આર પ્રજ્ઞાનંધાએ વર્લ્ડ ચેમ્પિયન લિરેનને હરાવ્યો, ટોપ રેન્ક ધરાવનાર પ્રથમ ભારતીય ચેસ પ્લેયર બન્યો
પ્રજ્ઞાનંધાએ આ જીત સાથે દિગ્ગજ ચેસ પ્લેયર વિશ્વનાથન આનંદને પાછળ છોડી દીધા છે
તે ચેસ રેન્કિંગમાં સૌથી વધુ રેન્ક ધરાવનાર ભારતીય ખેલાડી બની ગયો છે
Image:File Photo |
R Praggnanandhaa Beats World Champion Ding Liren : ભારતના યુવા ચેસ પ્લેયર આર પ્રજ્ઞાનંધાએ ઇતિહાસ રચી દીધો છે. તેણે ટાટા સ્ટીલ ચેસ ટૂર્નામેન્ટમાં વર્લ્ડ ચેમ્પિયન ડિંગ લિરેનને હરાવ્યું હતું. ચીનના વર્લ્ડ ચેમ્પિયન સામેની જીતથી પ્રજ્ઞાનંધાને આશ્ચર્ય થયું કારણ કે તે ડિંગને આટલી જલ્દી હરાવી દેશે તેવી તેને અપેક્ષા ન હતી. આ જીત સાથે તેણે દિગ્ગજ ચેસ પ્લેયર વિશ્વનાથન આનંદને પાછળ છોડી દીધા છે. તે ચેસ રેન્કિંગમાં સૌથી વધુ રેન્ક ધરાવનાર ભારતીય ખેલાડી બની ગયો છે.
ભારતીય ચેસ પ્લેયરમાં સૌથી વધુ રેન્ક ધરાવનાર ખેલાડી બન્યો
પ્રજ્ઞાનંધા તેના કરિયરમાં પ્રથમવાર ભારતીય ચેસ પ્લેયરમાં સૌથી વધુ રેન્ક ધરાવનાર ખેલાડી બન્યો છે. જીત બાદ પ્રજ્ઞાનંધાએ કહ્યું, “ મને લાગ્યું કે મેં ખુબ જ સરળતાથી બરાબરી કરી લીધી અને તે પછી કોઈક રીતે તેના માટે વસ્તુઓ ખોટી થવા લાગી. ડિંગ કદાચ તેની રમત પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરતો ન હતો. તે બચાવ કરી શક્યો ન હતો જેની મને અપેક્ષા ન હતી.”
“વર્લ્ડ ચેમ્પિયન ખેલાડીને હરાવવું સહેલું નથી”
ભારતીય ગ્રાંડમાસ્ટર આર પ્રજ્ઞાનંધાએ કહ્યું. ‘મને લાગે છે કે કોઈપણ દિવસે તમે આવા મજબૂત ખેલાડીને હરાવો છો તે દિવસ તમારા માટે ખુબ જ ખાસ હોય છે કારણ તેમને હરાવવું સહેલું નથી. પ્રથમ વખત ક્લાસિકલ ચેસમાં વર્લ્ડ ચેમ્પિયન સામે જીતવું એક મોટી સિદ્ધિ છે. શરૂઆતની ત્રણ ગેમ રોમાંચક હતી. મને લાગે છે કે હું સારું રમી રહ્યો હતો પરંતુ છેલ્લા વર્ષે પણ આવું જ થયું હતું. એક સમય હતો જયારે હું ખરેખર સારું રમી રહ્યો હતો અને ત્યારબાદ મારી રમત ખુબ ખરાબ થઇ ગઈ હતી જેથી મને લાગે છે કે આ સારું છે. ટુર્નામેન્ટના અંત સુધી એક એનર્જી જાળવી રાખવી ખરેખર મહત્વપૂર્ણ છે.”
વિશ્વનાથન આનંદને છોડ્યો પાછળ
ચેઝ રેન્કિંગમાં આર પ્રજ્ઞાનંધા 11મા ક્રમે છે. તે ડિંગ સામે જીત બાદ રેન્કિંગમાં બે સ્થાન આગળ વધી ગયો છે. ચીનના ડિંગ લિરેન સામે જીત્યા બાદ તે વિશ્વનાથનથી આગળ નીકળી ગયો છે. વર્તમાન ચેસ રેન્કિંગમાં વિશ્વનાથન આનંદ 12મા સ્થાને છે. તેમને રેન્કિંગમાં એક સ્થાનનું નુકસાન થયું છે. ચેસ રેન્કિંગમાં મેગ્નસ કાર્લસન પહેલા સ્થાને છે.