સચિનનો રેકોર્ડ ભારતીય કે ઓસ્ટ્રેલિયન નહીં પણ આ ક્રિકેટર તોડશે, પોન્ટિંગને વિશ્વાસ
Ricky Ponting: ઓસ્ટ્રેલિયન પૂર્વ ક્રિકેટર અને કેપ્ટન રિકી પોન્ટિંગે સચિન તેંડુલકરના રેકોર્ડને લઈને એક મોટું નિવેદન આપ્યું છે. તેણે એક અંગ્રેજ ક્રિકેટરનું નામ આપીને કહ્યું હતું કે સચિનનો રેકોર્ડ આ ખેલાડી તોડી શકે એમ છે.
રિકી પોન્ટિંગે કહ્યું હતું કે ઇંગ્લિશ ક્રિકેટર જો રુટ સચિન તેંડુલકરના સૌથી વધુ ટેસ્ટ રનનો રેકોર્ડ તોડી શકે એમ છે. તેણે કહ્યું હતું કે, ' જો રુટ 33 વર્ષનો છે. સર્વાધિક રનના રેકોર્ડના મામલે તે સચિનથી 3000 રન પાછળ છે. હવે તે કેટલી ટેસ્ટ રમે છે તેના પર નિર્ભર કરે છે પરંતુ જો એક વર્ષમાં 10-14 ટેસ્ટ રમે અને વર્ષે દહાડે 800-1000 રન બનાવે તો તે 3થી 4 વર્ષમાં સચિનનો રેકોર્ડ તોડી શકે છે.'
જો રુટ જબરદસ્ત ફોર્મમાં
પોન્ટિંગે તાજેતરમાં જ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે નવેમ્બર-ડિસેમ્બરમાં યોજાનાર બોર્ડર ગાવસ્કર ટ્રોફી અંગે કહ્યું હતું કે પાંચ મેચની બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં પેટ કમિન્સની આગેવાની હેઠળની ઓસ્ટ્રેલિયન ટીમ 3-1થી શ્રેણી જીતશે. છેલ્લા બે વખતથી ભારતીય ટીમનું પ્રભુત્વ વધ્યું છે. ભારતે ઓસ્ટ્રેલિયામાં તેની છેલ્લી બે ટેસ્ટ શ્રેણી (બોર્ડર-ગાવસ્કર ટ્રોફી) 2-1થી જીતી છે.
ભારત હવે બાંગ્લાદેશ સામે ઘરઆંગણે ટેસ્ટ અને ટી-20 શ્રેણી રમશે. ત્યાર બાદ ટીમ ઈન્ડિયા ન્યૂઝીલેન્ડ સામે ઘરઆંગણે ટેસ્ટ શ્રેણી રમશે. ત્યાર પછી ભારતીય ક્રિકેટ ટીમ સાઉથ આફ્રિકા સામે ટી-20 સીરિઝ રમશે. વર્ષના અંતે નવેમ્બર ડિસેમ્બર મહિનામાં ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયા જશે. જ્યાં ટીમ બોર્ડર ગાવસ્કર ટ્રોફી રમશે. આ શ્રેણીમાં 5 ટેસ્ટ મેચ રમાશે. હવે તેમને 22 નવેમ્બરથી શરૂ થનારી પાંચ ટેસ્ટ મેચની શ્રેણીમાં હાલની વર્લ્ડ નંબર વન ટેસ્ટ ટીમ ઓસ્ટ્રેલિયાનો સામનો કરવાનો છે.
ફેબ ફોરમાં પણ સૌથી આગળ
વર્તમાન ક્રિકેટ જગતના 4 ખેલાડીઓને 'ફેબ ફોર' ના નામે ઓળખવામાં આવે છે. જેમાં કોહલી, સ્મિથ, રુટ અને વિલિયમસનનો સમાવેશ થાય છે. ઓવરઓલ રેકોર્ડ સિવાય જો આધુનિક ફેબ ફોરની વાત કરીએ તો જો રૂટ તેનાં અન્ય ત્રણ સમકાલીન મહાન બેટર્સ કરતાં ઘણો આગળ નીકળી ગયો છે. ફેબ ફોરમાં જો રૂટ એકમાત્ર એવો બેટ્સમેન છે જેણે 10 હજારથી વધુ ટેસ્ટ રન બનાવ્યા છે. ઓસ્ટ્રેલિયન પૂર્વ કેપ્ટન સ્ટીવ સ્મિથ આ યાદીમાં બીજા નંબરે છે. તેણે 109 ટેસ્ટ મેચમાં 9685 રન બનાવ્યા છે. ત્યાર બાદ પૂર્વ ભારતીય કેપ્ટન વિરાટ કોહલી છે. જેના નામે 113 ટેસ્ટમાં 8848 રન છે. કેન વિલિયમસનઆ ચાર મોર્ડન એરા ગ્રેટ બેટર્સમાં ચોથા સ્થાને છે. ન્યૂઝીલેન્ડના આ જેન્ટલમેન બેટ્સમેને 100 ટેસ્ટ મેચમાં 8743 રન બનાવ્યા છે.