IPL 2024: ટ્રોફી જીતવા RCBએ વણવા પડશે પાપડ, આ બે ટીમો પાસે છે 'ગોલ્ડન ચાન્સ'
Image Twitter |
Royal Challengers Bengaluru: IPL 2024 પૂરી થવામાં હવે માત્ર 6 દિવસ બાકી છે, પરંતુ આ 6 દિવસોમાં ચાહકો એક મહિનાનો રોમાંચ જોવા મળશે. પ્લેઓફ માટે ચાર ટીમો KKR, SRH, RR અને RCB સામે આવી ગઈ છે. સતત 6 મેચ હાર્યા પછી RCBએ અવિશ્વસનીય અંદાજમાં પોઈન્ટ ટેબલ પર ચઢી દરેકને ચોંકાવી દીધા. પરંતુ ટાઈટલ જીતવા માટે ટીમનું ગણિત હેટ્રિકમાં અટવાઈ જતું જોવા મળી રહ્યું છે. RCB જીતની ડબલ હેટ્રિક ફટકારીને પ્લેઓફમાં પહોંચી ગઈ છે. પરંતુ આરસીબીનો ટ્રોફી જીતવા માટેનો રસ્તો હજુ આસાન નથી.
ટાઈટલ જીતવા માટે બીજી હેટ્રિક લગાવવી પડશે
પ્લેઓફમાં પહોંચનારી RCB ચોથી ટીમ હતી. એવામાં ટીમને ટ્રોફી સુધી પહોંચવા માટે પાપડ વણવા પડશે. ડબલ હેટ્રિક બાદ ટીમને ટાઈટલ જીતવા માટે બીજી હેટ્રિક ફટકારવી પડશે. એટલે કે સતત 6 મેચ જીત્યા બાદ જો RCB સતત 3 વધુ મેચ જીતે તો ખિતાબ તેના હાથમાં આવે. પરંતુ જેટલુ કહીએ તેટલું આ સરળ કાર્ય નથી. 22 મેના રોજ RCBએ પહેલા રાજસ્થાનને હરાવવું પડશે. ત્યાર બાદ ક્વોલિફાયર 2 માં જીત્યા પછી ફાઇનલ ટિકિટ કાપવી પડશે. ત્યાર બાદ ફાઈનલ પણ જીતવી પડશે, તો જ ટીમને ટાઇટલ મળી શકે છે.
કોના માટે આ રસ્તો સૌથી સહેલો છે?
IPL 2024માં ટ્રોફી સુધી પહોંચવાનો સૌથી સરળ રસ્તો હાલમાં કોલકાતા અને હૈદરાબાદ માટે જોવા મળી રહ્યો છે. ક્વોલિફાયર-1માં બંને ટીમો ટકરાશે. તેમા જે પણ ટીમ જીતશે તે સીધી ફાઇનલમાં પહોંચી જશે. જો કે હારનાર ટીમને પણ એક તક મળશે. હારનાર ટીમ ક્વોલિફાયર-2માં પહોંચશે અને એલિમિનેટર મેચમાં વિજેતા ટીમનો સામનો કરવો પડશે. એટલે KKR અને SRH માટે ટ્રોફી સુધી પહોંચવાનો રસ્તો એકદમ આસાન દેખાઈ રહ્યો છે.
પ્લેઓફનું સંપુર્ણ શેડ્યૂલ
21 મેના રોજ કોલકાતા અને હૈદરાબાદ વચ્ચે ક્વોલિફાયર-1 રમાશે. RCB અને RR વચ્ચે 22 મેના રોજ એલિમિનેટર મેચ રમાશે. તે પછી ક્વોલિફાયર-2 તા. 24મી મેના રોજ રમાશે. અને એ પછી IPL 2024 ની વિજેતા ટીમ 26 મી મેના રોજ જાહેર થશે.