ફરી વિરાટ કોહલીને જ બનાવી દેવો જોઈએ RCBનો કેપ્ટન: હરભજન સિંહે કેમ આપી આવી સલાહ?
IPL: વર્લ્ડ કપ વિજેતા ભૂતપૂર્વ ભારતીય સ્પિનર હરભજન સિંહે વિરાટ કોહલીને મોટી સલાહ આપી છે. તેણે કહ્યું કે, જો રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) ની ટીમ IPL 2024 સિઝનના પ્લેઓફમાં ક્વોલિફાય નહીં થાય તો કોહલીએ આગામી સિઝનમાં ટીમની કેપ્ટનશી સંભાળવી જોઈએ. આરસીબીની ટીમ આ સિઝનમાં એટલું સારું પ્રદર્શન કરી શકી નથી. ફાફ ડુપ્લેસીસની કેપ્ટનશીમાં ટીમ 13માંથી માત્ર 6 મેચ જીતી શકી છે. જોકે, પ્લેઓફમાં પહોંચવાની તેની આશા હજુ જીવંત છે.
હરભજને કહ્યું કે, RCBએ વિરાટ કોહલીને તેમના કેપ્ટન તરીકે પરત લાવવા વિશે વિચારવું જોઈ. જો ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન ટીમનું નેતૃત્વ કરશે તો ફ્રેન્ચાઇઝીને ફાયદો થશે. ફાફ ડુ પ્લેસિસ 2022 સીઝનની શરૂઆતથી આરસીબીનું નેતૃત્વ કરી રહ્યો છે. ત્યારબાદ ટીમે પ્લેઓફમાં જગ્યા બનાવી હતી.
વિરાટે 2021માં રાજીનામું આપ્યું
વિરાટ કોહલીએ 2013થી 2021 સુધી RCBની કેપ્ટનશીપ સંભાળી હતી અને આ દરમિયાન આ ટીમ એકવાર ફાઈનલમાં પહોંચવામાં સફળ રહી હતી. RCB હજુ સુધી ટાઈટલ જીતવામાં સફળ રહી નથી. એક દાયકાથી વધુ સમય સુધી ટીમનું નેતૃત્વ કરનાર વિરાટ કોહલીએ 2021ની સીઝન બાદ કેપ્ટનશીપ પરથી રાજીનામું આપી દીધું હતું.
શું કહ્યું હરભજને?
હરભજનના મતે, જો RCB પ્લેઓફમાં ક્વોલિફાય ન થઈ શકે તો આ ટીમે ભારતીય ખેલાડીને કેપ્ટન બનાવવા પર વિચાર કરવો જોઈએ. તો પછી વિરાટ કોહલીને કેપ્ટન કેમ ન બનાવાય? વિરાટ એક મોટા લીડર છે, તે જાણે છે કે, તેમને કેવા પ્રકારની ક્રિકેટ રમવાની જરૂર છે. હું કોહલીને આગળ વધતા તેમજ ટીમની કેપ્ટનશી સંભાળતા જોવા માંગુ છું.