IND vs ENG : ઈંગ્લેન્ડ સામે જીત બાદ સૌરવ ગાંગુલીના નિવેદનથી હોબાળો, રાહુલ દ્રવિડે આપી તીખી પ્રતિક્રિયા
બીજી ટેસ્ટ મેચમાં ભારતે ઈંગ્લેન્ડને 106 રને હરાવ્યું હતું
Image:Screengrab |
Rahul Dravid On Rank Turner Pitch : ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 મેચોની ટેસ્ટ સીરિઝની બીજી મેચમાં ભારતે 106 રને જીત મેળવી હતી. આ જીત સાથે ભારતે સીરિઝ 1-1થી બરાબર કરી લીધી છે. વિશાખાપટ્ટનમ ટેસ્ટમાં ભારતને મળેલી જીત બાદ પૂર્વ ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલીએ સોશિયલ મીડિયા પર કઇંક એવું લખ્યું જેને લઈને હોબાળો થવા લાગ્યો હતો. ભારતીય ટીમના હેડ કોચ રાહુલ દ્રવિડે પણ આ મામલે પ્રતિક્રિયા આપી હતી.
પિચને કારણે છેલ્લા 6-7 વર્ષમાં બેટિંગનું સ્તર નીચે ગયું - સૌરવ ગાંગુલી
પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ સોશિયલ મીડિયા પર ટીમના બોલરોની પ્રશંસા કરતાં લખ્યું, “જ્યારે હું બુમરાહ, સિરાજ અને મુકેશ કુમારને બોલિંગ કરતા જોઉં છું, ત્યારે મને લાગે છે કે આપણે ભારતમાં ટર્નિંગ ટ્રેક તૈયાર કરવાની શી જરૂર છે. સારી વિકેટ પર મેચ રમવાની મારી ઈચ્છા દરેક મેચ સાથે પ્રબળ થાય છે. આ બોલરો કોઈપણ પિચ પર તમારા માટે 20 વિકેટ લઈ શકે છે. તેમને કુલદીપ અને અક્ષર જેવા બોલરોના સમર્થનની જરૂર છે. ઘરઆંગણે પિચને કારણે છેલ્લા 6-7 વર્ષમાં બેટિંગનું સ્તર થોડું નીચે ગયું છે. સારી વિકેટ હોવી ચોક્કસપણે જરૂરી છે.”
અમે રેન્ક ટર્નર નથી માંગતા - રાહુલ દ્રવિડ
બીજી ટેસ્ટ મેચ જીત્યા બાદ ભારતીય કોચ રાહુલ દ્રવિડે આ અંગે પ્રતિક્રિયા આપી હતી. દ્રવિડે કહ્યું, “ક્યુરેટર પિચ તૈયાર કરે છે. અમે 'રેન્ક ટર્નર' માટે નથી પૂછતા. સ્વાભાવિક છે કે બોલ ભારતની પિચો પર ટર્ન થશે. પરંતુ બોલ કેટલો ટર્ન લેશે, હું નિષ્ણાત નથી. ભારતમાં 4-5 દિવસ દરમિયાન પિચ સ્પિનરોને મદદ કરે છે.”