RCB vs DC : કોહલી-કૃણાલની દમદાર બેટિંગથી બેંગલુરુની જીત, દિલ્હીને 6 વિકેટથી હરાવ્યું
RCB vs DC IPL 2025 : આઈપીએલ-2025માં આજે (27 એપ્રિલ) રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) અને દિલ્હી કેપિટલ્સ (DC) વચ્ચે વચ્ચે મેચ રમાઈ હતી. આ મેચમાં RCB એ 6 વિકેટથી જીત મેળવી છે. RCBએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનું નિર્ણય લીધું હતું. જે પછી આરસીબીના બોલર્સે શાનદાર બોલિંગ કરીને બેટિંગ કરવા ઉતરેલી દિલ્હીને 8 વિકેટના નુકસાન પર 162 રન પર અટકાવી દીધી હતી. ટાર્ગેટ ચેઝ કરવા ઉતરેલી RCBએ 18.3 ઓવરમાં 165 રન ફટકારી જીત મેળવી હતી.
મેચમાં DCનું પ્રદર્શન
પહેલા બેટિંગ કરવા ઉતરેલી દિલ્હીની ટીમની શરૂઆત ખરાબ રહી હતી. ચોથી ઓવરમાં અભિષેક પોરેલ 11 બોલમાં 28 રન બનાવીને આઉટ થઇ ગયો હતો. જે પછી બીજી જ ઓવરમાં કરુણ નાયરે પણ 4 બોલમાં 4 રન બનાવીને વિકેટ ગુમાવી હતી. દિલ્હી તરફથી કે.એલ. રાહુલે સૌથી વધુ 39 બોલમાં 41 રન ફટકાર્યા હતા. રાહુલ બાદ ટ્રીસ્ટન સ્ટબ્સે 18 બોલમાં 34 રન બનાવ્યા હતા. આમ, દિલ્હીએ 8 વિકેટ ગુમાવીને 163 રનનો ટાર્ગેટ આપ્યો હતો.
દિલ્હીના બોલર્સ ફ્લોપ
બોલિંગની વાત કરીએ તો દિલ્હીના બોલર્સ પણ કંઇ ખાસ કમાલ કરી શક્યા નહોતા. શરૂઆતમાં અક્ષર પટેલે 2 અને દુષમંથા ચમીરાએ 1 વિકેટ ઝડપી મજબૂત સ્થિતિ બનાવી હતી. જો કે, પછી કોહલી અને કૃણાલ સામે દિલ્હીના બોલર્સ ફ્લોપ સાબિત થયા હતા.
મેચમાં RCBનું પ્રદર્શન
દિલ્હી કેપિટલ્સે આપેલા 163 રનના ટાર્ગેટને ચેઝ કરવા ઉતરેલી બેંગલુરુની ટીમની શરૂઆત પણ ખરાબ સાબિત થઇ હતી. બેંગલુરુની ટીમે 26 રન પર જેકોબ બેથલ, દેવદત પડીકલ અને રજત પાટીદારની એમ કુલ ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. જો કે, ત્યાર બાદ વિરાટ કોહલી અને કૃણાલ પંડ્યાએ મળીને બાજી સંભાળી હતી. બંને બેટરોએ કપરી પરિસ્થિતિમાં શાનદાર બેટિંગ કરી હતી. વિરાટ કોહલીએ 47 બોલમાં 51 રન બનાવ્યા હતા, જ્યારે કૃણાલ પંડ્યાએ 47 બોલમાં 73 રન ફટકાર્યા હતા. આ બંનેની ઇનિંગના સહારે RCBએ મેચ જીતી હતી.
બોલિંગમાં પણ RCBનો તરખાટ
રોયલ ચેલેન્જર્સ બેંગલુરુની બોલિંગની વાત કરીએ તો ભુવનેશ્વર કુમારે 3, જોશ હેઝલવૂડે 2 અને યશ દયાલ તેમજ કૃણાલ પંડ્યાએ 1-1 વિકેટ ઝડપી હતી. આમ RCBના બોલર્સની સામે દિલ્હી કેપિટલ્સનું બેટિંગ લાઇનઅપ ફ્લોપ ગયું. આ મેચ બાદ પોઇન્ટ ટેબલમાં ફેરફાર થયો છે. જીત સાથે RCB પોઇન્ટ ટેબલ પર ફરી ટોપ પર આવી ગઇ છે. મેચ પહેલા RCBની ટીમ ચોથા સ્થાને હતી. બીજી બાજુ દિલ્હી કેપિટલ્સની ટીમ ત્રીજા ક્રમ પરથી સરકીને ચોથા ક્રમે આવી ગઇ છે.