રિષભ પંત પર મંડરાયો પ્રતિબંધનો ખતરો! આ ભૂલને કારણે BCCIએ આખી ટીમ પર લાખોનો દંડ ફટકાર્યો
Image:IANS |
Rishabh Pant : રિષભ પંતની આગેવાની હેઠળની દિલ્હી કેપિટલ્સને ગઈકાલે કોલકાતા નાઈટ રાઈડર્સ સામેની મેચમાં 106 રનથી કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. આ કારમી હાર બાદ દિલ્હીના કેપ્ટન અને તેની ટીમને વધુ એક મોટો ઝટકો લાગ્યો હતો. BCCIએ તેના પર લાખો રૂપિયાનો દંડ લગાવ્યો છે. આ વખતે BCCIએ આ દંડ માત્ર કેપ્ટન પર જ નહીં પરંતુ સમગ્ર ટીમ પર લગાવ્યો છે. દિલ્હી કેપિટલ્સની ટીમ KKR સામે સ્લો ઓવર રેટ માટે દોષી સાબિત થઈ છે. IPL 2024માં દિલ્હીની ટીમ દ્વારા બીજી વખત આ ભૂલ થઈ છે, જેના કારણે કેપ્ટન સહિત સમગ્ર ટીમ પર આ દંડ લગાવવામાં આવ્યો છે. આ સાથે રિષભ પંત પર એક મેચના પ્રતિબંધનો ખતરો પણ મંડરાઈ રહ્યો છે.
પંત ફરી સ્લો ઓવર રેટ માટે દોષિત
IPL પ્રેસ રિલીઝ મુજબ, "દિલ્હી કેપિટલ્સના કેપ્ટન રિષભ પંતને 3 એપ્રિલે વિશાખાપટ્ટનમના ડૉ. વાયએસ રાજશેખર રેડ્ડી એસીએ-વીડીસીએ ક્રિકેટ સ્ટેડિયમમાં કોલકાતા નાઈટ રાઈડર્સ સામેની IPL 2024ની મેચ દરમિયાન તેની ટીમ દ્વારા સ્લો ઓવર રેટ જાળવી રાખ્યા બાદ દંડ લાદવામાં આવ્યો છે."
પંતને 24 લાખ રૂપિયાનો દંડ
પ્રેસ રિલીઝમાં આગળ જણાવવામાં આવ્યું છે કે, "IPLની આચાર સંહિતા હેઠળ ન્યૂનતમ ઓવર રેટના ગુનાને લગતો આ તેની ટીમનો સિઝનનો બીજો ગુનો હોવાથી, પંતને 24 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. ઈમ્પેક્ટ પ્લેયર સહિત પ્લેઇંગ-11ના બાકીના સભ્યોને વ્યક્તિગત રીતે 6 લાખ રૂપિયા અથવા તેમની સંબંધિત મેચ ફીના 25 ટકા જે ઓછું હોય તે દંડ ફટકારવામાં આવ્યો છે."
શું કહે છે IPLના નિયમો?
જણાવી દઈએ કે જો દિલ્હી કેપિટલ્સ ટીમ આ સિઝનમાં ત્રીજી વખત સ્લો ઓવર રેટ માટે દોષી સાબિત થાય છે, તો કેપ્ટન પર એક મેચ માટે પ્રતિબંધ પણ લાગી શકે છે. IPLના નિયમો અનુસાર જો ટીમ ત્રીજી વખત આ ભૂલ કરે છે, તો કેપ્ટન પર 30 લાખ રૂપિયાના દંડની સાથે એક મેચ માટે પ્રતિબંધ લગાવવામાં આવશે, આ સાથે ટીમના બાકીના ખેલાડીઓને 12 લાખ રૂપિયાનો દંડ અથવા તેમની મેચ ફીના 50% દંડ (જે ઓછું હોય તે) ફટકારવામાં આવશે.