ભારતમાં ઓલિમ્પિકસ કરાવવા તૈયારી: લાલ કિલ્લાથી PM મોદીની મોટી જાહેરાત
PM Modi Said India Is Preparing to host Olympics In 2036: વર્ષ 2036માં ઓલિમ્પિકસનું આયોજન ભારતમાં કરવાના સંકલ્પને પુનરાવર્તિત કરતા સ્વતંત્રતા દિવસ પર લાલ કિલ્લા પરથી પોતાના સંબોધન દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે દેશ આગામી ઓલિમ્પિકસ મહાકુંભનું આયોજન કરવાની તૈયારી કરી રહ્યો છે. તેમણે પોતાના સંબોધનમાં ઓલિમ્પિકસ વિજેતાઓનો પણ ઉલ્લેખ કર્યો હતો.
વડાપ્રધાનએ કહ્યું હતું કે, 'મિત્રો, ભારતનું સપનું છે કે 2036માં ઓલિમ્પિકસ ભારતની ધરતી પર યોજાય. તેના માટે અમે તૈયારી કરી રહ્યા છીએ અને આગળ વધી રહ્યા છીએ. ભારતે ગયા વર્ષે મુંબઈમાં આયોજિત ઈન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી (આઈઓસી)ની કોન્ફરન્સ દરમિયાન ઓલિમ્પિકસની યજમાની કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. આવતા વર્ષે આઈઓસીના પ્રમુખની ચૂંટણી યોજાવાની છે અને તે પછી વર્ષ 2036 ઓલિમ્પિકસની યજમાની અંગેનો નિર્ણય લેવામાં આવે તેવી શક્યતા છે.
વર્ષ 2028માં લોસ એન્જલસ, અમેરિકામાં ઓલિમ્પિકસનું આયોજન કરશે, જ્યારે 2032માં બ્રિસ્બેન,ઓસ્ટ્રેલિયામાં ઓલિમ્પિકસની યજમાની કરશે. ભારતે હજુ સુધી સ્પષ્ટ કર્યું નથી કે તે કયા શહેર માટે ઓલિમ્પિકસની યજમાનીનો દાવો કરશે. આ પ્રસંગે મોદીએ પેરિસ ઓલિમ્પિક ગેમ્સમાં શાનદાર પ્રદર્શન કરનાર ભારતીય ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા હતા. તાજેતરમાં સમાપ્ત થયેલ પેરિસ ઓલિમ્પિકસમાં ભારતે 1 સિલ્વર અને 5 બ્રોન્ઝ મેડલ સહિત કુલ 6 મેડલ જીત્યા હતા.
આ પણ વાંચો: વડાપ્રધાન મોદીએ ઓલિમ્પિક મેડલિસ્ટ્સ સાથે કરી મુલાકાત, જાણો ખેલાડીઓએ શું ભેટ આપી
વડાપ્રધાને જણાવ્યું હતું કે, 'આજે આપણી સાથે તિરંગાના ધ્વજ નીચે એ યુવાનો બેઠા છે જેમણે ઓલિમ્પિકસની દુનિયામાં ભારતનું નામ રોશન કર્યું છે, હું તમામ ખેલાડીઓને 140 કરોડ દેશવાસીઓ વતી અભિનંદન આપું છું, આપણે નવા સપના, નવા સંકલ્પો અને પ્રયાસો સાથે નવા લક્ષ્યો તરફ આગળ વધીશું.'
વડાપ્રધાને પેરા ઓલિમ્પિકસ માટે પણ ભારતીય ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા હતા. પેરા ઓલિમ્પિકસની શરૂઆત 28 ઓગસ્ટથી પેરિસમાં યોજાશે. તેમણે વધુમાં કહ્યું કે, G-20 સમિટે સાબિત કર્યું કે ભારત સૌથી મોટી ઈવેન્ટ્સનું પણ આયોજન કરવા માટે સક્ષમ છે.