54 રનમાં 4 વિકેટ પડી ગઈ, કેપ્ટન રીન્કુ સિંહે આવીને શરૂ કરી દીધી ફટકાબાજી, હારેલી બાજી જીતાડી
Rinku Singh Meerut Mavericks : રિંકુ સિંહ આજકાલ અન્ય કેટલાક ભારતીય ક્રિકેટર્સની જેમ ઘરેલુ ક્રિકેટમાં રમી રહ્યો છે અને પોતાનું કરતબ બતાવી રહ્યો છે. એક તરફ દિલ્હીમાં પ્રીમિયર લીગ ચાલી રહી છે તો બીજી તરફ બૂચી બાબુ ટુર્નામેન્ટ અને દુલિપ ટ્રોફી જેવી ટુર્નામેન્ટમાં દેશના ક્રિકેટરો રમી રહ્યા છે. રીન્કુ સિંહ હાલ યુપી T20 લીગમાં મેરઠ મેવરિક્સ ટીમની કેપ્ટન્સી કરી રહ્યો છે.
ટીમે 54ના સ્કોર પર 4 વિકેટ ગુમાવી
રીન્કુએ ફરી પોતાની બેટિંગનો પરચો બતાવ્યો છે અને તેની શાનદાર ઇનિંગ્સના આધારે મેરઠ મેવરિક્સે યુપી T20 લીગમાં જબરદસ્ત જીત નોંધાવી હતી. જ્યારે તેની ટીમ 54ના સ્કોર પર 4 વિકેટ ગુમાવી ચૂકી હતી ત્યારે તે બેટિંગ માટે ઉતર્યો હતો. મેરઠ મેરઠ મેવરિક્સને 153 રનનો ટાર્ગેટ મળ્યો હતો. આ મેચમાં કાનપુર સુપરસ્ટાર્સે પ્રથમ બેટિંગ કરતા 8 વિકેટે 152 રન બનાવ્યા હતા.
જવાબમાં બીજી બેટિંગ કરવા ઉતરેલી ટીમ મેરઠની શરૂઆત સારી રહી ન હતી અને ટીમ તેના ટોપ ઓર્ડરના 4 બેટ્સમેનોની વિકેટ ગુમાવી દેતાં ફસાઈ ગઈ હતી. ત્યાર પછી ફિનિશર રિંકુ સિંહનો જાદુ જોવા મળ્યો. જેણે 35 બોલમાં 48 રનની અણનમ ઇનિંગ રમી હતી અને 17.4 ઓવરમાં ટીમને શાનદાર જીત અપાવી હતી. મેરઠે આ મેચ 6 વિકેટે જીતી લીધી હતી. મેરઠની આ સતત બીજી જીત છે.
153 રનના લક્ષ્યાંક સામે મેરઠ મેવરિક્સની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. ઓપનર અક્ષય દુબે ખાતુ ખોલાવ્યા વગર જ પેવેલિયન પરત ફર્યો હતો. પ્રથમ વિકેટ વહેલી ગુમાવ્યા બાદ સ્વસ્તિક ચિકારા અને માધવ કૌશિકે મેરઠ મેવરિક્સની ઇનિંગ્સને સંભાળવાનો પ્રયાસ કર્યો હતો. ચિકારા 13 બોલમાં 23 રન બનાવીને આઉટ થયો હતો જ્યારે કૌશિકે 25 રન બનાવ્યા હતા. ત્યાર પછી ઉવેશ અહેમદ અને રિંકુ સિંહે ટીમને મુશ્કેલીમાંથી બહાર કાઢવાની જવાબદારી લીધી હતી અને બંને અણનમ રહ્યા અને ટીમને જીત તરફ દોરી ગયા.
ફિનિશર રિંકુ સિંહનો જાદુ
રિંકુ સિંહે 35 બોલમાં 4 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી અણનમ 48 રન બનાવ્યા હતા જ્યારે ઉવેશ અહેમદે 34 બોલમાં 2 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી અણનમ 48 રન બનાવ્યા હતા. આખરે 14 બોલ બાકી ત્યારે જ મેરઠ મેવેરિક્સની ટીમે મેચ જીતી લીધી હતી. રિંકુ સિંહે ખૂબ જ ઓછા સમયમાં ટી-20માં ટીમ ઈન્ડિયામાં પોતાનું સ્થાન મજબૂત કરી લીધું છે. તેની નજર હવે ટેસ્ટ ક્રિકેટમાં પદાર્પણ કરવા પર છે. રિંકુનું કહેવું છે કે જો તેને ટેસ્ટ મેચ રમવાનો મોકો મળે તો તેનાથી વધુ સારું બીજું કંઈ નહીં હોય.
2023માં રિંકુ સિંઘે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પદાર્પણ કર્યું હતું
26 વર્ષીય રિંકુ સિંહે 18 ઓગસ્ટ 2023ના રોજ T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પદાર્પણ કર્યું હતું. આ પછી, તેણે તે જ વર્ષે ડિસેમ્બરમાં વન-ડે ઇન્ટરનેશનલ ડેબ્યૂ કર્યું હતું. તેણે 23 T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં 418 રન બનાવ્યા છે જેમાં 2 અડધી સદી સામેલ છે. રિંકુના નામે 2 ODI મેચમાં 55 રન છે. આગામી સમયમાં રીન્કુ ભારતીય ટેસ્ટ ક્રિકેટ ટીમમાં પણ સ્થાન મેળવી શકે તેવી શક્યતાને નકારી શકાય નહીં.