IND vs SA : રિંકુ સિંહે એવો છગ્ગો માર્યો કે તૂટી ગયો મીડિયા બોક્સનો કાંચ, જુઓ વીડિયો
રિંકુ સિંહે 30 બોલમાં પોતાની પ્રથમ T20I ફિફ્ટી ફટકારી હતી
Image:Twitter |
IND vs SA 2nd T20I : ભારતીય ક્રિકેટ ટીમ હાલ સાઉથ આફ્રિકાના પ્રવાસે છે. ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે 3 મેચની T20I સિરીઝ રમાઈ રહી છે. સિરીઝની પ્રથમ મેચ વરસાદના કારણે ધોવાઇ ગઈ હતી. બીજી T20I ગઈકાલે પોર્ટ એલિઝાબેથમાં રમાઈ હતી. આ મેચમાં રિંકુ સિંહે તાબડતોડ બેટિંગ કરી હતી. રિંકુ સિંહે 30 બોલમાં પોતાની પ્રથમ T20I ફિફ્ટી ફટકારી હતી. આ દરમિયાન રિંકુના એક છગ્ગાનો વીડિયો સોશ્યલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહ્યો છે.
રિંકુ સિંહના છગ્ગાએ તોડ્યો મીડિયા બોક્સનો કાંચ
ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાઈ રહેલી બીજી T20I મેચ દરમિયાન રિંકુ સિંહે તાબડતોડ બેટિંગ કરતા સમયે એવો લાંબો છગ્ગો માર્યો જેણે મીડિયા બોક્સ(Rinku Singh Broke Glass Of Media Box)નો કાંચ તોડી નાખ્યો હતો. આ છગ્ગો જોઈ ક્રિકેટ ચાહકો પણ આશ્ચર્યચકિત થઇ ગયા હતા. રિંકુએ આ છગ્ગો 19 ઓવર ફેંકવા આવેલા સાઉથ આફ્રિકાના કેપ્ટન એડન માર્કરમની ઓવરની પાંચમી બોલ પર ફટકાર્યો હતો.
વરસાદના કારણે બાધિત થઇ મેચ
ભારત અને સાઉથ આફિકા વચ્ચેની બીજી T20I મેચ 19.3 ઓવર બાદ વરસાદના કારણે રોકાઈ ગઈ હતી. તે સમયે ભારતનો સ્કોર 7 વિકેટના નુકસાને 180 રન હતો. રિંકુ સિંહ મેચ બાધિત થઇ ત્યારે 68 રનના સ્કોર પર નોટઆઉટ હતો. જો કે સાઉથ આફ્રિકાને DLS પદ્ધતિ મુજબ જીતવા માટે 15 ઓવરમાં 152 રનનો ટાર્ગેટ મળ્યો હતો. જેને સાઉથ આફ્રિકાની ટીમે 7 બોલ બાકી રહેલા હાંસલ કરી લીધો હતો.