Get The App

ધોની મુશ્કેલીમાં, સરકારી જમીન પર બનાવેલા મકાનનો કોમર્શિયલ ઉપયોગ મામલે તપાસ બેસાડાઈ

Updated: Dec 21st, 2024


Google NewsGoogle News
ધોની મુશ્કેલીમાં, સરકારી જમીન પર બનાવેલા મકાનનો કોમર્શિયલ ઉપયોગ મામલે તપાસ બેસાડાઈ 1 - image


Jharkhand State Housing Board: ભાજપના પ્રદેશ કાર્યાલયને નોટિસ મોકલ્યા બાદ હવે ઝારખંડ સ્ટેટ હાઉસિંગ બોર્ડની નજર ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીના હરમુ સ્થિત આવાસ પર છે. ધોનીના હરમુ સ્થિત આવાસમાં ન્યુબર્ગ સુપ્રાટેક (પેથોલોજી સેન્ટર) લેબ ખોલવાની તૈયારીની સૂચના પર ઝારખંડ રાજ્ય આવાસ બોર્ડે તપાસ બેસાડી છે.  તે હવે ધોનીને નોટિસ મોકલવાની તૈયારીમાં છે. 

કોમર્શિયલ ઉપયોગની સૂચના

ઝારખંડ સ્ટેટ હાઉસિંગ બોર્ડના અધ્યક્ષ સંજય લાલ પાસવાને આ સમગ્ર મામલે માહિતી આપતા જણાવ્યું કે, રાજ્ય સરકાર દ્વારા રમતગમતના ક્ષેત્રમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરવા બદલ મહેન્દ્ર સિંહ ધોનીને એક રહેણાંક પ્લોટ આપ્યો હતો. હવે જાણકારી મળી રહી છે કે,, આ પ્લોટનો ઉપયોગ ન્યુબર્ગ સુપ્રાટેક (પેથોલોજી સેન્ટર) લેબ ખોલવા માટે કરવામાં આવી રહ્યો છે.

- જો આ પ્લોટનો કોમર્શિયલ ઉપયોગ કરવામાં આવશે તો તે હાઉસિંગ બોર્ડ દ્વારા નક્કી કરાયેલા નિયમોનું ઉલ્લંઘન ગણાશે. બોર્ડના અધિકારીઓને આ મામલે તપાસ કરવાના નિર્દેશ આપવામાં આવ્યા છે. 

- સંજય લાલ પાસવાને કહ્યું કે, તપાસ બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે. બીજી તરફ આ મામલે ઝારખંડ સ્ટેટ હાઉસિંગ બોર્ડ દ્વારા આ મામલે પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને નોટિસ પણ મોકલવામાં આવી શકે છે. 

- સંજય લાલ પાસવાને એ પણ જણાવ્યું કે, હાઉસિંગ બોર્ડની જમીન પર બનેલા મકાનોનો કોમર્શિયલ ઉપયોગ કરી રહેલા લગભગ ત્રણસો લોકોને નોટિસ આપવામાં આવી ચૂકી છે.

- બોર્ડના એમડી અને સેક્રેટરીને પણ નિર્દેશ આપવામાં આવ્યો છે કે, હાઉસિંગ બોર્ડના જે પ્લોટ અથવા મકાનોમાં કોમર્શિયલ પ્રવૃતિઓ કરવામાં આવી રહી છે તેની ફાળવણી રદ કરી દેવામાં આવે.

આ પણ વાંચો: ટીમ ઈન્ડિયાનો સ્ટાર બેટર વિદેશમાં 'ફ્લોપ', આંકડા છે શરમજનક, મેલબોર્ન ટેસ્ટથી બહાર થવાનું જોખમ?

વર્ષ 2009માં ધોનીને ફાળવવામાં આવ્યો હતો આ પ્લોટ

હાઉસિંગ બોર્ડની જમીન કે મકાન માત્ર રહેણાંકના ઉપયોગ માટે જ ફાળવવામાં આવે છે. વર્ષ 2009માં ઝારખંડ સરકાર દ્વારા એમએસ ધોનીને પાંચ કટ્ટા રહેણાંક પ્લોટ ભેટમાં આપવામાં આવ્યો હતો.

આ પ્લોટ પર ધોનીએ એક આલીશાન ઘર બનાવ્યું અને ઘણા વર્ષો સુધી તે પોતાના માતા-પિતા સાથે રહેતો હતો. હવે તે સિમલિયામાં પોતાના ખાનગી ફાર્મ હાઉસમાં રહી રહ્યો છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે હરમુમાં મહેન્દ્ર સિંહ ધોનીના આવાસમાં એક લેબ ખોલવાની તૈયારી કરવામાં આવી રહી છે.

ભાજપ પ્રદેશ કાર્યાલયને પણ નોટિસ

હાઉસિંગ બોર્ડની જમીન અથવા આવાસનો ઉપયોગ ફક્ત રહેવા માટે જ થઈ શકે છે. મહેન્દ્ર સિંહ ધોની પહેલા ઝારખંડ સ્ટેટ હાઉસિંગ બોર્ડ ભાજપ ઓફિસને લઈને પણ નોટિસ જારી કરી ચૂક્યું છે. વાસ્તવમાં ભાજપના પ્રદેશ કાર્યાલયના પ્લોટના દુરુપયોગનો મામલો ધ્યાને આવતાં કાર્યવાહી કરવામાં આવી છે.


Google NewsGoogle News