IPL 2025: ખિસ્સાંમાં 110 કરોડ રૂપિયા હોવા છતાં IPL ઓક્શનમાં પંજાબ કિંગ્સે કરી નાંખી મોટી ભૂલ!
Image Source: Twitter
IPL 2025 Punjab Kings Opener Combination: IPL 2025 મેગા ઓક્શનમાં સૌથી વધુ પર્સ વેલ્યુ ધરાવતી ફ્રેન્ચાઈઝી પંજાબ કિંગ્સ હતી, જેણે IPL 2025 માટે માત્ર બે ક્રિકેટરોને રિટેન કર્યા હતા. પંજાબ કિંગ્સ ટ્રોફી જીતવાના ઈરાદા સાથે સંપૂર્ણપણે નવી ટીમ સાથે IPL 2025માં ઉતરવા જઈ રહી છે. ટીમે પોતાની સ્કવોડ પૂરી કરવા માટે રૂ. 109.65 કરોડનો ખર્ચ કર્યા છે. તેમ છતાં ક્રિકેટ નિષ્ણાતો કહી રહ્યા છે કે, ઓક્શનમાં પંજાબ કિંગ્સે મોટી ભૂલ કરી છે.
પંજાબ કિંગ્સે IPL 2025 માટે 110 કરોડ રૂપિયાના મજબૂત પર્સ સાથે ઓક્શનમાં ભાગ લીધો હતો, પરંતુ ટીમની ઓપનિંગ જોડીને લઈને સવાલો ઉઠી રહ્યા છે. પૂર્વ ભારતીય ક્રિકેટર અને પ્રખ્યાત કોમેન્ટેટર આકાશ ચોપરાએ ટીમની રણનીતિ પર સવાલ ઉઠાવ્યા છે. તેનું માનવું છે કે પંજાબ કિંગ્સ માટે સ્થાનિક ખેલાડીઓ પર નિર્ભર રહેવું જોખમી બની શકે છે.
અનકેપ્ડ ઓપનર્સ પર ભરોસો
આકાશ ચોપરાએ પોતાની યુટ્યૂબ ચેનલ પર કહ્યું કે, પંજાબ કિંગ્સે 110 કરોડ રૂપિયાના પર્સ સાથે ઓક્શનમાં હિસ્સો લીધો, પરંતુ તેણે અનકેપ્ડ ઓપનર્સ પર દાવ ખેલ્યો. આ વ્યૂહનીતિ જોખનમી બની શકે છે. આટલા પૈસામાં જોસ બટલર, ઈશાન કિશન અથવા ફિલ સોલ્ટ જેવા મોટા ખેલાડીઓને ખરીદી શકાતા હતા.
તમને જણાવી દઈએ કે, પંજાબ કિંગ્સે પ્રભસિમરન સિંહને 4 કરોડ રૂપિયામાં રિટેન કર્યો હતો, જ્યારે ઘરેલુ ક્રિકેટના ઉભરતા સ્ટાર પ્રિયાંશ આર્યને 3.80 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. આ બંને ખેલાડીઓ અનકેપ્ડ છે.
સ્ટોઈનિસ અને ઈંગ્લિશને અજમાવી શકે છે ટીમ
આકાશ ચોપરાએ એવી સંભાવના વ્યક્ત કરી છે કે પંજાબ કિંગ્સ ઓપનિંગ માટે ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર માર્કસ સ્ટોઈનિસને અજમાવી શકે છે. સ્ટોઈનિસ ઓપનિંગ કરી શકે છે અને રિકી પોન્ટિંગની વાપસી બાદ આ શક્ય છે.
આ ઉપરાંત તેણે વિકેટકીપર બેટ્સમેન જોશ ઈંગ્લિશનું નામ પણ સૂચવ્યું છે. ઈંગ્લિસ ઓસ્ટ્રેલિયાની T20 ટીમનો કેપ્ટન રહી ચૂક્યો છે. પરંતુ ચોપરાના મતે ઈંગ્લિશના રમવાથી ટીમનું સંતુલન બગડી શકે છે. જો ઈંગ્લિશ ઓપનિંગ કરે તો બે વિદેશી ફાસ્ટ બોલરોને સામેલ કરવા મુશ્કેલ બનશે.
ટીમ માટે આગળનો પડકાર
પંજાબ કિંગ્સ પાસે પહેલેથી જ ગ્લેન મેક્સવેલ અને સ્ટોઈનિસ જેવા ઓલરાઉન્ડર છે. આવી સ્થિતિમાં ઓપનિંગ જોડીની પસંદગી ટીમના સંતુલન પર અસર કરી શકે છે. ટીમ મેનેજમેન્ટ માટે તે નક્કી કરવું એક પડકાર હશે કે તેણે કયા કોમ્બિનેશન સાથે ઉતરવું.