"રણજી ટ્રોફીને બંધ કરી દેવી જોઈએ...", ભારતીય ક્રિકેટરની પોસ્ટથી સોશિયલ મીડિયામાં હોબાળો
કેરળ અને બંગાળ વચ્ચે રણજી ટ્રોફીની મેચ રમાઈ રહી છે
મનોજ તિવારીના નેતૃત્વમાં બંગાળની ટીમે અત્યાર સુધી પાંચ મેચ રમી છે
Manoj Tiwari On Ranji Trophy : ભારતમાં હાલ રણજી ટ્રોફીની મેચો રમાઈ રહી છે. આ મેચો વચ્ચે ભારતીય ટીમના પૂર્વ બેટર અને બંગાળ ક્રિકેટ ટીમના કેપ્ટન મનોજ તિવારીએ રણજી ટ્રોફીને લઈને મોટું નિવેદન આપ્યું છે. રણજી ટ્રોફીની ઓછી થતી ચમકથી નિરાશ અને નારાજ મનોજે BCCIને આગામી સિઝનથી તેને બંધ કરવાની સલાહ પણ આપી છે.
મનોજ તિવારીએ BCCIને આપી સલાહ
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર ગુસ્સો વ્યક્ત કરતા મનોજ તિવારીએ લખ્યું, “રણજી ટ્રોફીને આગામી સિઝનમાંથી હટાવી દેવી જોઈએ કારણ કે તેમાં ઘણી બધી બાબતો ખોટી થઈ રહી છે. પ્રતિષ્ઠિત ઈતિહાસ ધરાવતી આ ડોમેસ્ટિક ટુર્નામેન્ટને જો સાચવવી હોય તો તેમાં ઘણી બાબતોમાં સુધારો કરવાની જરૂર છે. આ ટુર્નામેન્ટ હવે તેની ચમક અને મહત્વ ગુમાવી રહી છે. જેના કારણે હું ખૂબ જ નિરાશ છું.”
કેરળ અને બંગાળ વચ્ચેની મેચ કોલેજના મેદાનમાં રમાઈ
મનોજ તિવારીનું આ નિવેદન કેરળ સામે ચાલી રહેલી મેચ દરમિયાન આવ્યું છે. કેરળ અને બંગાળ વચ્ચેની મેચ સ્ટેડિયમમાં નહીં પરંતુ કોલેજના મેદાનમાં રમાઈ રહી છે. આ અંગે પણ મનોજે કહ્યું, “અમે કેરળ સાથે સ્ટેડિયમમાં નહીં પણ મેદાન પર રમી રહ્યા છીએ, જ્યારે ત્યાં વર્ષો પહેલા સ્ટેડિયમ બનાવવામાં આવ્યું હતું, અમને રાજ્યની બહારના મેદાનમાં રમવાનું કહેવામાં આવી રહ્યું છે. ડ્રેસિંગ રૂમ એવા છે કે તમે ત્યાં બેસીને યોગ્ય રીતે રણનીતિ પણ નથી બનાવી શકતા. રૂમ અને સામેનો ડ્રેસિંગ રૂમ એકબીજાની એટલી નજીક છે કે તમે સાંભળી શકો છો કે બીજા લોકો શું કહી રહ્યા છે.કોઈ પ્રાઈવેસી નથી. મને આશા છે કે ભવિષ્યમાં આ બાબત પર ધ્યાન આપવામાં આવશે.”
"હું વધુ વિગતમાં કહી શકતો નથી કારણ કે…”
મનોજ તિવારીએ વધુમાં કહ્યું, “હું વધુ વિગતમાં કહી શકતો નથી કારણ કે હું એક રાજ્યનો ખેલાડી અને કેપ્ટન છું અને મારે BCCIની આચાર સંહિતાનું પાલન કરવું પડશે. હું મેચ દરમિયાન જાહેરમાં કંઈ કહી શકું નહીં.”