VIDEO: રિટાયરમેન્ટ સ્પીચમાં ભાવુક થયો આર.અશ્વિન, રોહિત-કોહલી સહિત ચાર ક્રિકેટર્સને કર્યા યાદ
R Ashwin Retirement Speech: રવિચંદ્રન અશ્વિને બુધવાર (18 ડિસેમ્બર)એ બ્રિસ્બેનમાં ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ ત્રીજી ટેસ્ટમાં ડ્રો બાદ ક્રિકેટના તમામ ફોર્મેટથી સંન્યાસ લેવાની જાહેરાત કરી. આ સાથે જ અશ્વિને 14 વર્ષના કરિયરને અલવિદા કહી દીધું. રિટાયરમેન્ટના સમયે 38 વર્ષીય અશ્વિન બોલરો અને ઓલરાઉન્ડરની ICC ટેસ્ટ રેન્કિંગમાં ક્રમશઃ પાંચમી અને ત્રીજી પોઝીશન પર પહોંચ્યા હતા. તેઓ ક્રિકેટ જગતમાં 'અશ્વિન અન્ના'ના નામથી પોપ્યુલર હતા. અશ્વિન હાલના દિવસોમાં યૂટ્યૂબ અને સોશિયલ મીડિયા પર પણ ખુબ ફેમસ થઈ ગયા હતા.
પ્રેસ કોન્ફરન્સમાં ભાવુક થયો અશ્વિન
બ્રિસ્બેન ટેસ્ટના અંતમાં રોહિત શર્માની સાથે પ્રેસ કોન્ફરન્સમાં આવેલા અશ્વિને કહ્યું કે, 'ઈન્ટરનેશનલ લેવલ પર એક ભારતીય ક્રિકેટર તરીકે આ મારી અંતિમ મેચ છે. મને લાગે છે કે એક ક્રિકેટર તરીકે મારામાં હજુ પણ દમ બાકી છે, પરંતુ હું તેને ઉજાગર કરવા માગીશ... ક્રિકેટથી જોડાયેલા ક્લબોમાં મારું આ પ્રદર્શન જોવા મળશે, પરંતુ આ અંતિમ દિવસ છે. મેં ખુબ એન્જોય કર્યું.'
અશ્વિને કહ્યું કે, 'મેં રોહિત અને પોતાના કેટલાક અન્ય સાથીઓની સાથે મળીને ખુબ સારી યાદો એકઠી કરી. ભલે મેં છેલ્લા કેટલાક વર્ષોમાં કેટલાક ખેલાડીઓની સાથે મેચ ન રમી હોય.' આ દરમિયાન અશ્વિને બીસીસીઆઈ અને સાથી ખેલાડીઓ અને કોચનો આભાર માન્યો.
આ પણ વાંચો: 8 વખત 10 વિકેટો ઝડપી, ટેસ્ટમાં ફટકારી 6 સદી, ઘણીવાર અશ્વિન ટીમ ઈન્ડિયાનો સંકટમોચક બન્યો
ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમનો આભાર માન્યો
પોતાની સંક્ષિપ્ત રિટાયરમેન્ટ સ્પીચમાં અશ્વિને કહ્યું કે, 'રોહિત, વિરાટ, અજિંક્ય, પુજારા... જેમણે વિકેટની પાછળથી કેચ ઝડપીને મને વિકેટ અપાવી કે હું છેલ્લા કેટલાક વર્ષોમાં સફળ રહ્યો.' આ દરમિયાન અશ્વિને ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમનો પણ આભાર માન્યો.
આઇપીએલમાં રમતો દેખાશે!
287 આંતરરાષ્ટ્રીય મેચ રમનાર રવિચંદ્રન અશ્વિન ભવિષ્યમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં જોવા નહીં મળે. જો કે, તે હજુ પણ IPL રમવાનું ચાલુ રાખશે. ચેન્નાઈ સુપર કિંગ્સ એટલે કે CSKએ તેને 9.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. જો તે 2025માં સારું પ્રદર્શન કરશે તો ચેન્નાઈની ટીમ તેને ફરીથી જાળવી શકે છે.