રણજી ટ્રોફી : ગુજરાતનો 7 રને વિજય, સિદ્ધાર્થે વિરોધી ટીમને 110 રન પણ ન કરવા દીધા, BCCI પણ ખુશ થયું
કર્ણાટકની ટીમ માત્ર 103 રનના સ્કોર પર સમેટાઈ ગઈ હતી
કર્ણાટકના માત્ર 3 બેટ્સમેનો જ ડબલ ડીજીટ સુધી પહોંચ્યા હતા
Image:Screengrab |
Siddharth Desai Took 7 Wicket In Ranji Trophy : રણજી ટ્રોફીના એલિટ ગ્રુપની મેચમાં ગઈકાલે ગુજરાતની ક્રિકેટ ટીમે કર્ણાટકને 7 રનથી હરાવ્યું હતું. ગુજરાતના સ્પિનર સિદ્ધાર્થ દેસાઈની જાદુઈ બોલિંગના કારણે મયંક અગ્રવાલની કેપ્ટનસી હેઠળની કર્ણાટકની ટીમ 110 રનના લક્ષ્ય સુધી પણ પહોંચી શકી ન હતી. સિદ્ધાર્થે આ મેચમાં 7 વિકેટ ઝડપી હતી.
કર્ણાટકની ટીમને 110 રનનો ટાર્ગેટ મળ્યો હતો
ગુજરાતે મેચના છેલ્લા દિવસે કર્ણાટકને માત્ર 110નો ટાર્ગેટ આપ્યો હતો. જેના જવાબમાં મયંક અગ્રવાલ અને દેવદત્ત પડિકલે સારી શરૂઆત કરી હતી. બંનેએ પ્રથમ વિકેટ માટે 50 રનની ભાગીદારી કરી હતી. જો કે દસમી ઓવરમાં સિદ્ધાર્થ દેસાઈએ બંનેને પેવેલિયન મોકલીને ગુજરાતને મેચમાં વાપસી કરાવી હતી.
કર્ણાટકના 3 બેટ્સમેનો જ ડબલ ડીજીટ સુધી પહોંચ્યા
ઓપનિંગ જોડી આઉટ થયા બાદ કર્ણાટકના બેટ્સમેનો એક પછી એક આઉટ થતા ગયા. સતત વિકેટો પડવાના કારણે કર્ણાટકની ટીમ માત્ર 103 રનના સ્કોર પર સમેટાઈ ગઈ હતી. માત્ર 3 બેટ્સમેનો ડબલ ડીજીટ સુધી પહોંચ્યા હતા. સિદ્ધાર્થ દેસાઈએ ગુજરાતની આ જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
13 ઓવરમાં માત્ર 42 રન આપ્યા
સિદ્ધાર્થે 13 ઓવરના સ્પેલમાં 42 રન આપ્યા જેમાં 4 મેડન ઓવર પણ સામેલ હતી. તેણે કર્ણાટકના 7 બેટ્સમેનોને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. તેના સિવાય રિંકેશ વાઘેલાએ 10.2 ઓવરમાં 3 વિકેટ ઝડપી હતી. સિદ્ધાર્થ દેસાઈએ પ્રથમ ઇનિંગમાં પણ 2 વિકેટ ઝડપી હતી. આ મેચમાં તેણે 125 રન આપીને 9 વિકેટ પોતાના નામે કરી હતી.