Get The App

પંજાબ સામે સૌરાષ્ટ્ર પ્રથમ ઇનિંગમાં ૩૦૩ રનમાં ઓલઆઉટ

- પાર્થ ભુતના નવમા ક્રમે ઉતરી ૧૧૧* : સૌરાષ્ટ્રે ૧૪૭ રનમાં ૮ વિકેટ ગુમાવેલી

- પૂજારા, જાડેજા, ઉનડકટ રણજી કવાર્ટર ફાઇનલ ન રમ્યા

Updated: Jan 31st, 2023


Google NewsGoogle News
પંજાબ સામે સૌરાષ્ટ્ર પ્રથમ ઇનિંગમાં ૩૦૩ રનમાં ઓલઆઉટ 1 - image

રાજકોટ, તા. ૩૧

રણજી ટ્રોફી કવાર્ટર ફાઇનલમાં પંજાબ સામે સૌરાષ્ટ્ર તેની પ્રથમ ઇનિંગમાં આજે પ્રથમ દિવસે ૩૦૩ રનમાં ઓલ આઉટ થઇ ગયું હતું. રમતના અંતે પંજાબે વીના વિકેટે ત્રણ રન નોંધાવ્યા હતા.

સૌરાષ્ટ્ર તરફથી પૂજારા, જાડેજા અને કેપ્ટન ઉનડકટ આગામી ઓસ્ટ્રેલિયાની ટેસ્ટ શ્રેણી અગાઉ ઇજા ન થાય તેને નજરમાં રાખીને આ મહત્વની ઘરઆંગણાની મેચ નહોતા રમ્યા. આ નિર્ણયની યોગ્યતા અંગે ભીન્ન મત સાથે ક્રિકેટ ચાહકો અને વિવેચકોમાં ચર્ચા પણ દિવસ દરમ્યાન થઇ હતી.

સ્ટાર ક્રિકેરોની હાજરી વગરની સૌરાષ્ટ્રની ટીમની કેપ્ટન્સી અર્પિત વસાવડાએ કરી છે. સૌરાષ્ટ્રે ટોસ જીતીને પ્રથમ બેટિંગ લીધી હતી. નવમા ક્રમના પાર્થ ભુતના કલ્પના ન હોય તેવા ૧૫૫ બોલમાં ૧૧૧ અણનમ રન કે જેમાં ૧૧ ચોગ્ગા અને ૪ છગ્ગા હતા તેની તેમજ ઓપનર સ્નેલ પટેલની ૭૦ રનની ઇનિંગની મદદથી સૌરાષ્ટ્ર સન્માનજનક ૩૦૩ રને પહોંચી શકયું હતું. બાકી તેમના અન્ય તમામ બેટસમેનો ફલોપ રહ્યા હતા.

ઓપનર હરવિક દેસાઈ ૦, વિશ્વરાજ જાડેજા ૨૮, શેલ્ડન જેકસન ૧૮, અર્પિત વસાવડા ૦, ચિરાગ જાની ૮, પ્રેરક માંકડ ૫, ધર્મેન્દ્ર સિંહ જાડેજા ૧૨, ચેતન સાકરિયા ૨૨ અને યુવરાજ સિંહ ડોડિયાએ ૧૭ રન કર્યા હતા.

સૌરાષ્ટ્રની ૮ વિકેટ ૧૪૭ રનમાં જ પડી ગઈ હતી. આખરી બે વિકેટોએ ૧૫૬ રન ઉમેરતા સૌરાષ્ટ્રના બોલરો પંજાબને સીમીત રાખી શકે તેવો ૩૦૩ રનનો સ્કોર શક્ય બન્યો હતો.

પંજાબ તરફથી લેગ બ્રેક બોલર મયંક માર્કંડેએ ૮૪ રનમાં ૪, ફાસ્ટ બોલર બલતેજ સિંઘે ૩ અને સિધ્ધાર્થ કૌલે બે વિકેટ ઝડપી હતી. પંજાબનો કેપ્ટન મનદિપ સિંઘ છે.


Google NewsGoogle News