શાસ્ત્રીનો પોન્ટિંગને સણસણતો જવાબ, ઓસ્ટ્રેલિયનો તરસ્યા હશે, ગળું દબાવી દેવા પ્રયાસ કરશે પરંતુ...

Updated: Aug 14th, 2024


Google NewsGoogle News
શાસ્ત્રીનો પોન્ટિંગને સણસણતો જવાબ, ઓસ્ટ્રેલિયનો તરસ્યા હશે, ગળું દબાવી દેવા પ્રયાસ કરશે પરંતુ... 1 - image

Ravi Shastri responds to Ricky Ponting: ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કોચ રવિ શાસ્ત્રીને આશા છે કે રોહિત શર્માના નેતૃત્વ હેઠળની ભારતીય ટીમ બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં શાનદાર પ્રદર્શન કરીને તેમનું વર્ચસ્વ જાળવી રાખશે. અગાઉ ભારતે ઓસ્ટ્રેલિયામાં છેલ્લી બે ટેસ્ટ સિરીઝ પોતાની નામે કરી હતી. ઓસ્ટ્રેલિયાએ 2015માં ઘરઆંગણે ભારત સામે 2-0થી સિરીઝ જીતી હતી. ત્યાર પછી ભારતીય ટીમે બોર્ડર-ગાવસ્કર ટ્રોફી પર કબજો કર્યો છે.

હાલમાં જ ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગે ઓસ્ટ્રેલિયાને જીતના દાવેદાર ગણાવતા કહ્યું હતું કે, 'હું સ્પષ્ટપણે ઓસ્ટ્રેલિયાને જીતવા માટે ફેવરિટ માની રહ્યો છું. શક્ય છે કે કેટલીક મેચો ડ્રો થાય અને કેટલીક જગ્યાએ ખરાબ હવામાનને કારણે રમત ન જ રમાય. તેથી હું ઓસ્ટ્રેલિયા 3-1થી જીતવાની આગાહી કરી રહ્યો છું. આ ખૂબ જ રસપ્રદ શ્રેણી બનવા જઈ રહી છે. અહીં છેલ્લી બે સિરીઝમાં જે થયું તે જોતાં ઓસ્ટ્રેલિયાને ભારત સામે ઓસ્ટ્રેલિયામાં ઘણું સાબિત કરવાનું છે. તાજેતરના સમયમાં માત્ર ચાર જ ટેસ્ટ રમાડવામાં આવી છે. પરંતુ આ વખતે 5 મેચની શ્રેણી રમાશે. દરેક ક્રિકેટપ્રેમી તેના વિશે ખરેખર ઉત્સાહિત છે. હવે રવિ શાસ્ત્રીએ પોન્ટિંગને જવાબ આપતાં પોતાના વિચારો વ્યક્ત કર્યા છે. 

લોકો આ બે દિગ્ગજ ટીમો વચ્ચેની મેચની રાહ જોતા હતા

ભારત તેના અનુભવી ટોપ ઓર્ડર પર નિર્ભર રહેશે, જેમાં કૅપ્ટન રોહિત શર્મા અને પૂર્વ કૅપ્ટન વિરાટ કોહલીનો સમાવેશ થાય છે. રવિ શાસ્ત્રીએ કહ્યું હતું કે, 'ઓસ્ટ્રેલિયામાં 5 ટેસ્ટ મેચોની બોર્ડર-ગાવસ્કર ટ્રોફી રોમાંચક રહેશે. યાદ રહે, ભારતે છેલ્લા બે પ્રવાસમાં ઓસ્ટ્રેલિયાને હરાવ્યું છે. ઓસ્ટ્રેલિયાએ લગભગ એક દાયકાથી બોર્ડર-ગાવસ્કર ટ્રોફી કબજે કરી નથી. આ કારણે છેલ્લા પાંચ-આઠ વર્ષથી લોકો આ બે દિગ્ગજ ટીમો વચ્ચેની મેચની રાહ જોતાં હોય છે. આ એક શાનદાર સિરીઝ બની શકે છે, ભારત પાસે હેટ્રિક કરવાની તક છે. તેના બોલરો ફિટ છે. જો તેઓ સારી બેટિંગ કરશે તો ઓસ્ટ્રેલિયાને હરાવી શકે છે. ગયા વર્ષે ઓવલ ખાતે આઇસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને હરાવ્યું હતું.

આ પણ વાંચો: Indian Cricket: ભારતીય ક્રિકેટ ટીમને મળ્યા નવા બોલિંગ કોચ, ગંભીરે પોતાના મિત્રની કરાવી નિમણૂક

તેઓ તરસ્યા હશે, તેઓ ભારતીયોનું ગળું દબાવવા માંગશે

રવિ શાસ્ત્રી જાણે છે કે ઘરઆંગણે ભારત સામે સતત હાર બાદ ઓસ્ટ્રેલિયાની ટીમની નજર ટ્રોફીમાં પુનરાગમન પર હશે. રવિ શાસ્ત્રીના કહ્યા અનુસાર, ઓસ્ટ્રેલિયાની મજબૂત ઝડપી બોલિંગ લાઇન-અપ પાંચ મેચની સિરીઝમાં ભારતીય બેટરો પર અંકુશ લગાવવા માંગશે, આપણે જાણીએ છીએ કે ઓસ્ટ્રેલિયા શું ઇચ્છશે (બદલો). તેઓ તરસ્યા હશે, તેઓ ભારતીયોનું ગળું દબાવવા માંગશે કારણ કે તેઓ ત્યાં (ઓસ્ટ્રેલિયામાં) બે વાર હારી ચૂક્યા છે. બન્ને ટીમનું બોલિંગ આક્રમણ લગભગ સરખું છે. કાંગારૂ બોલરો દરેક મેચમાં ઓસ્ટ્રેલિયા માટે સિરીઝ જીતવા માટે 20 વિકેટ લેવાનો પ્રયાસ કરશે.

ભારત હેટ્રિક (ઓસ્ટ્રેલિયામાં શ્રેણી જીત) કરી શકે 

મેદાન પર રોમાંચક મેચની અપેક્ષા રવિ શાસ્ત્રી રાખી રહ્યા છે. તેણે કહ્યું કે, 'ઓસ્ટ્રેલિયાના ઝડપી બોલરો સામે ભારતની શાનદાર બેટિંગ જોવા મળશે. ભારતીય બોલિંગ આક્રમણ કંઈક એવું હશે કે જેની દરેક રાહ જોઈ રહ્યા છે. ટીમમાં જસપ્રિત બુમરાહ અને મોહમ્મદ શમી ફીટ છે, તમારી પાસે મોહમ્મદ સિરાજ પણ છે. તમારી પાસે રવિચંદ્રન અશ્વિન અને રવિન્દ્ર જાડેજા જેવા ખેલાડીઓ ઉપલબ્ધ છે. સાથે ભારત પાસે કેટલીક સારી બેન્ચ સ્ટ્રેન્થ પણ છે. ભારત હેટ્રિક (ઓસ્ટ્રેલિયામાં શ્રેણી જીત) કરી શકે છે.



Google NewsGoogle News