VIDEO: 'જ્યારે પણ મુશ્કેલી આવે ત્યારે..' દ્રવિડના સરપ્રાઈઝ મેસેજથી ગૌતમ ગંભીર થઈ ગયો ભાવુક
Rahul Dravid On Gautam Gambhir: ભારત અને શ્રીલંકા વચ્ચેની 3-3 મેચની T20 અને વનડે સીરિઝની શરૂઆત આજથી શરુ થશે. ભારતીય ટીમના નવા કોચ તરીકે ગૌતમ ગંભીરની આ પહેલી પરીક્ષા હશે. ગંભીરના કોચિંગ કારકિર્દીની શરૂઆત પહેલા ભારતીય ટીમના પૂર્વ મુખ્ય કોચ રાહુલ દ્રવિડે વીડિયો સંદેશ મોકલીને ગંભીરને એક મોટી જવાબદારી સોંપી છે.
દુનિયાની સૌથી રોમાંચક નોકરીમાં તમારું સ્વાગત છે
બીસીસીઆઈએ શેર કરેલા વિડીયોમાં રાહુલ દ્રવિડે તેના અનુગામી ગૌતમ ગંભીરને પોતાના અનુભવો, અપેક્ષાઓ શેર કરતા કહ્યું હતું કે,' હેલો ગૌતમ, તમારું આપણી દુનિયાની સૌથી રોમાંચક નોકરીમાં સ્વાગત છે. ભારતીય ક્રિકેટ ટીમના કોચ તરીકેનો મારો કાર્યકાળ પૂરો થયાને ત્રણ અઠવાડિયા થઈ ગયા છે. ભારતીય ટીમ સાથેનો મારો કાર્યકાળ એ રીતે સમાપ્ત થયો કે તે મારા સપનાથી પણ બહાર હતું. બંને બાર્બાડોસમાં અને પછી થોડા દિવસો પછી ફરીથી મુંબઈની તે વિકટ્રી પરેડની અવિસ્મરણીય સાંજ હું ક્યારેય નહી ભૂલી શકુ. સૌથી વધારે હું ટીમ સાથેની મારી યાદો અને મિત્રતાને હું મારા હ્રદયમાં સાચવીને રાખીશ.'
મને વિશ્વાસ છે કે તમે ટીમ સાથે ન્યાય કરશો
રાહુલે વિડીયોમાં આગળ જણાવ્યું હતું કે, જ્યારે તમે અને હું એક જ ટીમના ખેલાડીઓ હતા, ત્યારે મેં તમારી બેટિંગને જોઈ છે તમે ટીમ માટે તમારું સર્વસ્વ આપતા હતા. મેં તમારી બેટિંગ અને ફિલ્ડિંગને એક ટીમના સાથી ખેલાડી તરીકે નજીકથી જોઈ છે, તમે હંમેશાં વિરોધીઓ સામે આત્મસમર્પણ કરવાના વિરોધી હતા. મેં તમારી ઘણી આઈપીએલ સીઝનમાં નોંધ્યું છે કે તમે જીત મેળવવા માટે કેટલા ઈચ્છુક રહો છો અને યુવા ખેલાડીઓની મદદ કરતા પણ મેં તમને જોયા છે. મને વિશ્વાસ છે કે તમે અહીં પણ ટીમ સાથે ન્યાય કરશો. તમને અહીં ખેલાડીઓ સહિત દરેક વ્યક્તિ તરફથી સંપૂર્ણ સમર્થન મળશે
તમે ભારતીય ક્રિકેટને વધુ ઉંચાઈઓ પર લઈ જશો
દ્રવિડે આ વીડિયો સંદેશમાં ગૌતમ ગંભીરને કહ્યું કે, 'જ્યારે પણ તમે મુશ્કેલ સમયમાં ફસાઈ જાઓ ત્યારે ઊંડો શ્વાસ લો, અને એક ડગલું પાછું લો અને છતાં પણ તમે મુશ્કેલ હોવ તો સ્મિત કરો. આ પછી જે પણ થશે તેનાથી લોકો આશ્ચર્યચકિત થશે. હું ગૌતમ ગંભીર તમને શુભકામનાઓ પાઠવું છું અને મને વિશ્વાસ છે કે તમે ભારતીય ક્રિકેટને વધુ ઉંચાઈઓ પર લઈ જશો.'