IND vs ENG : કે.એલ રાહુલ ચોથી ટેસ્ટ મેચમાંથી પણ બહાર, 'ફ્લોપ' પાટીદાર માટે છેલ્લો ચાન્સ?
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ચોથી ટેસ્ટ મેચ 23 ફેબ્રુઆરીથી શરુ થશે
Image: File Photo |
KL Rahul Ruled Out From 4th Test : ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ચોથી ટેસ્ટ મેચ 23 ફેબ્રુઆરીથી રાંચીમાં રમાશે. આ પહેલા BCCIએ માહિતી આપી હતી કે જસપ્રીત બુમરાહને ચોથી ટેસ્ટ મેચમાંથી આરામ આપવામાં આવ્યો છે અને કે.એલ રાહુલ ઈજાના કારણે આ મેચમાં ભાગ લઈ શકશે નહીં. કે.એલ રાહુલને ફિટનેસ સાબિત કર્યા બાદ જ પાંચમી ટેસ્ટ મેચમાં તક મળશે. આ દરમિયાન યુવા ખેલાડી રજત પાટીદાર માટે આ સારા સમાચાર છે, કારણ કે તેને પોતાની ક્ષમતા સાબિત કરવાની વધુ એક તક મળવા જઈ રહી છે.
કે.એલ રાહુલના સ્થાને રજત પાટીદારને મળશે તક
કે.એલ રાહુલ જયારે ઈજાગ્રસ્ત થયો હતો ત્યારે રજત પાટીદારને બીજી ટેસ્ટ મેચમાં ડેબ્યુ કરવાની તક મળી હતી. ચોથા નંબરે રમનાર રજત પાટીદાર વિશાખાપટ્ટનમમાં કંઈ ખાસ કરી શક્યો ન હતો અને ત્યારબાદ રાજકોટની સપાટ પિચ પર રમાયેલી ત્રીજી ટેસ્ટ મેચમાં રજત પાટીદાર સંઘર્ષ કરતો જોવા મળ્યો હતો. તેણે ચાર ઇનિંગ્સમાં કુલ 46 રન બનાવ્યા છે. જો કે સારી વાત એ છે કે તેને કદાચ અત્યારે ટીમમાંથી બહાર કરવામાં આવશે નહીં, કારણ કે જો કે.એલ રાહુલ ચોથી ટેસ્ટ મેચમાં નહીં હોય તો તેને બીજી તક મળવાની આશા છે.
આગામી સીરિઝમાં વિરાટ કોહલી, કે.એલ રાહુલ અને ચેતેશ્વર પુજારાની વાપસી થઇ શકે
રજત પાટીદાર ચોથી ટેસ્ટ મેચમાં સારું પ્રદર્શન કરવામાં નિષ્ફળ જાય છે, તો તેણે પાંચમી ટેસ્ટ મેચમાંથી બહાર થવું પડશે અને આગામી ટેસ્ટ સીરિઝ માટે તેને ભાગ્યે જ ધ્યાનમાં લેવામાં આવશે, કારણ કે આગામી સીરિઝમાં વિરાટ કોહલી, કે.એલ રાહુલ અને ચેતેશ્વર પુજારાની વાપસી થઇ શકે છે. આ સ્થિતિમાં રજત પાટીદાર પોતાનું સ્થાન બચાવી શકશે નહીં. આ સિવાય સરફરાઝ ખાને પોતાની ડેબ્યુ મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. જેના કારણે રજત પાટીદારની જગ્યાએ સરફરાઝ ખાનને તક મળવાની આશા વધુ છે.