હું જવાબદાર છું, ન્યૂઝીલેન્ડ સામે હાર એક નિરાશાજનક અનુભવ : ભારતનો દિગ્ગજ બોલર
R. Ashwin Took Responsibility for Loss: ટીમ ઈન્ડિયાના જાદુઈ સ્પિનર આર.અશ્વિને ન્યૂઝીલેન્ડ સામે ટેસ્ટ શ્રેણીમાં 0-3ની ભૂંડી હારને નિરાશાજનક ગણાવતાં પોતાની જાતને દોષિત ઠેરવ્યો છે. આ પહેલીવાર થયું છે જ્યારે ટીમ ઈન્ડિયાએ ઘરઆંગણે ત્રણ કે તેનાથી વધુ ટેસ્ટ મેચની શ્રેણીમાં વ્હાઈટવોશનો સામનો કરવો પડ્યો હતો. જોકે છેલ્લા 12 વર્ષથી ટીમ ઈન્ડિયા ભારતમાં કોઈ શ્રેણી હારી નહોતી.
અશ્વિનનું દર્દ છલકાયું...!
અશ્વિને તેના યુટ્યુબ ચેનલ પર કહ્યું કે ટીમ ઈન્ડિયા ન્યૂઝીલેન્ડ સામે 0-3 થી હારી ગઇ. મેં ક્યાંક વાંચ્યું હતું કે ભારતમાં આવું પહેલાં ક્યારેય નથી થયું. મારા કારકિર્દી અને અત્યાર સુધીના મારા અનુભવ પ્રમાણે હું જાણું છું કે જ્યારે અમે રમીએ તો અમારી અંદર આટલી ભાવનાઓ નથી હોતી પણ આ ખૂબ જ નિરાશાજનક રહ્યું. છેલ્લાં બે કે ત્રણ દિવસથી મને એ નથી સમજાતું કે હું આ મામલે શું કહું.
મારા ખરાબ પ્રદર્શનને કારણે ટીમ હારી
અશ્વિને આ શ્રેણીમાં ભારતના ખરાબ પ્રદર્શનની જવાબદારી સ્વીકારતાં કહ્યું કે હું પોતે પરફોર્મ ન કરી શક્યો જેના કારણે ટીમે વેઠવું પડ્યું. મને મારાથી ઘણી આશા રહે છે. હું એવો ખેલાડી છું જે કહે છે કે જે કંઇ ખોટું થયું તેના માટે હું જવાબદાર છું. આ શ્રેણીમાં પરાજય માટે હું પોતે જવાબદાર રહ્યો. હું નીચલા ક્રમે બેટિંગ ન કરી શક્યો. બોલર તરીકે મેં અમુક વખતે સારી શરૂઆત કરી પણ અમુક વખતે રન લૂંટાવ્યાં. મેં મારું બેસ્ટ આપ્યું પણ તે પૂરતું નહોતું.