Get The App

ચાલુ IPLમાં પૃથ્વી શોનું વધ્યું ટેન્શન: સપના ગિલ કેસમાં કોર્ટે આપ્યા તપાસના આદેશ, જાણો શું છે વિવાદ

Updated: Apr 4th, 2024


Google NewsGoogle News
ચાલુ IPLમાં પૃથ્વી શોનું વધ્યું ટેન્શન: સપના ગિલ કેસમાં કોર્ટે આપ્યા તપાસના આદેશ, જાણો શું છે વિવાદ 1 - image
Image:IANS

Prithvi Shaw And Sapna Gill Controversy : ક્રિકેટર પૃથ્વી શો ફરી એકવાર મુશ્કેલીમાં જોવા મળી રહ્યો છે. મુંબઈની એક કોર્ટે ગઈકાલે (3 એપ્રિલ) સોશિયલ મીડિયા ઈન્ફ્લ્યુએન્સર સપના ગિલની કથિત છેડતીના કેસમાં તપાસનો આદેશ આપ્યો છે. મળેલા અહેવાલ મુજબ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ એસ.સી તાયડેએ પોલીસને 19 જૂન સુધીમાં તપાસ રિપોર્ટ સોંપવા કહ્યું છે. સપના ગિલ વતી ક્રિકેટર વિરુદ્ધ FIR ન નોંધવા બદલ પોલીસ સામે કાર્યવાહીની માંગ કરવામાં આવી હતી. પરંતુ કોર્ટે તેની માંગ ફગાવી દીધી હતી.

શું છે સમગ્ર મામલો?

ગયા વર્ષે 15 ફેબ્રુઆરીએ એક વીડિયો સામે આવ્યો હતો. આ વીડિયો ક્રિકેટર પૃથ્વી શો અને સોશિયલ મીડિયા ઇન્ફ્લ્યુએન્સર સપના ગિલ વચ્ચેની લડાઈનો હતો. આરોપ હતો કે ક્રિકેટર પૃથ્વી શોએ સપના ગિલ અને તેના મિત્રો સાથે મારપીટ કરી હતી. સપના ગિલે આરોપ લગાવ્યો હતો કે શો અને તેના મિત્રોએ તેની પર ફિઝિકલ અસોલ્ટ કર્યો હતો. સપનાએ ક્રિકેટર પર યૌન ઉત્પીડનનો આરોપ પણ લગાવ્યો હતો. જ્યારે પૃથ્વી શોએ સપના અને તેના એક મિત્ર પર દુર્વ્યવહાર અને મારપીટનો આરોપ લગાવ્યો હતો. 

સપના ગિલે જે દાવો કર્યો છે તેવી કોઈ ઘટના બની નથી - CISF અધિકારીઓ

પૃથ્વી શોની ફરિયાદના આધારે સપના અને તેના મિત્રની ધરપકડ કરવામાં આવી હતી. બાદમાં સપનાને જામીન મળી ગયા હતા. જેલમાંથી બહાર આવ્યા બાદ સપના ગિલે શો અને તેના મિત્રો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે મેજિસ્ટ્રેટ કોર્ટને કહ્યું હતું કે ક્રિકેટર પર લાગેલા તમામ આરોપો ખોટા છે. CISF અધિકારીઓએ પોલીસને એમ પણ જણાવ્યું હતું કે સપના ગિલે જે દાવો કર્યો છે તેવી કોઈ ઘટના બની નથી. 

સપના અને તેનો મિત્ર નશામાં હતા

પોલીસે કોર્ટને કહ્યું હતું કે, પબના સીસીટીવી ફૂટેજની તપાસમાં જોવા મળ્યું હતું કે સપના અને તેના મિત્ર શોભિત ઠાકુર નશામાં હતા અને ડાન્સ કરતા હતા. જ્યારે પૃથ્વી ત્યાં પહોંચ્યો ત્યારે શોભિત પોતાના મોબાઈલમાંથી ક્રિકેટરની રેકોર્ડિંગ કરવા માંગતો હતો. પરંતુ શોએ તેને આમ કરતા અટકાવ્યો હતો. પબમાં હાજર લોકોની પૂછપરછ અને ફૂટેજ જોયા પછી પોલીસને જાણવા મળ્યું કે સપનાને કોઈએ અયોગ્ય રીતે સ્પર્શ કર્યો ન હતો. 

સપનાએ હાથમાં બેઝબોલ બેટ લઈને પૃથ્વી શોનો પીછો કર્યો

પોલીસે કોર્ટને એ પણ જણાવ્યું હતું કે, તેઓએ ઘટના સ્થળની નજીકના એર ટ્રાફિક કંટ્રોલ ટાવરના સીસીટીવી ફૂટેજની પણ તપાસ કરી હતી. આ વીડિયો જોયા પછી ખબર પડી કે સપના ગિલ હાથમાં બેઝબોલ બેટ લઈને પૃથ્વી શોની કારનો પીછો કરી રહી હતી. સપનાએ તેના મિત્રો સાથે મળીને ક્રિકેટરની કારના કાચ પણ તોડી નાખ્યા હતા.

ચાલુ IPLમાં પૃથ્વી શોનું વધ્યું ટેન્શન: સપના ગિલ કેસમાં કોર્ટે આપ્યા તપાસના આદેશ, જાણો શું છે વિવાદ 2 - image


Google NewsGoogle News