IPLમાં જોવા મળશે દ્રવિડ! આ બે ટીમોએ મેંટોર બનવાની ઓફર કરી, એક ટીમ સાથે પહેલા પણ કર્યું છે કામ

ODI World Cup 2023 સમાપ્ત થવાની સાથે દ્રવિડનો કોન્ટ્રાક્ટ પણ સમાપ્ત થઇ ગયો છે

રાહુલ દ્રવિડ 2 વર્ષ સુધી ભારતીય ક્રિકેટ ટીમનો હેડ કોચ હતો

Updated: Nov 25th, 2023


Google NewsGoogle News
IPLમાં જોવા મળશે દ્રવિડ! આ બે ટીમોએ મેંટોર બનવાની ઓફર કરી, એક ટીમ સાથે પહેલા પણ કર્યું છે કામ 1 - image
Image:Twitter

IPL 2024 : ODI World Cup 2023 સમાપ્ત થતાની સાથે જ ભારતીય ટીમના હેડ કોચ રાહુલ દ્રવિડનો ભારતીય ટીમ સાથે કાર્યકાળ પણ સમાપ્ત થઇ ચુક્યો છે. જો કે એવા અહેવાલો મળી રહ્યા છે કે તે ફરીથી ભારતીય ટીમનો કોચ બનવા નથી માંગતો અને પોતાના કોન્ટ્રાક્ટને આગળ વધારવા પર વિચારી પણ રહ્યો નથી. હવે એવા અહેવાલો સામે આવી રહ્યા છે કે દ્રવિડ IPLમાં વાપસી કરવા જઈ રહ્યો છે. મળેલા અહેવાલો મુજબ IPL ફ્રેન્ચાઈઝી લખનઉ સુપર જાયન્ટ્સ સાથે તે જોડાઈ શકે છે.

પરિવાર સાથે સમય વિતાવવા માંગે છે દ્રવિડ

રાહુલ દ્રવિડ IPL 2024 પહેલા લખનઉ સુપર જાયન્ટ્સ(Rahul Dravid Likely To Become Mentor Of Lucknow Super Giants)નો મેંટોર બની શકે છે. જો કે તે દ્રવિડ અને BCCI વચ્ચે શું વાતચીત થાય છે તેના પર નિર્ભર રહેશે. મીડિયા અહેવાલો મુજબ BCCI દ્રવિડ સાથે બેઠક કરીને તેના ભવિષ્ય અંગે વાત કરી શકે છે. જો કે દ્રવિડ તેના કાર્યકાળમાં વધારો કરવા માંગે તેવી શક્યતા ઓછી છે. તે પોતાના પરિવાર સાથે સમય વ્યતીત કરવા ઈચ્છે છે જે ભારતીય ટીમના વ્યસ્ત કાર્યક્રમ અને સતત યાત્રાના કારણ ભારતના હેડ કોચ તરીકે સંભવ નથી.

આ ફ્રેન્ચાઈઝી કરવા માંગે છે દ્રવિડને પોતાની ટીમમાં સામેલ

વાત કરીએ IPLની તો તે 2 મહિના ચાલે છે. જેથી દ્રવિડને પોતાના પરિવાર સાથે રહેવા માટે પૂરતો સમય મળશે અને કોચ તરીકે તે ક્રિકેટ સાથે જોડાઈ પણ રહેશે. લખનઉ સુપર જાયન્ટ્સ હંમેશા રાહુલને પોતાની ટીમમાં સામેલ કરવા માંગતી હતી. પરંતુ ભારતીય ટીમનો હેડ કોચ હોવાથી તે અત્યાર સુધી સંભવ થઇ શક્યું ન હતું. જો દ્રવિડ ભારતીય ટીમના હેડ કોચ પદ પર નહીં હોય તો લખનઉ તેની સાથે એક સારી ડીલ કરીને તેણે પોતાના સપોર્ટ સ્ટાફમાં સામેલ કરી શકે છે.

રાજસ્થાન રોયલ્સ પણ રેસમાં 

લખનઉની ટીમે પહેલાથી જ હેડ કોચ એંડી ફ્લાવરને હટાવી દીધો છે અને જસ્ટિન લેંગરને આગામી સિઝનથી ટીમનો હેડ કોચ બનાવવામાં આવશે. જો બધું સારું રહ્યું તો દ્રવિડ તેનો સાથ આપી શકે છે. આ ઉપરાંત એક અન્ય ફ્રેન્ચાઈઝી પણ છે જે દ્રવિડને પોતાની ટીમમાં સામેલ કરવા માંગે છે. રાજસ્થાન રોયલ્સ પણ દ્રવિડ સાથે વાતચીત કરી રહ્યું છે. દ્રવિડે રાજસ્થાન રોયલ્સનું એક ખેલાડી અને કેપ્ટન તરીકે ઘણાં વર્ષો સુધી નેતૃત્વ કર્યું છે. તે રાજસ્થાનનો મેંટોર પણ રહી ચુક્યો છે. જો કે હાલમાં જે સ્થિતિ છે તેમાં લખનઉની ટીમ દ્રવિડને પોતાનો મેંટોર નિયુક્ત કરવાની રેસમાં આગળ છે.   

IPLમાં જોવા મળશે દ્રવિડ! આ બે ટીમોએ મેંટોર બનવાની ઓફર કરી, એક ટીમ સાથે પહેલા પણ કર્યું છે કામ 2 - image


Google NewsGoogle News