રાજસ્થાન રોયલ્સના આ ખેલાડીએ ગળામાં પહેર્યો છે જાદુઈ Q Collar, જાણો તેનો ઉપયોગ અને કિંમત
Q Collar Gadget : વર્તમાન સમયમાં વિશ્વભરની સાથે સાથે રમત-ગમતના મેદાનમાં પણ અવનવી ટેકનોલોજી અને ગેજેટનો ઉપયોગ જોવા મળતો હોય છે. ગત વર્ષે વર્લ્ડકપની મેચોમાં ઘણા ખેલાડીઓના હાથમાં વ્હૂપ બેન્ડ (Whoop Band) જોવા મળ્યા હતા. ત્યારે ઈન્ડિયન પ્રિમીયર લીગ (IPL-2024)માં તાજેતરમાં જ એક નવું ગેજેટે દેખાતા ક્રિકેટ રસીયાઓમાં ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. આઈપીએલની એક મેચમાં રાજસ્થાન રૉયલ્સનો વિકેટકીપર ટૉમ કોહલર-કૈડમોર એક ખાસ ડિવાઈસ પહેરેલો જોવા મળ્યો હતો. તેણે ગળામાં ડિવાઈસ પહેરેલું હતું.
બ્રેઈનની ઈજાથી બચાવે છે Q Collar
કૈડમોરે જે ડિવાઈસ પહેર્યું હતું, તેનું નામ Q Collar છે. આ ગેજેટ ખેલાડીઓને બ્રેઈનની ઈજાથી બચાવે છે. એવું નથી કે, કૈડમોરે પહેલીવાર આ ગેજેટનો ઉપયોગ કર્યો છે. તેણે ગત વર્ષે 17 ઓગસ્ટે આ ડિવાઈસ પહેર્યું હતું. ત્યારે આ ગેજેટ પર સૌકોઈનું ધ્યાન પડ્યું હતું અને તમામ જાણવાનો પ્રયાસ કર્યો હતો કે, આ ગેજેટ શું છે? જો જાણીએ આ ગેજેટની ખાસ બાબતો...
Q Collar ખાસીયત
કોઈપણ વ્યક્તિની બ્રેઈન સુરક્ષાને ધ્યાને રાખી Q Collar ગેજેટ બનાવાયું છે. આ એક પ્રોટેક્ટિવ ડિવાઈસ છે અને તેનાથી મગજને ઈજા થવાનું જોખમ ઘટે છે. સામાન્ય રીતે ક્રિકેટ અથવા અન્ય સ્પોર્ટ્સ રમતી વખતે માથામાં ઈજા થવાની સંભાવના વધુ હોય છે, તેથી ક્યૂ કોલર તે ઈજાની અસર ઓછામાં ઓછી થવા દે છે. આ ડિવાઈસને Q30 Innovations તૈયાર કર્યું છે. ક્યૂ કોલર ગળાની નસો પર આંશિક દબાણ કરે છે, જેના કારણે મગજમાં લોહીનું પ્રમાણ વધી જાય છે. તેનાથી મગજ સ્થિર રહે છે. જ્યારે માથામાં ઈજા થાય ત્યારે બ્રેઈનની હલનચલનના કારણે જ બ્રેઈન ઈન્જરી થાય છે, તેથી આ કોલરથી ઈજા વખતે મગજની હલનચનલ ઓછી થાય છે. આ ડિવાઈસ બ્લડ વોલ્યૂમનો વધારો કરીને મગજને ઇજા થવાની શક્યતા ઘટાડે છે.
શું ક્યૂ કોલરનો ક્રિકેટમાં ઉપયોગ કરી શકાય છે?
આમ તો ક્રિકેટ રમતી વખતે હેલમેટ વધુ સુરક્ષીત છે, તેનાથી ખેલાડીને મગજની ઈજાથી બચાવે છે, તેથી જ બ્રેઈન ઈન્જરીના ઓછા કેસ સામે આવે છે. જોકે ક્રિકેટ મેચ રમતી વખતે ખેલાડીને ગંભીર ઈજા થઈ હોય, એવી ઘણી બાબતો સામે આવી છે. ઘણીવાર એવું બને છે કે, બેટર હેલમેટ પહેરવાનું ટાળે છે, તેના કારણે તેની સુરક્ષા પણ જોખમાય છે. આવી સ્થિતિમાં ક્યૂ કોલરનો ઉપયોગ શ્રેષ્ઠ વિકલ્પ છે. ICCએ ક્રિકેટ મેચ રમતી વખતે હેલમેટનો ઉપયોગ ફરજીયાત કરી દીધો છે. જોકે ક્યૂ કોલર અંગે હજુ સુધી કોઈપણ નિયમ બનાવાયો નથી. આ ક્યૂ કોલરની કિંમત 199 ડૉલર (લગભગ 16,600 રૂપિયા) છે.