VIDEO : કોહલી અને ગંભીર વચ્ચેના વિવાદનો થયો અંત! બંને એકબીજાને ગળે મળ્યા
Image:IANS |
Virat Kohli And Gautam Gambhir Hugged Each Other : વિરાટ કોહલી અને ગૌતમ ગંભીર વચ્ચે ચાલી રહેલા વિવાદનો ગઈકાલે સાંજે અંત આવ્યો હતો. કોલકાતા નાઈટ રાઈડર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાયેલી મેચમાં બંને એકબીજાને ગળે લગાવતા જોવા મળ્યા હતા. આ રીતે બંને દિગ્ગજો વચ્ચે સમાધાન થયું. તેનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
KKRએ 7 વિકેટે જીત મેળવી
IPL 2024ની 10મી મેચમાં RCBએ પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 182 રન બનાવ્યા હતા. જવાબમાં કોલકાતાએ 19 બોલ બાકી રહેતા ટાર્ગેટ હાંસલ કરી લીધો હતો અને RCBને 7 વિકેટે હરાવ્યું હતું. આ જીત સાથે કોલકાતા પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને પહોંચી ગયું છે. ટીમના ખાતામાં 4 પોઈન્ટ છે જ્યારે RCB 2 પોઈન્ટ સાથે છઠ્ઠા સ્થાને છે.
કોહલીએ ફટકારી 52મી ફિફ્ટી
RCBના સ્ટાર બેટર વિરાટ કોહલીએ કોલકાતા સામે શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે KKR સામે તેના IPL કરિયરની 52મી ફિફ્ટી ફટકારી હતી. કોહલીએ 59 બોલમાં 83 રનની અણનમ ઇનિંગ રમી હતી. ટાઈમ આઉટ દરમિયાન KKRના મેન્ટર ગૌતમ ગંભીરે પણ વિરાટને ગળે લગાવ્યો હતો. આ દરમિયાન બંને વચ્ચે થોડી વાતચીત પણ થઈ હતી, જો કે બંને હસતા જોવા મળ્યા હતા. ગંભીર અને કોહલીના ચાહકો માટે આ ખૂબ જ સારા સમાચાર છે. તેનો વીડિયો પણ હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
શાસ્ત્રી-ગાવસ્કરે કરી ખાસ માંગ
કોહલી અને ગંભીરને ગળે મળતા જોઈને કોમેન્ટ્રી બોક્સમાં બેઠેલા રવિ શાસ્ત્રી અને સુનીલ ગાવસ્કરે ફની કોમેન્ટ કરી હતી. શાસ્ત્રીએ કહ્યું, "KKRને આ માટે ફેર પ્લે એવોર્ડ મળવો જોઈએ." જ્યારે ગાવસ્કરે કહ્યું, "ફક્ત ફેરપ્લે એવોર્ડ જ નહીં, ઓસ્કાર એવોર્ડ પણ આપવો જોઈએ."