રાશિદ અને મોહમ્મદ નબીએ તાલિબાનો સામે અવાજ ઉઠાવ્યો, મહિલાઓ અંગેના નિર્ણયનો કર્યો વિરોધ!
Rashid Khan And Mohammad Nabi On Medical Studies Ban For Afghan Girls: અફઘાનિસ્તાનના બે સ્ટાર ક્રિકેટરો રાશિદ ખાન અને મોહમ્મદ નબીએ દેશમાં મહિલાઓ અંગેના એક મોટા નિર્ણયની વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો છે. બંને સ્ટાર ક્રિકેટરો દેશમાં મહિલાઓની મેડિકલ ટ્રેનિંગ પર પ્રતિબંધ લગાવવાના તાલિબાનના નિર્ણયની વિરુદ્ધ છે. તેઓએ તાલિબાનને આ નિર્ણય પર ફરીથી વિચાર કરવા કહ્યું છે. તાલિબાન મંત્રી હિબતુલ્લાહ અખુન્દઝાદાએ 2 ડિસેમ્બરના રોજ અફઘાનિસ્તાનમાં મહિલાઓની મેડિકલ ટ્રેનિંગ પર પ્રતિબંધની જાહેરાત કરતું એક ફરમાન જાહેર કર્યું હતું.
રાશિદ અને મોહમ્મદ નબીએ તાલિબાનીઓ સામે અવાજ ઊઠાવ્યો
તાલિબાનના એ નિર્ણય પર રાશિદ ખાન અને મોહમ્મદ નબી બંનેએ 4 ડિસેમ્બરના રોજ પ્રતિક્રિયા આપી છે. દેશના બંને જાણીતા ક્રિકેટરોએ આ નિર્ણય સામે અવાજ ઉઠાવ્યો છે. રાશિદ ખાને કહ્યું કે, ઇસ્લામમાં શિક્ષણ એક મજબૂત આધારસ્તંભ છે. તે મેઈન પિલર છે અને દરેકનો અધિકાર પણ છે. તેનાથી ન તો પુરુષોને વંચિત રાખી શકાય કે ન તો સ્ત્રીને વંચિત રાખી શકાય.
'લડાઈ'માં રાશિદને નબીનો મળ્યો ભરપૂર સાથ
રાશિદ ખાનને તાલિબાન ફરમાન વિરુદ્ધ અવાજ ઉઠાવવામાં મોહમ્મદ નબીનો ભરપૂર સાથ મળ્યો છે. તેણે પોતાના એક્સ હેન્ડલ પર તાલિબાન સરકારના નિર્ણયને ઠેસ પહોંચાડનારો ગણાવ્યો છે. તેણે કહ્યું કે, 'છોકરીઓ કે મહિલાઓને શિક્ષણ પ્રાપ્ત કરવાથી ન રોકી શકાય. ઈસ્લામમાં પણ શિક્ષણને મહત્વ આપવામાં આવ્યું છે. આવી સ્થિતિમાં તાલિબાન સરકારનો નિર્ણય દુઃખદ છે.'
તાલિબાન સરકારને કરી વિનંતી
આ નિર્ણયનો વિરોધ કરતાં બંને ક્રિકેટરોએ તાલિબાનને આ નિર્ણય પર ફરીથી વિચાર કરવા માટે કહ્યું છે. બંનેએ કહ્યું કે જો છોકરીઓ અને મહિલાઓને પણ શિક્ષણ મળે તો એમાં ખોટું શું છે? આ તો સારી વાત છે કે શિક્ષણ મેળવ્યા બાદ તે પણ દેશના વિકાસમાં પોતાનું યોગદાન આપી શકશે.
એક અહેવાલ પ્રમાણે અફઘાનિસ્તાન પહેલાથી જ મેડિકલ પ્રોફેશનલ્સની અછતનો સામનો કરી રહ્યું છે. તાલિબાન સરકારના નવા નિર્ણય બાદ સ્થિતિ વધુ ભયાનક બની શકે છે. આવી સ્થિતિમાં રાશિદ અને નબી દ્વારા ઉઠાવવામાં આવેલ અવાજની શું અસર થશે તે તો આવનારા સમયમાં જ ખબર પડશે.
આ પણ વાંચો: 'મહિલાઓ નર્સિંગનો અભ્યાસ નહીં કરી શકે...', અફઘાનમાં તાલિબાનીઓનું વધુ એક વિવાદિત ફરમાન