યશસ્વીના વિવાદમાં અશ્વિનની ક્રિપ્ટિક પોસ્ટ વાઇરલ , શું સીધા રોહિત શર્માને જ લપેટી નાખ્યો?
Ravichandran Ashwin : એક તરફ ભારતીય ટીમને ઓસ્ટ્રેલિયા સામેની બોક્સિંગ-ડે ટેસ્ટ મેચમાં 184 રનથી શરમજનક હારનો સામનો કરવો પડ્યો હતો, તો બીજી તરફ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ 2023-25ની ફાઈનલમાં પહોંચવાનો ભારતનો રસ્તો પણ હવે લગભગ બંધ થઈ ગયો છે. મેચમાં મળેલી હાર બાદ ભારતીય ટીમના પૂર્વ ખેલાડી રવિચંદ્રન અશ્વિને બ્રિસબેન ટેસ્ટ મેચની સમાપ્તિ પછી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી દીધી હતી. તેની એક ક્રિપ્ટિક પોસ્ટ હવે ખૂબ જ ઝડપથી વાઈરલ થઈ રહી છે. જેને હવે ચાહકો માની રહ્યા છે કે, આ પોસ્ટમાં ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માને નિશાન તાકવામાં આવ્યું છે.
પોસ્ટમાં અશ્વિને શું લખ્યું?
બોક્સિંગ ડે ટેસ્ટ મેચના પાંચમાં દિવસે રવિચંદ્રન અશ્વિને સવારે 10 વાગ્યાની આસપાસ સોશિયલ મીડિયા પર પહેલી પોસ્ટ કરી હતી. જેમાં તેણે લખ્યું હતું કે, 'સારા નેતાઓ ત્યારે ઉભરી આવે છે જ્યારે તેઓ સંઘર્ષના સમયમાં પોતાની જાતને ખૂબ જ મજબૂતી સાથે આગળ વધારે છે.' આ પોસ્ટના માત્ર 2 મિનિટ પછી અશ્વિને તે જ પોસ્ટ ઉમેરીને 'X' પર બીજી પોસ્ટ કરી હતી જેમાં તેણે લખ્યું હતું કે, 'આ ટ્વીટ તે લોકો માટે નથી કે જેમની પાસે ફેન ક્લબ છે.' આ પછી પણ અશ્વિને એક પોસ્ટ કરી હતી જેમાં તેણે જયસ્વાલની પીઠ થાબડી હતી. અશ્વિનની આ સતત પોસ્ટ બાદ હવે ફેન્સ તેને કેપ્ટન રોહિત શર્મા સાથે જોડી રહ્યા છે. જો કે, અશ્વિને હજુ સુધી આ અંગેની સંપૂર્ણ રીતે સ્પષ્ટતા કરી નથી.
આ પણ વાંચો : T20 વર્લ્ડ કપ 2024માં જીત બાદ ટીમ ઈન્ડિયા પર લાગ્યું 'ગ્રહણ', બનાવ્યા શરમજનક રેકોર્ડ્સ
રોહિતનું સતત ખરાબ પ્રદર્શન
ભારતીય ટીમને ઓસ્ટ્રેલિયા સામેની મેલબર્ન ટેસ્ટ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. તો બીજી તરફ અત્યાર સુધીમાં આ પ્રવાસમાં ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માનું પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું છે. રોહિત આ પ્રવાસમાં એક પણ વખત અડધી સદીની ઇનિંગ રમવામાં સફળ રહ્યો ન હતો. બોક્સિંગ ડે ટેસ્ટ મેચની બંને ઇનિંગ્સમાં તે સિંગલ ડિજિટના સ્કોર પર પેવેલિયન પરત ફર્યો હતો.