IND vs BAN: આવી પિચ પર તો...: સદી ફટકાર્યા બાદ અશ્વિનનું મોટું નિવેદન, બાંગ્લાદેશી ટીમમાં ખળભળાટ
India Vs Bangladesh First Test Match, Ravichandran Ashwin : બાંગ્લાદેશ સામે રમાઈ રહેલી પહેલી ટેસ્ટમાં ભારતીય ક્રિકેટ ટીમનો ઓલરાઉન્ડર રવિચંદ્રન અશ્વિને શાનદાર પ્રદર્શન કરતા પોતાની કારકિર્દીની છઠ્ઠી સદી ફટકારી હતી. પહેલા દિવસની રમત પૂરી થઇ ત્યાં સુધીમાં 112 બોલમાં 102 રનમાં 10 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકારીને 91.07ની સ્ટ્રાઈક રેટ સાથે અણનમ રહ્યો હતો.
અશ્વિને કહ્યું હતું કે, 'ચિદમ્બરમ સ્ટેડિયમની પીચ જૂના સમયની સપાટી જેવી છે. અમે સાથે બેટિંગ કરતા હતા ત્યારે રવિન્દ્ર જાડેજાએ મને ઘણી મદદ કરી હતી. આ પ્રકારની પીચ પર ઋષભની જેમ રમવું વધુ સારું છે, આ ચેન્નાઈની જૂની રીતની પિચ છે, જેમાં ઉછાળ છે. જ્યારે પીચમાં ઉછાળ હોય ત્યારે રમવાનું સારું લાગે છે, મેં આજે આ પ્રકારની પીચને લઈને મજા માણી હતી. જાડેજાએ મને ખરેખર મદદ કરી, એક સમય એવો હતો કે જ્યારે હું સખત મહેનત કરી રહ્યો હતો, જેથી કરીને હું થાકી જતો હતો, પરંતુ આ સમયગાળા દરમિયાન જડ્ડુએ મને ઘણી મદદ કરી હતી.'
તાજેતરમાં રમાયેલી તમિલનાડુ પ્રીમિયર લીગ(TNPL)માં પોતાના પ્રદર્શન અંગે અશ્વિને કહ્યું હતું કે, 'મેં મારી બેટિંગ પર કામ કર્યું છે. મને T20 ટુર્નામેન્ટમાં રમવાનો ફાયદો થયો હતો, ઘરઆંગણે રમવું હંમેશા એક મોટી વાત હોય છે, મને આ મેદાન પર રમવું ગમે છે, આ મેદાનથી મારી ઘણી શાનદાર યાદો જોડાયેલી છે.' આ મેદાન પર અશ્વિનની આ બીજી સદી હતી.
ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની 2 ટેસ્ટ મેચની સીરિઝની પહેલી ટેસ્ટ ચેન્નાઈમાં રમાઈ રહી છે. જેમાં બાંગ્લાદેશે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમના ટોપ ઓર્ડરના ખેલાડીઓ કઈ ખાસ કરી શક્યા ન હતા, અને એક સમયે ટીમે 34 રનના સ્કોર પર 3 વિકેટ ગુમાવી દીધી હતી. ઓપનર યશસ્વી જયસ્વાલ (118 બોલમાં 56 રન) અને ઋષભ પંત (52 બોલમાં 39 રન)એ ચોથી વિકેટ માટે 62 રનની ભાગીદારી કરી ભારતને ફરીથી રમતમાં લાવ્યું હતું. પરંતુ ભારત 144 રનના સ્કોર પર ટીમનું ટોપ ઓર્ડર ધ્વસ્થ થઇ ગયું હતું. ત્યારબાદ અશ્વિન અને જાડેજાએ અણનમ 195 રનની ભાગીદારી કરી ભારતને 339 રનના સ્કોર સુધી પહોંચાડ્યું હતું.
આ પણ વાંચોઃ 634 દિવસ બાદ ઋષભ પંતનું કમબેક, આવતા જ રચ્યો ઈતિહાસ: ધોની બાદ આવી કમાલ કરનાર બીજો ભારતીય
ભારતની પ્લેઈંગ ઈલેવન: રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, વિરાટ કોહલી, કેએલ રાહુલ, ઋષભ પંત (વિકેટ કીપર), રવિન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, જસપ્રિત બુમરાહ, આકાશ દીપ, મોહમ્મદ સિરાજ.
બાંગ્લાદેશની પ્લેઈંગ ઈલેવન ટીમ : શાદમાન ઈસ્લામ, ઝાકિર હસન, નઝમુલ હુસૈન શાંતો (કેપ્ટન), મોમિનુલ હક, મુશફિકુર રહીમ, શાકિબ અલ હસન, લિટન દાસ (વિકેટ કીપર), મેહદી હસન મિરાજ, તસ્કીન અહેમદ, હસન મહમૂદ, નાહીદ રાણા.