રવિચંદ્રન અશ્વિનનો વર્લ્ડ રેકોર્ડ, WTC ઇતિહાસમાં કર્યું મોટું કારનામું
Image Source: Twitter
R Ashwin WTC Wickets Record: ટીમ ઇન્ડિયાના સ્ટાર સ્પિનર આર અશ્વિને ન્યૂઝીલૅન્ડ સામે ચાલી રહેલી પૂણે ટેસ્ટમાં કિવી બેટ્સમેન વિલ યંગની વિકેટ ઝડપીને ઇતિહાસ રચ્યો છે. આ વિકેટની સાથે જ તે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના ઇતિહાસમાં સૌથી વધુ વિકેટ લેનારો બોલર બની ગયો છે. તેણે આ યાદીમાં ઓસ્ટ્રેલિયાના સ્ટાર સ્પિનર નાથન લિયોનને પછાડ્યો છે. WTCમાં 189 વિકેટ સાથે અશ્વિન સૌથી વધુ વિકેટ લેનારા બોલરોની યાદીમાં પ્રથમ સ્થાને પહોંચી ગયો છે. જ્યારે નાથન લિયોન 187 વિકેટ સાથે બીજા સ્થાન પર છે.
અશ્વિને તોડ્યો નાથન લિયોનનો WTC વર્લ્ડ રેકોર્ડ
ન્યૂઝીલૅન્ડના કૅપ્ટન ટોમ લાથમને અશ્વિને એલબીડબલ્યુ આઉટ કરી દીધો અને તે 15 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. આ વિકેટ સાથે જ અશ્વિને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના ઇતિહાસમાં સૌથી વધુ વિકેટ લેવાના મામલે ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ સ્પિનર નાથન લિયોનની 187 વિકેટની બરાબરી કરી લીધી હતી. ત્યારબાદ વિલ યંગના રૂપમાં ન્યૂઝીલૅન્ડ સામેની બીજી ટેસ્ટમાં પોતાની બીજી વિકેટ લેતાંની સાથે જ અશ્વિને નાથન લિયોનનો વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના ઇતિહાસમાં સૌથી વધુ 187 વિકેટના વર્લ્ડ રેકોર્ડને તોડીને વિશ્વનો નંબર 1 બોલર બની ગયો છે. ન્યૂઝીલૅન્ડ આ સીરિઝમાં 1-0થી આગળ છે.
WTCના ઇતિહાસમાં સૌથી વધુ વિકેટ લેનારા બોલર
આર અશ્વિન- 189
નાથન લિયોન- 187
પેટ કમિન્સ- 175
મિશેલ સ્ટાર્ક- 147
સ્ટુઅર્ટ બ્રોડ- 134
આ પણ વાંચો: રોહિતનો નિર્ણય ગાવસ્કરને પસંદ ન આવ્યો, 1329 દિવસ બાદ આ ખેલાડીને મળ્યું ટીમમાં સ્થાન
ત્રણ મેચોની સીરિઝની બીજી ટેસ્ટ મેચમાં ન્યૂઝીલૅન્ડે ભારત સામે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે. ન્યૂઝીલૅન્ડ (IND vs NZ) ભારત સામે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરી રહી છે. ન્યૂઝીલૅન્ડને પહેલો ઝટકો કૅપ્ટન ટોમ લાથમના રૂપમાં લાગ્યો અને અશ્વિને ભારતને આ પ્રથમ સફળતા અપાવી છે. ન્યૂઝીલૅન્ડે તેની પ્લેઈંગ 11માં એક ફેરફાર કર્યો છે અને ઈજાગ્રસ્ત ઝડપી બોલર મેટ હેનરીના સ્થાને લેફ્ટી સ્પિનર મિચેલ સેન્ટનરને સામેલ કર્યો છે. ભારતે પણ પોતાની ટીમમાં ત્રણ ફેરફાર કર્યા છે. મોહમ્મદ સિરાજ, કે એલ રાહુલ અને કુલદીપ યાદવના સ્થાને પ્લેઈંગ ઈલેવનમાં આકાશ દીપ, વોશિંગ્ટન સુંદર અને શુભમન ગિલને તક મળી છે.