વજન વધારે હોવાના કારણે આ સ્ટાર ખેલાડીને ટીમની બહાર કરી દેવાયો, અનુશાસનહીનતા પણ કારણ
Mumbai Cricket Team, Prithvi Shaw : હાલમાં રમાઈ રહેલી રણજી ટ્રોફી 2024માં મુંબઈ ક્રિકેટ ટીમે અત્યાર સુધીમાં બે મેચ રમી છે. જેમાંથી એક મેચમાં તેણે જીત મેળવી હતી. અને એક મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. હવે મુંબઈ તેની આગામી મેચ ત્રિપુરા સામે 26થી 29 ઑક્ટોબર દરમિયાન અગરતલાના MBB સ્ટેડિયમમાં રમશે. આ માટે ટીમની જાહેરાત કરી દેવામાં આવી છે. પરંતુ અહીં ખાસ વાત એ છે કે સ્ટાર ઓપનર પૃથ્વી શૉને ટીમમાં સ્થાન અપાયું નથી.
છેલ્લા કેટલાક સમયથી પૃથ્વી શૉ ખરાબ ફોર્મમાં ચાલી રહ્યો છે. ફોર્મ સિવાય તેની ફિટનેસ પણ એક મોટી સમસ્યા છે. તેના પર અનુશાસનહીનતાનો પણ આરોપ છે. મુંબઈ ક્રિકેટની પ્રેસ રિલીઝમાં પૃથ્વી શૉને પસંદ ન કરવા માટે કોઈ કારણ આપવામાં આવ્યું નથી. મુંબઈ પસંદગી સમિતિ જેમાં સંજય પાટીલ (ચેરમેન), રવિ ઠાકરે, જીતેન્દ્ર ઠાકરે, કિરણ પોવાર અને વિક્રાંત યેલગેતટી સામેલ છે. તેમનું માનવું છે કે, શૉને ઓછામાં ઓછી એક રમત માટે પડતો મૂકવો જોઈએ.
એક અહેવાલ અનુસાર, ટીમ મેનેજમેન્ટે MCAને જાણ કરી છે કે, પૃથ્વી શૉના શરીરમાં 35 ટકા ચરબી છે. અને ટીમમાં પાછા ફરવા માટે તેને પહેલા સખત તાલીમની જરૂર છે. MCAના એક અધિકારીએ જણાવ્યું હતું કે, તેને પડતો મૂકવામાં આવ્યો છે. તેણે ફરીથી તાલીમ પર જવાની અને શરીરનું વજન ઘટાડવાની જરૂર છે.
પૃથ્વી શૉને ટીમમાંથી બહાર કરાયા બાદ મુંબઈની ટીમે તેની જગ્યાએ ઓપનિંગ બેટર તરીકે અખિલ હેરવાડકરને ટીમમાં સામેલ કર્યો છે. પૃથ્વીને આગામી મેચમાં બોલાવવામાં આવશે કે નહીં તે હજુ નક્કી નથી. તનુષ કોટિયન પણ ટીમમાં સામેલ કરાયો નથી. તેને ઓસ્ટ્રેલિયા જઈ રહેલી ઇન્ડિયા A ટીમ માટે પસંદ કરવામાં આવ્યો છે. તેના સ્થાને 28 વર્ષના સ્પિનર કર્ષ કોઠારીને લાવવામાં આવ્યો છે.
ભારત માટે પૃથ્વી ત્રણેય ફોર્મેટમાં ક્રિકેટ રમી ચૂક્યો છે. તેણે ભારતીય ટીમ માટે 5 ટેસ્ટમાં 339 રન અને 6 વનડે મેચમાં 189 રન બનાવ્યા છે. આ સિવાય તેણે એક T20 મેચ પણ રમી છે. તેણે ભારતીય ટીમ માટે પોતાની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ ત્રણ વર્ષ પહેલા વર્ષ 2021માં રમી હતી. હાલમાં તેની ભારતીય ટીમમાં વાપસીની કોઈ શક્યતા નથી.