કાલે હું ભલે જીવતો ન રહું, પણ મારી આત્મા અહીં જ ફરતી રહેશે: આર અશ્વિને કેમ કહ્યું આવું?
- તમિલનાડુ ક્રિકેટ એસોસિએશને 500 ટેસ્ટ વિકેટ અને 100 ટેસ્ટ પૂરી કરવા બદલ અશ્વિનનું સન્માન કર્યું
Image Source: Twitter
નવી દિલ્હી, તા. 17 માર્ચ 2024, રવિવાર
રવિચંદ્રન અશ્વિન IPLમાં લાંબા સમય સુધી ચેન્નાઈ સુપર કિંગ્સ માટે રમ્યો છે જ્યારે ચેન્નાઈના ચેપોક સ્ટેડિયમ પ્રત્યે તેનો પ્રેમ એક અલગ લેવલ પર છે. તે તમિલનાડુ ક્રિકેટ એસોસિએશન અથવા TNCA માટે સ્થાનિક ક્રિકેટ રમે છે અને આ રાજ્યની મોટાભાગની ક્રિકેટ આ જ મેદાન પર થાય છે. તમિલનાડુ ક્રિકેટ એસોસિએશનની ટી20 લીગ પણ આ જ સ્ટેડિયમમાં રમાય છે અને અશ્વિન જ્યારે પણ નેશનલ ડ્યૂટીથી ફ્રી થાય છે ત્યારે તે પોતાના રાજ્ય માટે તમામ પ્રકારની ક્રિકેટ રમતો નજર આવે છે. આ જ એસોસિએશને 500 ટેસ્ટ વિકેટ અને 100 ટેસ્ટ પૂરી કરવા બદલ અશ્વિનનું સન્માન કર્યું ત્યારે અશ્વિને કહ્યું કે મારા મૃત્યુ બાદ મારી આત્મા અહીં જ ફરતી રહેશે.
તમિલનાડુ અને તેના ક્લબ ક્રિકેટ પ્રત્યે અશ્વિનની પ્રતિબદ્ધતા એવી છે કે આજ સુધી તે નેશનલ ડ્યુટી પર ન હોવા છતાં પણ ઘરેલુ કાર્યક્રમો માટે પોતાને ઉપલબ્ધ રાખે છે. તેણે કહ્યું કે, આ જગ્યાએ મને એટલું બધું આપ્યું છે કે હું વારંવાર અહીં આવવા માંગુ છું. લોકો પૂછતા રહે છે કે તમે શા માટે પાછા જવા માંગો છો? અશ્વિને આગળ કહ્યું કે, કાલે હું ભલે જીવતો ન રહું, પણ મારી આત્મા અહીં જ ફરતી રહેશે. મારા માટે આ જગ્યાનો અર્થ આ જ છે.
ચેન્નાઈના ચેપોક સ્ટેડિયમ અંગે અશ્વિને કહ્યું કે, હું શું અનુભવું છું તે વ્યક્ત કરવા માટે હું સામાન્ય રીતે શબ્દો નથી શોધતો. અહીં આવીને હું ખરેખર વિનમ્ર અને આભારી રહું છું. અશ્વિને આગળ અનિલ કુંબલે અને રાહુલ દ્રવિડ અંગે કહ્યું કે, અનિલ ભાઈ અને રાહુલભાઈએ ટૂંકમાં કહ્યું કે મારી સાથે ચર્ચામાં જીતવું ખૂબ જ મુશ્કેલ છે. આ સાચું છે કારણ કે હું માનું છું કે તર્ક શ્રેષ્ઠતાના સૌથી મહાન માર્ગોમાંથી એક છે. વાદ-વિવાદ ક્યારેય વ્યક્તિ સાથે નથી હોતો. તે હંમેશા સાચી શીખ સાથે થાય છે જે અંતમાં આવે છે.