ભારતના પૂર્વ ફિલ્ડિંગ કોચને અફઘાનિસ્તાને સોંપી મોટી જવાબદારી, હવે આ ભૂમિકામાં આવશે નજર
Image Source: Twitter
Afghanistan Cricket Team: અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમે પોતાના કોચિંગ સેટઅપમાં મોટો ફેરફાર કર્યો છે. એશિયાની સૌથી ઝડપથી મજબૂત થઈ રહેલી ક્રિકેટ ટીમે પોતાની કોચિંગ ટીમમાં એક ભારતીય દિગ્ગજને સામેલ કર્યો છે. અફઘાન ટીમને આશા છે કે જે રીતે અજય જાડેજાએ ODI વર્લ્ડ કપમાં તેમની સાથે કામ કરીને તેમના પ્રદર્શનનું સ્તર ઊંચું કર્યું હતું એ જ રીતે આ ભારતીય પણ પોતાનું યોગદાન આપશે. અફઘાન ટીમે ભારતીય દિગ્ગજ ખેલાડી આર શ્રીધરને સહાયક કોચ બનાવ્યો છે.
ACB name R. Sridhar as National Team’s Asst. Coach for New Zealand and South Africa Fixtures.
— Afghanistan Cricket Board (@ACBofficials) August 21, 2024
More: https://t.co/B8VZlnB10t pic.twitter.com/nmCuVpCqD9
બે સીરિઝ માટે બનાવ્યો કોચ
54 વર્ષીય આર શ્રીધરને અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમ દ્વારા ન્યૂઝીલેન્ડ અને દક્ષિણ આફ્રિકા સામેની સીરિઝ માટે સહાયક કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે, અફઘાનિસ્તાને ન્યુઝીલેન્ડ સાથે એક ટેસ્ટ રમવાની છે જ્યારે તેણે દક્ષિણ આફ્રિકા સાથે 3 વનડે મેચોની સીરિઝ રમવાની છે. આ બંને સીરિઝ ભારતમાં રમાશે. અફઘાનિસ્તાન ટીમની સોશિયલ મીડિયા પોસ્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે, અમે શ્રીધર સાથે લાંબા સમય સુધી કામ કરવા માંગશે. આનો અર્થ એ થયો કે જો બંને સિરીઝમાં અફઘાનિસ્તાનનું પ્રદર્શન સારું રહેશે તો શ્રીધરને લાંબા સમય સુધી અફઘાન ટીમના કોચિંગનો હિસ્સો બનાવવામાં આવી શકે છે.
ભારતીય ટીમને આપી ચૂક્યો છે કોચિંગ
આર શ્રીધર કોચિંગની દુનિયામાં મોટું નામ છે. તે ભારતીય ટીમને પણ કોચિંગ આપી ચૂક્યો છે. શ્રીધર 2014થી લઈને 2021 સુધી ભારતીય ટીમનો ફિલ્ડિંગ કોચ રહ્યો છે. લેવલ થ્રી સર્ટિફાઈડ કોચ શ્રીધર ભારતની અંડર-19 ટીમનો સહાયક કોચ રહી ચૂક્યો છે. તે IPLમાં પંજાબ કિંગ્સ સાથે પણ કામ કરી ચૂક્યો છે. ત્રિપુરા ક્રિકેટ બોર્ડનો અધ્યક્ષ રહી ચૂક્યો છે. આ સાથે જ તે નેશનલ ક્રિકેટ એકેડમીમાં સહાયક ફિલ્ડિંગ અને સ્પિન બોલિંગ કોચ રહી ચૂક્યો છે. જો ક્રિકેટ કરિયરની વાત કરીએ તો શ્રીધરે 35 લિસ્ટ એ મેચોમાં 574 રન બનાવવાની સાથે 91 વિકેટ ઝડપી છે. બીજી તરફ તે 15 લિસ્ટ એ મેચ પણ રમી ચૂક્યો છે. તે ઘરેલું ક્રિકેટમાં હૈદરાબાદ માટે રમતો હતો.