IND vs BAN Test Match : અશ્વિને તોડ્યો ગજબનો રેકોર્ડ, આ બે મહાન બોલરોથી નીકળી ગયો આગળ
Ravichandran Ashwin : ભારત અને બાંગ્લાદેશ વચ્ચે કાનપુરના ગ્રીન પાર્ક સ્ટેડિયમમાં બીજી ટેસ્ટ મેચ રમાઈ રહી છે. ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. આ મેચમાં પહેલું સેશન બાંગ્લાદેશની તરફેણમાં વધુ રહ્યું હતું. ભારતીય બોલરો પહેલા સેશનમાં બાંગ્લાદેશના માત્ર 2 બેટરોને આઉટ કરી શકી હતી. બંને વિકેટ આકાશ દીપે ઝડપી હતી. લંચ બ્રેક સુધીમાં બાંગ્લાદેશે 2 વિકેટ ગુમાવીને 74 રન બનાવી લીધા હતા.
વરસાદના કારણે લંચ બ્રેકમાં થોડો વિલંબ થયો હતો, પરંતુ થોડીવાર બાદ ફરી એકવાર મેચ શરૂ થઈ હતી. બીજા સેશનની શરૂઆત સાથે જ ભારતીય કેપ્ટને આર અશ્વિનને બોલ સોંપ્યો હતો. અને અશ્વિને કેપ્ટનને નિરાશ કર્યા ન હતા. લંચ પછી પોતાની બીજી ઓવર ફેંકવા આવેલા અશ્વિને બાંગ્લાદેશના કેપ્ટન નઝમુલ હસન શાંતોને 31 રનના સ્કોર પર આઉટ કરી દીધો હતો. નઝમુલને આઉટ કરવાની સાથે જ આર અશ્વિન એશિયામાં સૌથી વધુ વિકેટ લેનાર બીજો બોલર બની ગયો હતો. તેણે એશિયામાં ટેસ્ટ મેચમાં 419 વિકેટ ઝડપનાર અનિલ કુંબલેને પાછળ છોડી દીધો હતો.
આ પણ વાંચો : IND vs BAN: રોહિત શર્માએ રવીન્દ્ર જાડેજાને કેમ ન આપી બોલિંગ? મેચ પછી ઉઠવા લાગ્યા સવાલ
એશિયામાં સૌથી વધુ ટેસ્ટ વિકેટ લેનાર બોલર
612 - એમ મુરલીધરન
420 - આર અશ્વિન*
419 - અનિલ કુંબલે
354 - રંગના હેરાથ
300 - હરભજન સિંહ
આર અશ્વિને નઝમુલને LBW આઉટ કર્યો અને આ સાથે જ તે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ LBW વિકેટ લેનાર 5મો બોલર બની હયો હતો. તેણે ઓસ્ટ્રેલિયાના મહાન બોલર ગ્લેન મેકગ્રાને પાછળ છોડી દીધો હતો. ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં સૌથી વધુ LBW વિકેટ લેવાનો રેકોર્ડ અનિલ કુંબલેના નામે છે.
ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં સૌથી વધુ LBW વિકેટ લેનાર બોલર
156 - અનિલ કુંબલે
149 - મુરલીધરન
138 - શેન વોર્ન
119 - વસીમ અકરમ
114 - આર અશ્વિન
113 - ગ્લેન મેકગ્રા
112 - કપિલ દેવ