ચેમ્પિયન્સ ટ્રોફી અગાઉ રવિન્દ્ર જાડેજાને ટીમમાંથી કાઢી મૂકવાની તૈયારી? ગંભીરે બનાવ્યો નવો પ્લાન
Ravindra Jadeja International Career Countdown: એક સમય હતો જ્યારે રવિન્દ્ર જાડેજા જીતનો હીરો ગણાતો હતો. તે માત્ર ઘાતક બોલિંગથી જ નહીં પરંતુ ધમાકેદાર બેટિંગથી પણ ટીમ ઈન્ડિયાને જીત અપાવવામાં સૌથી આગળ રહેતો હતો. ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2013માં પણ તે ભારતની જીતનો હીરો હતો. તેણે 5 મેચમાં 12 વિકેટ ખેરવીને ભારતને ચેમ્પિયન બનાવવામાં સૌથી મોટી ભૂમિકા ભજવી હતી. આ જ કારણ છે કે પૂર્વ ભારતીય કેપ્ટન એમએસ ધોની તેને 'સર જાડેજા' કહેતો હતો. જોકે, હાલમાં રવિન્દ્ર જાડેજાની મેચ વિનિંગ ક્ષમતા પર સવાલ ઉઠવા લાગ્યા છે, કારણ તે હવે તે બોલ અને બેટથી એટલો અસરદાર નથી રહ્યો જેટલો પહેલા હતો.
ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી જાડેજાનું પત્તુ કપાઈ શકે છે
બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં સંપૂર્ણ ફ્લોપ રહેનાર રવિન્દ્ર જાડેડાનું ચેમ્પિયન્સ ટ્રોફીમાં સિલેક્શન થવું પણ મુશ્કેલ દેખાઈ રહ્યું છે. BCCIના સૂત્રોનું કહેવું છે કે, હેડ કોચ ગૌતમ ગંભીર અને ટીમ મેનેજમેન્ટ હવે વનડે વર્લ્ડ કપ 2027ની તૈયારી કરી રહ્યા છે. તેની શરૂઆત ચેમ્પિયન્સ ટ્રોફીથી થઈ શકે છે. વ્હાઈટ બોલ અને રેડ બોલ બંને ફોર્મેટમાં જાડેજાનું નબળું પ્રદર્શન ટીમ મેનેજમેન્ટને તેનાથી આગળ વિચારવા માટે મજબૂર કરે છે.
ગૌતમ ગંભીર દરેક ફોર્મેટમાં કોર ટીમ બનાવવા અંગે ખૂબ જ મક્કમ રહ્યા છે. તેણે અત્યાર સુધી લાંબા ફોર્મેટમાં વધારે ફેરફાર નથી કર્યો પરંતુ ODI વર્લ્ડ કપ માટે મજબૂત આધાર બનાવવા માટે મોટો નિર્ણય લઈ શકે છે. તે કેટલાક નવા યુવા ખેલાડીઓને તક આપવા માંગે છે. ટીમ ઈન્ડિયામાં રવિન્દ્ર જાડેજાનું સિલેક્શન એ વાત પર નિર્ભર કરશે કે સિલેક્શન કમિટી શું ઈચ્છે છે?.
અહેવાલ પ્રમાણે સિલેક્ટર્સ વનડેમાં જાડેજાને લઈને મૂંઝવણમાં છે. જાડેજાની બેટિંગમાં ઘટાડો થયો છે. છેલ્લા બે વર્ષમાં તે વનડેમાં નંબર 7 પર બેટિંગ કરતી વખતે બહુ અસરકારક નથી રહ્યો. ઈનિંગ્સના અંતે રન-રેટ વધારનાર જાડેજાનો સ્ટ્રાઈક રેટ 75 કરતા પણ ઓછો રહ્યો છે. ગત વર્ષે જુલાઈમાં T20 વર્લ્ડ કપ જીત્યા બાદ T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કર્યા બાદ શ્રીલંકામાં ODI સીરિઝ માટે તેની પસંદગી કરવામાં નથી આવી. સૂત્રએ જણાવ્યું હતું કે, ટેસ્ટ ક્રિકેટમાં પણ ટીમ મેનેજમેન્ટ તેનાથી આગળ વિચારવા પર મજબૂર છે.
અક્ષર પટેલ જાડેજા માટે મોટો પડકાર
બીજી તરફ અક્ષર પટેલનું વર્તમાન ફોર્મ જાડેજા માટે એક મોટો પડકાર છે. તેને જાડેજાના વિકલ્પ તરીકે તૈયાર કરવામાં આવ્યો છે. વોશિંગ્ટન સુંદરનો સ્થિર ઓફ-સ્પિનરના રૂપમાં ઉભરવું પણ એક મોટી સકારાત્મક વાત છે. કુલદીપ યાદવની ફિટનેસ પર ઝીણવટભરી નજર રાખવામાં આવી રહી છે અને BCCI મેડિકલ ટીમને આશા છે કે તે ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા સમય પર ફિટ થઈ જશે.
આ પણ વાંચો: ચેમ્પિયન્સ ટ્રોફીમાં વાપસી કરશે શમી, વિજય હજારે ટ્રોફીમાં બોલાવ્યો સપાટો
ચેમ્પિયન્સ ટ્રોફી માટેના સિલેક્ટર્સને ખબર હશે કે દુબઈની પીચો ઐતિહાસિક રીતે ધીમા બોલરો માટે મદદરૂપ રહી છે. સિલેક્ટર્સ બેટિંગ લાઈનઅપમાં એક વધારાના લેફ્ટી બોલરને પસંદ કરવા માટે પ્રેરાઈ શકે છે. અક્ષરની ટોપ ઓર્ડરમાં બેટિંગ કરવાની ક્ષમતા તેને જાડેજાથી એક ડગલું આગળ રાખે છે.