Get The App

ટેસ્ટ ક્રિકેટના 147 વર્ષના ઇતિહાસમાં આવો કમાલ કરનારો પહેલો ખેલાડી બન્યો રવિન્દ્ર જાડેજા

Updated: Sep 28th, 2024


Google NewsGoogle News
ટેસ્ટ ક્રિકેટના 147 વર્ષના ઇતિહાસમાં આવો કમાલ કરનારો પહેલો ખેલાડી બન્યો રવિન્દ્ર જાડેજા 1 - image

Ravindra Jadeja : ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ પોતાની કારકિર્દી દરમિયાન ઘણાં રૅકોર્ડ પોતાના નામે કર્યા છે. પરંતુ એક એવો રૅકોર્ડ છે જે જાડેજા પહેલા કોઈ ખેલાડી કરી શક્યો નથી. ટેસ્ટ ક્રિકેટનો ઇતિહાસ 147 વર્ષ જૂનો છે. પહેલી ટેસ્ટ સન 1877માં રમાઈ હતી અને ત્યારથી અત્યાર સુધીમાં કુલ 2550 ટેસ્ટ રમાઈ છે. આ સમયગાળા દરમિયાન કુલ 3187 ખેલાડીઓએ ભાગ લીધો છે, પરંતુ રવિન્દ્ર જાડેજાએ જે રૅકોર્ડ બનાવ્યો છે, તે અન્ય કોઈ ખેલાડી કરી શક્યો નથી.

ભારતે જીતેલી મેચમાં સૌથી વધુ પ્રદાન 

ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં રવિન્દ્ર જાડેજા એકમાત્ર એવો ખેલાડી છે કે, જેણે જીતેલી મેચોમાં ઓછામાં ઓછા 2000 રન અને 200થી વધુ વિકેટ લીધી હોય. ચેન્નાઈ ટેસ્ટમાં સદી ચૂકી ગયેલા રવિન્દ્ર જાડેજાએ જીતેલી મેચોમાં અત્યાર સુધીમાં 2003 રન બનાવ્યા છે, અને આ દરમિયાન તેણે 216 વિકેટ પણ ઝડપી હતી.

રવિન્દ્ર જાડેજાએ ભારત માટે અત્યાર સુધી ટેસ્ટ મેચોમાં 3122 રન બનાવ્યા છે, અને આ દરમિયાન તેણે 299 વિકેટ ઝડપી છે. જો રવિન્દ્ર જાડેજા કાનપુરમાં રમાઈ રહેલી ટેસ્ટમાં વધુ એક વિકેટ લેશે તો તે ટેસ્ટમાં 3000 રન અને 300 વિકેટ લેનાર પહેલો ખેલાડી બની જશે.

આ પણ વાંચો : IND vs BAN: આ બે દિગ્ગજ ખેલાડીઓને ટી20 સીરિઝમાં અપાઈ શકે છે આરામ, જુઓ સંભવિત ટીમ

અહીં તમને જણાવી દઈએ કે, ટેસ્ટમાં 3000 રન અને 300 વિકેટ લેવાની સિદ્ધિ માત્ર 10 ખેલાડીઓ હાંસલ કરી શક્યા છે. હવે રવિન્દ્ર જાડેજા 300 વિકેટ લેનાર પ્રથમ ગુજરાતી અને 7મો ભારતીય ક્રિકેટર છે. અગાઉ કુંબલે, અશ્વિન, કપિલદેવ, હરજભજન, ઈશાંત શર્મા અને ઝહીર ખાન આવી સિદ્ધિ મેળવી ચૂક્યા છે. રવિન્દ્ર જાડેજા ઇંગ્લિશ ક્રિકેટર ઇયાન બોથમ બાદ ટેસ્ટ ક્રિકેટમાં 300 વિકેટ અને 3000 રન બનાવનાર બીજો સૌથી ઝડપી ક્રિકેટર પણ બન્યો છે.

ટેસ્ટ ક્રિકેટના 147 વર્ષના ઇતિહાસમાં આવો કમાલ કરનારો પહેલો ખેલાડી બન્યો રવિન્દ્ર જાડેજા 2 - image


Google NewsGoogle News