અશ્વિનને જાણી જોઈને સાઇડલાઇન કરવામાં આવ્યો: પૂર્વ ભારતીય ક્રિકેટરનો ચોંકાવનારો દાવો
S Badrinath on Ravichandran Ashwin : આર. અશ્વિનની નિવૃત્તિ બાદ ભારતીય ટીમના ભૂતપૂર્વ ક્રિકેટર એસ. બદ્રીનાથે ચોંકાવનારું નિવેદન આપ્યું છે. બદ્રીનાથે કહ્યું કે, લોકોએ અશ્વિન સાથે યોગ્ય વ્યવહાર કર્યો નથી. ડ્રેસિંગ રૂમમાં પણ તેની સાથે ખોટું થયું હતું. અશ્વિને નિવૃત્તિ લેવાનો વિચાર ત્યારે જ શરુ કરી દીધો હતો. જ્યારથી વોશિંગ્ટન સુંદરને તેના કરતાં વધુ મહત્ત્વ આપવામાં આવી રહ્યું હતું. બ્રિસબેન ટેસ્ટના અંતિમ દિવસે વરસાદે મેચની મજા બગાડી નાખી હતી. પરંતુ છેલ્લી ક્ષણે આર અશ્વિને નિવૃત્તિની જાહેરાત કરીને બધાને ચોંકાવી દીધા હતા.
શું કહ્યું બદ્રીનાથે?
બદ્રીનાથે અશ્વિને વિશે આવું કેમ કહ્યું તે કોઈ સમજી શક્યું નહીં. અશ્વિને આ નિર્ણય સીરિઝની વચ્ચે જ લીધો હતો. અશ્વિનને પહેલી અને ત્રીજી ટેસ્ટમાં બહાર રાખવામાં આવ્યો હતો અને બીજી ટેસ્ટમાં તેને રમવાની તક મળી હતી. આ દરમિયાન અશ્વિને માત્ર એક જ વિકેટ લીધી હતી. અશ્વિનની નિવૃત્તિ અંગે બદ્રીનાથે કહ્યું હતું કે, 'હું ચોંકી ગયો છું. મને લાગે છે કે તેની સાથે યોગ્ય વ્યવહાર કરવામાં આવ્યો નથી. રોહિત શર્માએ કહ્યું હતું કે તે પર્થ ટેસ્ટ બાદ જ નિવૃત્તિ લેવા માંગે છે. અશ્વિને આ નિર્ણય ત્યારે જ લીધો હતો જ્યારે સુંદરને તેની આગળ રાખવામાં આવ્યો હતો. આ દર્શાવે છે કે તે આ બાબતને લઈને ખુશ હતો નહીં.'
અન્ય રાજ્યોના ક્રિકેટરોને સારી તકો મળે છે
વધુમાં બદ્રીનાથે કહ્યું હતું કે, 'તમિલનાડુના ક્રિકેટર માટે આ મોટી વાત છે. જે પણ બન્યું છે, તેની પાછળ ઘણાં કારણો છે. અન્ય રાજ્યના ક્રિકેટરોને સારી તકો મળે છે. આ સિવાય અશ્વિન એક એવો ક્રિકેટર બન્યો જેણે 500થી વધુ વિકેટ લઈને લિજેન્ડ બની ગયો. તમે સમજી શકો છો કે તેના પર શું વીતી રહી હશે. હું જાણું છું કે તેણે ઘણી બધી બાબતોનો સામનો કર્યો હશે. ઘણી વખત તેને સાઇડલાઇન કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પરંતુ દરેક વખતે તેને વાપસી કરી અને તે પણ શાનદાર રીતે.'
અશ્વિનના પિતાએ પણ ચોંકાવનારું નિવેદન આપ્યું
અહીં તમને જણાવી દઈએ કે અશ્વિનના પિતાએ પણ ચોંકાવનારું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, તેનું(અશ્વિન) અપમાન થયું હતું અને તેથી જ તેણે અંતે નિવૃત્તિ લેવી પડી હતી. પરંતુ પાછળથી અશ્વિને તેના પિતાના બચાવમાં આવીને કહ્યું કે તેમણે મીડિયાની તાલીમ લીધી નથી એટલે તેમણે આવું કહ્યું હતું.