BCCI સામે મૂંઝવણ! હેડ કોચ તરીકે જળવાઈ રહેવા દ્રવિડનો ઇનકાર, સિનિયર ક્રિકેટરની રજૂઆત ઠુકરાવી
Indian men’s team set to have new head coach: બીસીસીઆઈએ ટીમ ઈન્ડિયાના હેડ કોચની તલાશ શરૂ કરી દીધી છે અને વર્તમાન કોચ દ્રવિડને પણ ફરી અરજી કરવાની છૂટ આપી છે. જો કે, દ્રવિડ ખુદ ભારતીય ટીમને હેડ કોચ તરીકેનો પોતાનો કાર્યકાળ લંબાવવા માટે ઈચ્છતો ન હોવાનું ભારતીય ક્રિકેટ જગતમાં ચર્ચાઈ રહ્યું છે. આધારભૂત સૂત્રોને ટાંકીને એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, ટીમ ઈન્ડિયાના સિનિયરોએ દ્રવિડને વિનંતી કરી હતી કે, તેઓ ટેસ્ટ ટીમના કોચ તરીકે એક વર્ષ ટકી રહે, પણ દ્રવિડે આ માટે સ્પષ્ટ ઈનકાર કરી દીધો હતો. ટૂંકમાં દ્રવિડ ફરી વખત ભારતીય ટીમના હેડ કોચ બનવા માટે અરજી કરવાનો નથી એ બાબત સ્પષ્ટ થઈ ગઈ છે.
દ્રવિડના સ્થાને ટીમ ઈન્ડિયાના હેડકોચ બનવાની સ્પર્ધામાં લક્ષ્મણ ફેવરિટ
દ્રવિડના સ્થાને ટીમ ઈન્ડિયાના હેડકોચ બનવાની સ્પર્ધામાં એનસીએના ડાયરેક્ટરની જવાબદારી સંભાળી રહેલો લક્ષ્મણ સૌથી હોટ ફેવરિટ મનાતો હતો. જો કે, લક્ષ્મણ પણ હેડકોચ બનવા માટે અરજી કરવા માટે તૈયાર ન હોવાનું મનાય છે. દ્રવિડની વિદાય બાદ લક્ષ્મણ પણ ટીમ ઈન્ડિયાના હેડ કોચની જવાબદારી સંભાળવા અરજી ન કરે તો ગંભીર ફ્લેમિંગ કે લેંગરમાંથી કોને આ જવાબદારી સોંપવામાં આવે તેવી શક્યતા છે.
દ્રવિડે અંગત કારણો રજુ કર્યા
ટીમ ઈન્ડિયાના હેડ કોચ તરીકે દ્રવિડ કાર્યકાળને લંબાવવાઈચ્છતો નથી. તેણે આ માટે અંગત કારણો રજુ કર્યા હતા. આઈપીએલ શરૂ થાય તે પહેલા જ દ્રવિડે બીસીસીઆઈના ઉચ્ચ હોદ્દેદારોને તેનો ઈરાદો જણાવી દીધો હોવાનું મનાય છે. રિપોર્ટ જણાવે છે કે, દ્રવિડ ટીમે ઈન્ડિયાના હેડકોચ તરીકેના સતત પ્રવાસનો કારણે થાકી ગયો છે. હવે તે પરિવારની સાથે સમય વિતાવવા માંગે છે અને આ કારણે તે હેડ કોચના હોદા પર ટકી રહેવા ઈચ્છતો નથી.
સિનિયર ક્રિકેટરોની ઈચ્છા
ટીમ ઈન્ડિયાના સિનિયર ક્રિકેટરો ઈચ્છતા હતા કે, દ્રવિડ હજુ વધુ એક વર્ષ સુધી ટેસ્ટ ટીમના કોચ તરીકે જારી રહે. ભારતીય ટેસ્ટ ટીમમાં પરિવર્તનનો સિલસિલો શરૂ થઈ ચૂક્યો છે. પુજારા અને રહાણેને ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યાછે. કેપ્ટન રોહિત શર્મા પણ હવે 37 વર્ષનો થઈ ચૂક્યો છે, ત્યારે તેની ટેસ્ટ કારકિર્દી પણ હવે લંબાય તેમ લાગતું નથી. સિનિયર ક્રિકેટરોએ દ્રવિડને ટેસ્ટ ટીમના કોચ તરીકે એક વર્ષ કાર્યકાળ લંબાવવા વિનંતી કરી હતી,પણ દ્રવિડે તે વિનંતી ઠુકરાવી દીધી હતી.
લક્ષ્મણ પણ રેસમાં નહીં ઉતરે?
દ્રવિડની ગેરહાજરીમાં ભારતની ટીમના કોચ તરીકેની જવાબદારી સંભાળનારો લક્ષ્મણ અત્યાર સુધી નવા હેડ કોચ તરીકે હોટ ફેવરિટ મનાતો હતો. જો કે દ્રવિડની વિદાય બાદ લક્ષ્મણ પણ હેડકોચ બનવાની રેસમાં ઉતરવા ઈચ્છતો નથી તેમ તેના અંતરંગ વર્તુળો જણાવી રહ્યા છે. લક્ષ્મણ છેલ્લા ત્રણ વર્ષથી રાષ્ટ્રીય ક્રિકેટ અકાદમીના ડાયરેક્ટર તરીકેની જવાબદારી સંભાળે છે. તેને પણ દ્રવિડનું સ્થાન લેવામાં ખાસ રસ લાગતો નથી અને આ કારણે તે હેડ કોચ બનવા માટે અરજી જ ન કરે તેવું પણ બની શકે.