયામાં સૌથી ઝડપી ટેસ્ટ અડધી સદી ફટકારનાર મહેમાન બેટર બની ગયો છે. આ પહેલા આ રેકોર્ડ ઈંગ્લેન્ડના જોન બ્રાઉન અને વેસ્ટ ઈન્ડિઝના રોય ફ્રેડરિક્સના નામે હતો. જેમણે ઓસ્ટ્રેલિયાની ધરતી પર ટેસ્ટ ક્રિકેટમાં 33 બોલમાં અડધી સદી ફટકારી હતી.
ટેસ્ટમાં સૌથી ઝડપી અડધી સદી ફટકારનાર પંત ભારતીય બેટર
ટેસ્ટ ક્રિકેટમાં રિષભ પંતની આ બીજી સૌથી ઝડપી અડધી સદી છે. આ પહેલા વર્ષ 2022માં પંતે શ્રીલંકા સામે ટેસ્ટ મેચમાં માત્ર 28 બોલમાં અડધી સદી ફટકારી હતી. પંત ટેસ્ટ ક્રિકેટમાં સૌથી ઝડપી અડધી સદી ફટકારનાર ભારતીય બેટર છે. આ સિવાય યશસ્વી જયસ્વાલ અને શાર્દુલ ઠાકુરે ટેસ્ટ ક્રિકેટમાં 31-31 બોલમાં અડધી સદી ફટકારી છે. સન 1982માં ભારતીય ટીમના પૂર્વ દિગ્ગજ કેપ્ટન કપિલ દેવે પહેલી વખત ભારત માટે સૌથી ઝડપી અડધી સદી ફટકારવાની સિદ્ધિ હાંસલ કરી હતી. કપિલ દેવે પાકિસ્તાન સામે 30 બોલમાં અડધી સદી ફટકારી હતી.
પંતની 61 રનની શાનદાર ઇનિંગ
રિષભ પંતે સિડની ટેસ્ટની બીજી ઇનિંગમાં માત્ર 31 બોલમાં 61 રનની ઇનિંગ રમી હતી. આ ઇનિંગ દરમિયાન તેણે 6 ચોગ્ગા અને 4 ગગનચુંબી છગ્ગા ફટકાર્યા હતા. તેમાંથી પંતે મિચેલ સ્ટાર્ક સામે સતત 2 છગ્ગા ફટકાર્યા હતા.