IPL 2025: રાહુલ દ્રવિડની ફરી IPLમાં એન્ટ્રી! આ ટીમમાં મળી મોટી જવાબદારી
Rajasthan Royals, Rahul Dravid: ઘણાં વર્ષો બાદ રાહુલ દ્રવિડની આઈપીએલમાં ફરીથી વાપસી થઇ શકે છે. મળતી માહિતી અનુસાર આગામી IPL 2025 પહેલા દ્રવિડને રાજેસ્થાન રોયલ્સ ટીમના મુખ્ય કોચ તરીકે પદ અપાયું છે. દ્રવિડે રાજસ્થાન રોયલ્સ સાથે કરાર કર્યો છે. આ ટીમ સાથે દ્રવિડના જુના સંબંધો છે. તે અગાઉ રાજસ્થાનનો કેપ્ટન રહી ચૂક્યો છે. હાલમાં જ તેના કોચિંગ હેઠળ ભારતીય ટીમે T20 વર્લ્ડ કપ 2024નો ખિતાબ પણ જીત્યો હતો.
રીપોર્ટ અનુસાર રાજસ્થાને દ્રવિડને ટીમનો મુખ્ય કોચ બનાવ્યો છે. મુખ્ય કોચ બન્યા બાદ દ્રવિડ ફ્રેન્ચાઇઝીના મેગા ઓક્શન દરમિયાન મહત્વની ભૂમિકા ભજવશે. ટીમ સાથે તેના ખૂબ સારા સંબંધો છે. કેપ્ટન સંજુ સેમસન પણ દ્રવિડથી ખૂબ નજીક રહ્યો છે. દ્રવિડે તેના અંડર 19 દિવસોથી સંજુને રમતા જોયો છે.
દ્રવિડની આઈપીએલ કારકિર્દી શાનદાર રહી છે. તે 2012 અને 2013ની આઈપીએલ સિઝનમાં રાજસ્થાન રોયલ્સનો કેપ્ટન રહી ચૂક્યો છે. ત્યારબાદ પણ તે વધુ બે વર્ષ માટે ટીમ સાથે જોડાયેલો રહ્યો હતો. 2014 અને 2015માં દ્રવિડ ટીમનો મેન્ટર અને ડિરેક્ટર તરીકેની જવાબદારી પણ નિભાવી ચૂક્યો છે. ત્યાર બાદ તે 2016માં દિલ્હી ડેરડેવિલ્સ સાથે જોડાયો હતો. આ પછી દ્રવિડે ભારતીય ક્રિકેટ ટીમ માટે મહત્વની ભૂમિકા ભજવી હતી. આઈપીએલ બાદ દ્રવિડ નેશનલ ક્રિકેટ એકેડમી સાથે જોડાયો હતો. તે 2019માં એકેડમીનો વડો બન્યો હતો. આ પછી તેને 2021માં ભારતીય ટીમના મુખ્ય કોચ તરીકેની જવાબદારી આપવામાં આવી હતી.
હાલમાં કુમાર સંગાકારા રાજસ્થાન રોયલ્સ ટીમના ડિરેક્ટર ઓફ ક્રિકેટ તરીકેના પદ પર છે. હવે દ્રવિડ પણ ટીમનો ભાગ બન્યો છે. તેની સાથે વિક્રમ રાઠોડને પણ મહત્ત્વની જવાબદારી અપાયી છે. રાઠોડને આસિસ્ટન્ટ કોચ બનાવવામાં આવ્યો છે.