ભારત-ઇંગ્લેન્ડ મેચ પહેલા જ રાજકોટના ક્રિકેટ સ્ટેડિયમનું નામ બદલાશે, જાણો કોના નામથી રખાશે
Niranjan Shah Stadium : ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ત્રીજી ટેસ્ટ 15 ફેબ્રુઆરીથી સૌરાષ્ટ્ર ક્રિકેટ સંઘ(SCA) ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. જોકે, આ મેચ પહેલા આ સ્ટેડિયમનું નામ બદલવામાં આવશે. મેચ પહેલાની સાંજે સૌરાષ્ટ્ર ક્રિકેટ સ્ટેડિયમનું નામ બદલીને પૂર્વ પ્રથમ સીરિઝ ખેલાડી અને વરિષ્ઠ પ્રશાસક નિરંજન શાહના નામ પર રખાશે. આ સ્ટેડિયમ રવિન્દ્ર જાડેજાનું ડોમેસ્ટિક મેદાન પણ છે. મહત્વનું છે કે, રાજકોટમાં સૌ પ્રથમ આંતરરાષ્ટ્રીય વન-ડે મેચ લાવવાનો શ્રેય પણ નિરંજન શાહને જાય છે. રેસકોર્ષથી માંડી ખંઢેરી ક્રિકેટ સ્ટેડિયમ સુધીની સફરના તેઓ ભાગીદારી રહ્યા હતા.
નિરંજન શાહ સ્ટેડિયમ નામથી ઓળખાશે સૌરાષ્ટ્ર ક્રિકેટ સ્ટેડિયમ
SCAએ કહ્યું છે કે, ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 15 ફેબ્રુઆરીથી અહીં શરૂ થનારી ત્રીજી ટેસ્ટની પૂર્વ સાંજે ખંડેરી સ્થિત સ્ટેડિયમનું નામ બદલીને નિરંજન શાહ સ્ટેડિયમ કરી દેવાશે. પોતાની પહેલી મેચની યજમાનીના 11 વર્ષ બાદ સ્ટેડિયમનું નામ અનાવરણ બીસીસીઆઈ સચિવ જય શાહ દ્વારા કરાશે. આ સ્ટેડિયમમાં જ ચેતેશ્વર પૂજારા ક્રિકેટનો કક્કો શીખીને જબરદસ્ત બેટ્સમેન બન્યા.
નિરંજન શાહ ક્રિકેટથી લઈને ક્રિકેટ રાજનીતિ સુધી છવાયેલા રહ્યા
નિરંજને 1960ના દાયકાના મધ્યથી 1970ના દાયકાના મધ્ય સુધી સૌરાષ્ટ્ર માટે 12 પ્રથમ સીરિઝ મેચ રમી. તેઓ દેશના સૌથી વરિષ્ઠ ક્રિકેટ પ્રશાસકોમાંથી એક છે અને SCAમાં લાંબા સમયથી તેમનો પ્રભાવ છે. તેમના દીકરા અને પૂર્વ પ્રથમ શ્રેણી ક્રિકેટર જયદેવ શાહ સ્થાનિક ક્રિકેટ સંચાલક મંડળના હાલના અધ્યક્ષ છે. જયદેવે સૌરાષ્ટ્રની કપ્તાની પણ કરી અને આઈપીએલમાં રમ્યા છે.
ઉલ્લેખનીય છે કે, આ પહેલા દિલ્હીના ફિરોઝશાહ કોટલા સ્ટેડિયમનું નામ અરૂણ જેટલીના નામ પર બદલાયું હતું, જ્યારે લખનઉંના ઇકાના સ્ટેડિયમને પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહાર વાજપાઈનું નામ મળ્યું હતું. ક્યારેક મોટેરા નામથી ઓળખાતું સ્ટેડિયમ હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામથી નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમથી ઓળખાશે. આ દુનિયાનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ પણ છે.
15 થી 19 ફેબ્રુઆરી દરમ્યાન રમાશે ભારત-ઈંગ્લેન્ડની ત્રીજી ટેસ્ટ
ભારત-ઈગ્લેન્ડ વચ્ચે 5 ટેસ્ટની શ્રેણી હાલ ચાલી રહી છે. જેમાંથી ત્રીજી ટેસ્ટ મેચ તા. 15 થી 19 ફ્રેબુઆરી દરમ્યાન રાજકોટ ખાતે ખંઢેરી સ્ટેડિયમ ખાતે રમાનાર છે. જેને લઈ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશન દ્વારા તડામાર તૈયારીઓ હાથ ધરી છે. જેમાં ટિકિટનાં દર રૂપિયા 500 થી 25000 નક્કી કરવામાં આવી છે. 11 ફેબ્રુઆરીનાં રોજ ભારતીય ટીમનાં ખેલાડીઓ રાજકોટ આવી પહોંચશે. અને હોટલ સયાજી ખાતે રોકાશે. જ્યારે તા. 12 મી ફેબ્રુઆરીનાં રોજ ઇંગ્લેન્ડની ટીમ રાજકોટ આવશે.
75 કરોડનાં ખર્ચે સ્ટેડિયમ બનાવવામાં આવ્યું
રાજકોટથી 12 કિમી દૂર ખંઢેરીમાં કુલ 75 કરોડનાં ખર્ચે સ્ટેડિયમ બનાવવામાં આવ્યું છે. આ સ્ટેડિયમ 5.50 લાખ સ્કવેર ફૂટમાં ફેલાયેલું છે. તેમજ સ્ટેડિયમની ડિઝાઈન તેમજ તેની બેઠક વ્યવસ્થા માટે 20 થી વધુ દેશોના સ્ટેડિયમની ડિઝાઈનો જોયા બાદ આ સ્ટેડિયમની બેઠક વ્યવસ્થા નક્કી કરવામાં આવી હતી.