શાસ્ત્રીએ હાર્દિક પંડ્યાને ફિટનેસ પર આપી સલાહ, જો આવું થયું તો ખોટો સાબિત થશે ગંભીર!
Ravi Shastri On Hardik Pandya: ભારતીય ટીમના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાને ટીમના પૂર્વ મુખ્ય કોચ અને કોમેન્ટેટર રવિ શાસ્ત્રીએ એક ચોંકાવનારી સલાહ આપી છે. રવિ શાસ્ત્રીએ કહ્યું કે, 'હાર્દિક પંડ્યાએ બને તેટલી વધારે મેચ રમવી જોઈએ. જો તે ફીટ હોય તો તેણે આરામ ન કરીને મેચ માટે ફિટનેસ અકબંધ રાખવી જોઈએ. મારા મતે ફિટનેસ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. જ્યાં પણ T20 મેચ હોય ત્યાં હાર્દિકે રમવું જોઈએ અને જો તેને લાગે છે કે તે ફીટ અને મજબૂત છે તો તેણે વન ડે મેચો પણ રમવી જોઈએ.'
ફિટનેસનું સ્તર વધારવાની સલાહ
રવિ શાસ્ત્રીએ કહ્યું કે, 'હાર્દિક પંડ્યા કરતાં તેના શરીરને બીજું કોઈ સારી રીતે સમજતું નથી. મને આશા છે કે હાર્દિક તેની ફિટનેસમાં વધુ સુધારો કરશે. તેણે જે પ્રકારનું પ્રદર્શન વર્લ્ડકપમાં કર્યું હતું અને જે રીતે તે યોગ્ય સમયે ભારતીય ટીમ માટે સારો દેખાવ કરીને ચમક્યો છે, તેનાથી તેને વધુ પ્રેરણા મળશે. તેણે ફિટનેસમાં વધુ સુધારો કરીને વન ડેમાં 7થી 8 ઓવરની બોલિંગ કરવી જોઈએ. સાથે તેની બેટિંગ તો અદ્ભુત છે.'
આ પણ વાંચો: ભારત આવશે પાકિસ્તાની ક્રિકેટ ટીમ! એશિયા કપ 2025ની ટુર્નામેન્ટ પર લેવાયો નિર્ણય
તો ગંભીર અને અગરકરને જવાબ મળશે
જો હાર્દિક પંડ્યાએ રવિ શાસ્ત્રીની સલાહ માની તો જે લોકોએ તેની ફિટનેસ પર સવાલ કરીને તેને T20 ફૉર્મેટમાં ભારતીય ટીમનો કૅપ્ટન ન બનાવ્યો તેમના માટે આ એક જોરદાર જવાબ હશે. ભારતીય ટીમે T20 વર્લ્ડકપ જીત્યા બાદ હાર્દિક પંડ્યા જ ટીમનો કૅપ્ટન બનશે તેવું મનાઈ રહ્યું હતું પરંતુ ટીમના નવા હેડ કોચ ગૌતમ ગંભીર અને મુખ્ય પસંદગીકાર અજીત અગરકરે બધાને ચોંકાવીને સૂર્યકુમાર યાદવને T20નો કૅપ્ટન બનાવ્યો હતો. તેણે આ માટે હાર્દિક પંડ્યાની ખરાબ ફિટનેસને જવાબદાર ગણાવી હતી. તેમના મતે, હાર્દિક પંડ્યા દરેક સીરિઝમાં ઉપલબ્ધ ન હોવાથી, અમે એવા ખેલાડીને કૅપ્ટન તરીકે નિયુક્ત કરવા માંગતા હતા કે જે પૂરી સીરિઝ દરમિયાન ઉપલબ્ધ હોય.