ટીમ ઈન્ડિયાને અલવિદા કહેતા ભાવુક થયા રાહુલ દ્રવિડ, જુઓ હેડ કોચની ફાઇનલ સ્પીચ
Image: BCCI X
Rahul Dravids Farewell Speech: ભારતીય ટીમે T20 વર્લ્ડ કપ 2024ની ફાઈનલ મેચમાં સાઉથ આફ્રિકાને 7 રનથી હરાવીને ટ્રોફી પોતાના નામે કરી હતી. ફાઈનલ મેચમાં ટીમ ઈન્ડિયાએ પ્રથમ બેટિંગ કરતા 176 રન બનાવ્યા હતા, જે બાદ આફ્રિકાની ટીમ 20 ઓવરમાં માત્ર 169 રન જ બનાવી શકી હતી. આ જીત બાદ ટીમ ઈન્ડિયાના તમામ ખેલાડીઓની આંખોમાં ખુશીના આંસુ જોવા મળ્યા હતા, જ્યારે વર્લ્ડ કપની ટ્રોફી હાથમાં લીધા બાદ મુખ્ય કોચ રાહુલ દ્રવિડે પણ પહેલીવાર અલગ રીતે પોતાની ખુશી વ્યક્ત કરી હતી. મહત્વનું છેકે, રાહુલ દ્રવિડની ટીમ ઈન્ડિયા સાથે મુખ્ય કોચ તરીકેની આ છેલ્લી મેચ હતી.
હવે BCCIએ ડ્રેસિંગ રૂમની અંદર દ્રવિડની સ્પીચનો એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં તેમની ભાવનાઓ સ્પષ્ટ દેખાઈ રહી છે.
રાહુલ દ્રવિડ T20 વર્લ્ડ કપ 2024 સુધી ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ રહ્યા હતા. ટૂર્નામેન્ટ સમાપ્ત થતાંની સાથે જ રાહુલ દ્રવિડનો કાર્યકાળ પણ સમાપ્ત થઈ ગયો. હવે ટીમ ઈન્ડિયાને નવા હેડ મળશે. ટીમ ઈન્ડિયા સાથે દ્રવિડની સફર એક વિજેતા કોચ તરીકે પૂરી થઈ. ટીમને અલવિદા કહેતા પહેલા દ્રવિડે ડ્રેસિંગ રૂમમાં સ્પીચ આપી હતી.
છેલ્લી સ્પીચમાં શું કહ્યું?
ટીમ ઈન્ડિયા ચેમ્પિયન બન્યા બાદ રાહુલ દ્રવિડે ડ્રેસિંગ રૂમમાં કહ્યું, "મને આ અદ્ભુત યાદગીરીનો હિસ્સો બનાવવા માટે તમારા બધાનો આભાર. તમે બધા આ ક્ષણને યાદ કરશો. આ રન કે વિકેટની વાત નથી. તમે તમારી કારકિર્દીને યાદ નહી રાખો પણ આ પ્રકારની મોમેન્ટને યાદ રાખશો. હું તમારા બધા પર આનાથી વધુ ગર્વ કરી શકતો નથી, તમે જે રીતે લડ્યા, જે રીતે અમે એક ટીમ તરીકે કામ કર્યું, જ્યાં થોડી નિરાશા પણ હાથ લાગી, જ્યાં આપણે નજીક આવ્યા પરંતૂ લાઇન પાર કરી શક્યા નહીં.”
પોતાની સ્પીચમાં રાહુલ દ્વવિડે આગળ કહ્યું કે, "આ છોકરાઓએ જે કર્યું, તમે બધાએ જે કર્યું, સપોર્ટ સ્ટાફે જે કર્યું, હાર્ડ વર્ક જે આપણે કર્યું, જે બલિદાન આપણે આપ્યું. આખા દેશને તમારા બધા પર ગર્વ છે અને તમે જે હાંસલ કર્યું છે તેના માટે તમને દરેકે પોતાના પર ગર્વ અનુભવવો જોઇએ, મને લાગે છે કે, પોતાના પરિવારને અહિંયા ઇન્જોય કરતા જોવા માટે દરેકે બલિદાન આપ્યુ છે.
દ્રવિડે આગળ કહ્યું કે, "તમારા દરેકનો આભાર. મારા પાસે શબ્દોની કમી છે,જે ઘણી વાર થતી નથી. હું આનો ભાગ બનવા કરતાં વધુ આભારી ન હોઈ શકું. મારા માટે આદર, પ્રેમાળ રહેવું અને પ્રયત્ન કરવો જે તમે બધાએ મારા અને મારા કોચિંગ સ્ટાફ માટે કર્યો છે તેના માટા ખૂબ ખૂબ આભાર.”
રોહિત શર્માનો માન્યો આભાર
2023 ODI વર્લ્ડ કપની ફાઇનલમાં હાર્યા બાદ રાહુલ દ્રવિડ મુખ્ય કોચના પદ પરથી હટી જવા માંગતા હતા પરંતુ રોહિત શર્માએ તેમને રહેવા માટે મનાવી લીધા હતા. દ્રવિડે આગળ રોહિત શર્માનો આભાર વ્યક્ત કરતા કહ્યું કે, "રોહિત, નવેમ્બરમાં મને તે કોલ કરવા અને મને રહેવા માટે કહેવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર."