IND vs SA : ભારતની હાર બાદ કોચ રાહુલ દ્રવિડ ગુસ્સે થયા, મેદાન વચ્ચે બતાવી નારાજગી
ભારતીય ટીમે પ્રથમ બેટિંગ કરતા 19.3 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 180 બનાવ્યા હતા
સાઉથ આફ્રિકાની ટીમને DLS પદ્ધતિ મુજબ 15 ઓવરમાં 152 રનનો ટાર્ગેટ મળ્યો
Image:Twitter |
Rahul Dravid reaction viral : ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાયેલી બીજી T20I મેચમાં ભારતીય ટીમને 5 વિકેટહતી હારનો સામનો કરવો પડ્યો હતો. ભારતીય ટીમે પ્રથમ બેટિંગ કરતા 19.3 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 180 બનાવ્યા હતા. વરસાદના કારણે મેચ બાધિત થઇ હતી. વરસાદ રોકાયા બાદ સાઉથ આફ્રિકાની ટીમને DLS પદ્ધતિ મુજબ 15 ઓવરમાં 152 રનનો ટાર્ગેટ મળ્યો હતો. જે સાઉથ આફ્રિકાએ માત્ર 14 ઓવરમાં જ હાંસલ કરી લીધો હતો. મેચ હાર્યા બાદ ભારતીય ટીમના હેડ કોચ રાહુલ દ્રવિડ મેદાન પર આવ્યા અને ગુસ્સે થઇ મેદાનની વચ્ચે પોતાની નારાજગી બતાવી હતી.
દ્રવિડે ગુસ્સે થઇ બધાની સામે નારાજગી વ્યક્ત કરી
સાઉથ આફ્રિકાની ટીમ ભારત સામેની બીજી મેચ જીતવામાં સફળ રહી તે પછી તરત જ ભારતીય ટીમના હેડ કોચ રાહુલ દ્રવિડ મેદાનમાં આવ્યા અને મેદાનને સ્પર્શ કરીને જોવા લાગ્યા. મેદાન ભીનું હતું જેના કારણે ભારતીય બોલરો સારી બોલિંગ કરી શક્યા ન હતા. આવી સ્થિતિમાં દ્રવિડ ખૂબ ગુસ્સે થઈ ગયો હતો અને બધાની સામે પોતાની નારાજગી વ્યક્ત કરતો જોવા મળ્યો હતો. જેની તસવીર સોશ્યલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. રાહુલે જે રીતે પ્રતિક્રિયા આપી છે તે જોઈને અનુમાન લગાવી શકાય છે કે દ્રવિડ આ અંગે અમ્પાયરને પણ સવાલ કરી શકે છે.
ભીના બોલ સાથે બોલિંગ કરવું કઠિન - સૂર્યકુમાર યાદવ
મેચ હાર્યા બાદ ભારતીય ટીમના કેપ્ટન સૂર્યકુમાર યાદવે કહ્યું, 'એક સમયે એવું લાગ્યું કે સ્કોર બરાબરીનો છે, પરંતુ તેઓએ પ્રથમ 5-6 ઓવરમાં શાનદાર બેટિંગ કરી અને અમારા હાથોથી મેચ છીનવી લીધી. ભીના બોલ સાથે બોલિંગ કરવું કઠિન હતું. પરંતુ ભવિષ્યમાં અમારે આવી જ પરિસ્થિતિઓનો સામનો કરવો પડશે અને આ અમારા માટે શીખવા જેવી બાબત છે. અમે ત્રીજી T20ની રાહ જોઈ રહ્યા છીએ.'